Dakshin Gujarat

નવસારીમાં ઓક્સિજનનો પુરવઠો નહીં મળતાં કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલોના દરવાજા બંધ !

નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં કોરોના વકરી રહ્યો છે, એ સંજોગોમાં ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓને નવસારી જિલ્લાની હોસ્પિટલમાં ઓક્સિજનના (Oxygen) અભાવ સારવાર આપી શકાય એમ ન હોવાથી હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરી શકાય એમ નથી. ઉપરાંત અત્યારે જે દર્દીઓ સારવાર હેઠળ છે, તેમના સબંધીઓને ઓક્સિજન મળશે તો સારવાર કરાશે નહીં એ સંજોગોમાં દર્દીને બીજે શીફ્ટ કરવા હોય તો કરી દેવા જણાવી દીધું છે. નવસારી જિલ્લામાં કોરોના વકરી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી દરરોજ નવા કેસ (Case) 40 થી વધુ ઉપર નોંધાઇ રહ્યા છે, જે આંકડો બુધવારે વધીને નવા 58 કેસો નોંધાયા છે. એ સંજોગોમાં નવસારી જિલ્લામાં કોરોનાની સારવાર કરતી તમામ હોસ્પિટલો ફૂલ છે, તેને કારણે નવા દર્દીઓને સારવાર આપવાનું એમ પણ મુશ્કેલ જ હતું, તેમાં વળી હવે ઓક્સિજનની અછતને કારણે ગંભીર સ્થિતિ ઘરાવતા દર્દીઓને સારવાર આપવાનું અશક્ય બન્યું છે. છેલ્લા કેટલાય દિવસથી ઓક્સિજનની અછતનો સામનો કરી રહેલી હોસ્પિટલોના (Hospital) સંચાલકોએ કલેક્ટરને વારંવાર રજુઆત કરી હોવા છતાં ઓક્સિજનનો પુરવઠો પૂરતો મળે એવો બંદોબસ્ત કરવામાં તેઓ સદંતર નિષ્ફળ ગયા છે.

વહીવટી તંત્રને રજુઆત કરવા છતાં તંત્ર બહેરુ બનીને મોતનો તમાસો જોતું રહ્યું છે, ત્યારે આખરે નવસારી જિલ્લાના દર્દીઓના જીવ બચાવવાના આખરી ઉપાય તરીકે ઓક્સિજનનો પુરવઠો મળે એ માટે તંત્રને જગાડવા માટે હોસ્પિટલ એસોસિએશને આજે પત્રકાર પરિષદને બોલાવી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે. આજે બપોરે નવસારીની ખાનગી હોસ્પિટલના સંચાલકોએ કોવિડના દર્દીઓની સારવાર કરવામાં પડતી મુશ્કેલી અંગે પત્રકાર પરિષદ બોલાવી હતી, જેમાં નવસારીની શુશ્રૃષા હોસ્પિટલ, કેજલ હોસ્પિટલ, ઓરેન્જ હોસ્પિટલ, શ્રધ્ધા હોસ્પિટલ, સરદાર હોસ્પિટલ, લાયન્સ હોસ્પિટલ, ગોહિલ હોસ્પિટલ, યુનિટી હોસ્પિટલ, ગણદેવીની દમણિયા હોસ્પિટલ, ચીખલીની સ્પંદન હોસ્પિટલ અને આલિપોર હોસ્પિટલના સંચાલકો હાજર રહ્યા હતા. આ સંચાલકોએ તેમની મુશ્કેલી જણાવીને દર્દીઓની સારવારમાં નડતી સમસ્યાઓ અંગે જણાવ્યું હતું. હાલમાં આ હોસ્પિટલમાં સારવાર લેતા કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવિર ઇન્જેક્શન તો મળી રહે છે, પરંતુ ઓક્સિજનની ભારે અછત વેઠવી પડી રહી છે.

હોસ્પિટલો પાસે હવે બે જ દિવસ ચાલે એટલો ઓક્સિજનનો પુરવઠો
હવે બે જ દિવસ ચાલે એટલો ઓક્સિજનનો પુરવઠો હોસ્પિટલો પાસે છે, ત્યારે કોરોનાના નવા દર્દીઓને સારવાર આપવામાં સમસ્યા પેદા થઇ રહી છે. ઓક્સિજન વિના દર્દીઓને દાખલ કરાતાં દર્દીઓને માથે જોખમ ઊભું થઇ શકે એમ છે. ઉપરાંત સારવાર લઇ રહેલા દર્દીઓને પણ ઓક્સિજન આપી શકાય એમ નથી, ત્યારે એ દર્દીઓના જીવ બચાવવા માટે બીજી હોસ્પિટલોમાં શીફ્ટ કરવા હોય તો કરી દેવા સબંધીઓને હોસ્પિટલના સંચાલકો જણાવી રહ્યા છે, એ જ દર્શાવે છે કે નવસારીમાં ઓક્સિજનની અછત કેટલી વિકટ બની રહી છે અને વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાવ મૂક પ્રેક્ષક બનીને જોઇ રહ્યા છે. નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરા શાહે ઉપલા સ્તરે રજુઆત કરી હોવાનું જાણવા મળે છે. એ પહેલાં ધારાસભ્ય પિયૂષ દેસાઇએ પણ રજુઆત કરી હતી. પરંતુ હજુ સુધી ઓક્સિજનની અછત ઉકેલાઇ નથી, એ તંત્રની નિષ્ફળતા પુરવાર કરે છે.

દરરોજ 2400 બાટલાની જરૂર સામે 1400 બાટલા જ મળતાં સ્થિતિ વિકટ
જિલ્લામાં કોરોનાની સારવાર કરતી અને આજે એકત્ર થયેલી હોસ્પિટલમાં અત્યારે કોરોનાના 478 દર્દીઓને ઓક્સિજનની જરૂર છે. એ માટે હોસ્પિટલોને દરરોજ 2400 ઓક્સિજન બાટલાની જરૂર રહે છે. પરંતુ અત્યારે તેમને ફક્ત 1200 થી 1400 બાટલાનો સપ્લાય જ મળે છે. આ સંજોગોમાં ઓક્સિજનનો જરૂરી જથ્થો કરતાં ઘણો ઓછો પુરવઠો મળી રહ્યો છે. પરંતુ વહીવટી તંત્રની માનવતા મરી પરવારી હોય એમ હોસ્પિટલોની દિવસોથી અછતની બુમરાણ છતાં કોઇએ એ પૂરતો પુરવઠો મળે એ માટે જોગવાઇ કરી નથી. હવે તેનો ભોગ પ્રજા બનશે એમ લાગે છે.

કલેક્ટરને સંચાલકોને મળવાની ફૂરસદ નથી !
નવસારીની લાયન્સ હોસ્પિટલ, ચીખલીની સ્પંદન હોસ્પિટલ તથા ગણદેવીની દમણિયા હોસ્પિટલે ઓક્સિજનની અછત અંગે કલેક્ટરને લેખિત રજુઆત કરી છે. છતાં તેમની સમસ્યા ઉકેલવામાં તંત્રને કોઇ જ રસ ન હોય એમ હજુ પણ ઓક્સિજનનો પુરવઠો મળતો નથી. હોસ્પિટલના સંચાલકો દર્દીઓની હાલત બગડે નહીં એ માટે ઓક્સિજનનો પુરવઠો મેળવવા માટે કલેક્ટરને મળવા માટે જાય છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે કલેક્ટર હોસ્પિટલના સંચાલકોને મળતા જ નથી. આ સંચાલકો એડીસીને મળીને પાછા ફરે છે, પણ સમસ્યાનું નિરાકરણ કરી શકતા નથી. એમ પણ સામાન્ય સંજોગોમાં કલેક્ટરનો ફોન કરો ત્યારે પણ કલેક્ટર ફોન ઉઠાવતા નથી અને ટેક્સ્ટ મેસેજ મોકલો એવો મેસેજ મોકલી આપે, પછી હાથ પર હાથ જોડીને બેસી રહેતા હોવાની ફરિયાદ સતત સાંભળવા મળી રહી છે.

ઓક્સિજનો પૂરવઠો પૂરો પાડવામાં નિષ્ફળ અધિક કલેક્ટર સારવારની ના પાડનારી હોસ્ટિપલને ચીમકી આપે છે !
નવસારી જિલ્લાના અધિક કલેક્ટર કમલેશ રાઠોડે જણાવ્યું હતું કે, નવસારી જિલ્લાની હોસ્પિટલોમાં ઓક્સિજનના બાટલાઓ મળી રહે એ માટે ટીમ બનાવીને કામ કરી રહ્યા છે. પરંતુ ઓક્સિજનના બાટલા બીજા જિલ્લાઓમાંથી આવે છે. અત્યારની સ્થિતિમાં એ જિલ્લામાં તેમની હોસ્પિટલને પ્રાધાન્ય અપાતું હોય નવસારીને જરૂરી પુરવઠો મળતો નથી. જો કે ઓક્સિજનનો પૂરતો પુરવઠો પૂરો પાડવામાં કલેક્ટર નિષ્ફળ ગયા છે, ત્યારે અધિક કલેક્ટરે એવી પણ ચીમકી આપી છે કે હોસ્પિટલના સંચાલકો કોરોનાના નવા દર્દીઓને દાખલ કરવાની ના પાડે તો ચાલશે નહીં. ખરેખર તો આવી સ્થિતિ ન આવે એ માટે કલેક્ટરે હોસ્પિટલના સંચાલકોને સારવાર માટે જરૂરી ઓક્સિજન કે બીજી સુવિધા તત્કાળ પૂરી પાડવાની તાકાત દેખાડવી જોઇએ. સંચાલકોને ચીમકી આપવાથી સમસ્યાનો હલ આવી શકે એમ નથી. પુરવઠો પણ અપૂરતો હોય ત્યારે નબળો પતિ પત્ની પર શૂરો એમ અધિક કલેક્ટર હોસ્પિટલના સંચાલકો પર શૂરા થવાને બદલે તેમની ઓક્સિજનની અછતની સમસ્યા દૂર કરવામાં પોતાનું શૂરાતન દેખાડે એ જરૂરી છે.

આલીપોર હોસ્પિટલને તો રેમડેસિવિર પણ ન મળ્યા
રેમડેસિવિર ઇન્જેકશન મળે તો કોરોનાના દર્દીની સાજા થવાની તક વધી જાય છે. પરંતુ ચીખલીની આલીપોર હોસ્પિટલને છેલ્લા 6 દિવસથી રેમડેસિવિર ઇન્જેક્શન પણ ળ્યા નથી. આ હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોય ગરીબ લોકો માટે આશીર્વાદરૂપ છે. પરંતુ એ હોસ્પિટલને આ જીવનજરૂરી ઇન્જેક્શન મળતા ન હોવાથી ગરીબોની પરેશાની વધી રહી છે.

Most Popular

To Top