Dakshin Gujarat

નવસારીમાં બાંધકામના પૈસા માંગતા કોન્ટ્રાક્ટરની હાલત કફોડી થઈ, ઘમકી મળી કે..

નવસારી : વિજલપોરમાં (Vijalpor) બાંધકામના પૈસા (Money) માંગતા કોન્ટ્રાક્ટરને (Contractor) 3 ભાઈઓએ માર મારતા મામલો જલાલપોર પોલીસ મથકે (Police Station) નોંધાયો છે. મળતી માહિતી મુજબ, જલાલપોર ઘેલખડી રોડ પર શિવાની રેસીડન્સીમાં રહેતા નવલભાઈ ભીમજીભાઈ ગાંગાણી બાંધકામના કોન્ટ્રાક્ટરનું કામ કરે છે. તેમજ વિજલપોર ગોપાલનગરમાં આવેલી ગુર્જર ક્ષત્રિય સમાજની વાડીમાં ટ્રસ્ટી પણ છે. ગત 2013 માં વિજલપોર રામનગર ખાતે રહેતા હસમુખ નાગજીભાઈ રામપરીયાના પ્લોટ પર મકાનનું બાંધકામ કર્યું હતું. જે બાંધકામના 40 હજાર રૂપિયા લેવાના બાકી હતા. જેથી નવલભાઈએ તેમની પાસેથી પૈસાની માંગણી કરતા તેઓએ પૈસા આપ્યા હતા.

  • કોન્ટ્રાક્ટરે પ્લોટ પર મકાનનું બાંધકામ કર્યું હતું જે બાંધકામના 40 હજાર રૂપિયા લેવાના બાકી હતા
  • ‘તારા પૈસા હવે મળશે નહી, તારાથી થાય તે કરી લેજે અને માંગતો નહી’ તેમ કહી કોન્ટ્રાક્ટરે સાથે અપશબ્દો બોલી ઝઘડો થયો
  • હવે પછી જો તું પૈસાનું નામ લેશે તો જાનથી મારી નાંખીશું’ તેવી ધમકી પણ મળી

ગત 27મીએ બીજા નોરતાના દિવસે ગુર્જર ક્ષત્રિય સમાજની વાડીમાં ગરબા રમવા માટે ગયા હતા. જ્યાં નવલભાઈ તેમના પરિવારના સભ્યો સાથે ગરબા રમી રહ્યા હતા. ત્યારે તેમની પાછળ ચંદ્રકાંતભાઈ નાગજીભાઈ રામપરીયા ગરબા રમી રહ્યા હતા. જેથી ચંદ્રકાંતભાઈએ નવલભાઈને જોરથી ધક્કો મારી અપશબ્દો બોલી બહાર આવ તેમ જણાવ્યું હતું. જેથી નવલભાઈ ગરબામાંથી બહાર નીકળી સાઇડમાં જતા ચંદ્રકાંતભાઈએ જણાવ્યું હતું કે, ‘તારા પૈસા હવે મળશે નહી, તારાથી થાય તે કરી લેજે અને માંગતો નહી’ તેમ કહી નવલભાઈ સાથે અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો. ત્યારે સંજયભાઈ રામપરીયાએ હાથમાંનું હેલ્મેટથી માર મારતા હતા અને બીજા ભાઈ હસમુખભાઈએ માથાના ભાગે લાકડીનો ફટકો માર્યો હતો. જેના પગલે નવલભાઈને લોહી નીકળવા લાગતા ભેગા થયેલા અન્ય લોકોએ નવલભાઈને વધુ મારથી બચાવ્યો હતો.

જતા-જતા ચંદ્રકાંતભાઈ, સંજયભાઈ અને હસમુખભાઈ ‘આજે તો તું બચી ગયો હવે પછી જો તું પૈસાનું નામ લેશે તો જાનથી મારી નાંખીશું’ તેવી ધમકી આપી ગયા હતા. આ બનાવ અંગે નવલભાઈએ જલાલપોર પોલીસ મથકે ચંદ્રકાંતભાઈ, સંજયભાઈ અને હસમુખભાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ હે.કો. મહેન્દ્રસિંહને સોંપી છે.

Most Popular

To Top