Dakshin Gujarat

ઝઘડિયા GIDCમાં બસ અને કાર વચ્ચે અકસ્માત

ઝઘડિયા: (Jhagadia) ઝઘડિયા GIDCમાં ફરતી બસ અને ફોર વ્હીલ ગાડી વચ્ચેના અકસ્માતમાં (Accident) ફોર વ્હિલ ગાડીને નુકસાન થયું હતું. સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી. તો બીજી તરફ રાજપારડીમાં રસ્તો ક્રોસ કરતા યુવકનું લક્ઝરી બસ (Bus) અડફેટે મોત થયું હતું.

ઝઘડિયા GIDCની પાનોલી ઇન્ટરમિડીએટ્સ નામની કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા ધારોલી ગામના સંજયભાઈ ભગુભાઇ વસાવા ગતરોજ તા.૨૭મીના રોજ કંપનીના મેનેજરને તેમની ફોર વ્હિલ ગાડીમાં લઇ ઝઘડિયા GIDC ખાતે કંપનીમાં આવવા નીકળ્યા હતા. સવારના નવ વાગ્યાના અરસામાં ઝઘડિયા GIDCમાં રોડ ઉપર ઊભી હતી, ત્યારે સામેથી આવતી એક બસ ફોર વ્હિલ ગાડી સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બસચાલક બસને ઘટના સ્થળે મૂકી ભાગી ગયો હતો. સદભાગ્યે આ ઘટનામાં કોઇ જાનહાનિ નહીં થતાં તંત્રએ રાહત અનુભવી હતી. આ બાબતે સંજયભાઇ વસાવાએ ઝઘડિયા પોલીસમથકે ભાગી છૂટેલા બસચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.

રાજપારડીમાં રસ્તો ક્રોસ કરતા યુવકનું લક્ઝરી બસ અડફેટે મોત
ઝઘડિયા: રાજપારડી પાસે માર્ગ અકસ્માતમાં રસ્તો ઓળંગતા 30 વર્ષીય યુવકને રોંગ સાઇડે આવતી એક અજાણી મિની લક્ઝરી ચાલકે અડફેટે લેતાં જ યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

મૂળ મધ્યપ્રદેશનો રહીશ ટ્રક ડ્રાઈવર અલ્ફાજુદ્દિન અલીહશન અંસારી (ઉં.વ.30) છેલ્લાં દસ વર્ષથી રાજપારડીથી મુંબઈ ટ્રક ચલાવતો હતો. ગત તા.૧૪ ઓક્ટોબરે અલ્ફાજુદ્દિનનો મોટોભાઇ મકિમમુદ્દિન અલીહશન અંસારી પણ ડ્રાઇવરની નોકરી કરતો હોઇ તેની ટ્રકમાં રેતી ભરીને ઉમલ્લાથી કામરેજના કોસમડી ખાતે જવા નીકળ્યો હતો. એ વેળા બપોરે ત્રણેક વાગ્યે અલ્ફાજુદ્દિને તેના ભાઇ મકિમમુદ્દિનને ફોન કરી કહ્યું હતું કે, આપણે રાજપારડી ખાતે શિવશક્તિ હોટલ પાસે મળીએ છીએ, તમે જમવાનું લઇ આવજો. બપોરે ચાર વાગ્યાના અરસામાં અલ્ફાજુદ્દિન રોડ ક્રોસ કરતો હતો ત્યારે રોંગ સાઇડે આવતી એક મિની બસે આ યુવકને અડફેટે લેતાં ગંભીર હાલતમાં ભરૂચ સિવિલ બાદ સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. જ્યાં સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.

Most Popular

To Top