Columns

નાસા સ્વોટ : પૃથ્વીનું ‘પાણી’ માપતું મિશન

10 અબજ ટન. આટલો પાણીનો જથ્થો દુનિયામાં એક દિવસમાં વપરાય છે. એમાંથી પીવાલાયક પાણી લગભગ 6 અબજ ટન જેટલું હોય છે. દર વર્ષે 4.3 ટ્રિલિયન ક્યૂબિક મીટર પીવાલાયક પાણીનો જથ્થો દુનિયામાં વપરાય છે. છતાં વિશ્વમાં 150 કરોડ લોકો પાણીની અછતથી પીડાય છે. 2050માં વિશ્વની વસતિમાં 270 કરોડનો વધારો થશે એટલે 30 વર્ષ પછી અત્યારે વપરાય છે એના કરતા બમણો પીવાલાયક પાણીનો જથ્થો જરૂરી બનશે. સરેરાશ એક માણસ એક દિવસમાં 2171 લીટર પાણી વાપરે છે! જેમાં સ્નાન કરવાથી લઈને પીવા માટે વપરાયેલા પાણીનો જથ્થો અને કપડા ધોવાથી લઈને રસોઈમાં વપરાયેલા પાણીનો સમાવેશ થાય છે. તે ઉપરાંત આપણે જે વિવિધ પ્રોડક્ટ વાપરીએ છીએ તેની બનાવટમાં જળનો જે જથ્થો વપરાય છે તેની ગણતરી પણ આમાં થઈ છે.

વૉટર-મેનેજમેન્ટ યોગ્ય હોય તો દુનિયાનો એકપણ માણસ તરસ્યો રહે નહીં. જેમ કે સરેરાશ અમેરિકન નાગરિક દરરોજ સૌથી વધુ 7000 લીટર પાણી વાપરી નાખે છે. બીજી તરફ ગરીબ દેશોના નાગરિકોના ભાગે માંડ સરેરાશ 1000 લીટરનો જથ્થો આવે છે. અસમાન વહેંચણીના કારણે જ 150 કરોડ જેટલાં લોકોને પાણીની ગંભીર અછતનો સામનો કરવો પડી રહ્યો છે. 2030 સુધીમાં પાણીની અછતથી ઝઝૂમતાં લોકોની સંખ્યા બમણી એટલે કે 300 કરોડ થઈ જાય એવી શક્યતા છે.
પાણીની વિકટ અછતની સ્થિતિ સામે લડવા અને લાંબાં ગાળે વૉટર મેનેજમેન્ટની ટકાઉ પદ્ધતિ વિકસાવવાના હેતુથી અમેરિકા-ફ્રાન્સે સંયુક્ત રીતે પાણીના જથ્થાનું આકલન કરવાનું મિશન હાથ ધર્યું છે. કેનેડા-બ્રિટનના સહકારથી અમેરિકન સ્પેસ એજન્સી નાસા અને ફ્રાન્સની અવકાશ સંસ્થા નેશનલ સેન્ટર ઓફ સ્પેસ રિસર્ચે સંયુક્ત રીતે સરફેસ વૉટર એન્ડ ઓશેનિયન ટોપોગ્રાફી (સ્વોટ) સેટેલાઈટ લોંચ કર્યો છે.


1978માં નાસાએ સીસેટ નામનો એક ઉપગ્રહ લોંચ કર્યો હતો. પૃથ્વીના બધા જ મહાસાગરો, તેના પ્રવાહો અને જળસ્તરનું પહેલી વખત વૈજ્ઞાનિક રીતે નિરીક્ષણ થયું હતું. આ સેટેલાઈટના કારણે નાસાએ દુનિયાના મહાસાગરોમાં વધતી-ઘટતી હવા, સમુદ્રની સપાટીમાં બદલાતું તાપમાન, મોજાંના ચઢાવ-ઉતાર, આંતરિક પ્રવાહ જેવી બાબતોનો અભ્યાસ થયો હતો અને સંશોધકો માટે નવી દિશા ખુલી હતી. તેના પગલે-પગલે અમેરિકા-ફ્રાન્સે મળીને જેસન સીરિઝના ઉપગ્રહો લોંચ કર્યાં. એ ઉપગ્રહોના પ્રયાસો તો છેક 1992થી શરૂ થયા હતા. દસેક વર્ષની મહેનત પછી 2001માં એ મિશન લોંચ થયું અને ત્રણ ઉપગ્રહોના માધ્યમથી સમુદ્ર ઉપરાંત અમેરિકા-યુરોપની પસંદ કરેલી નદીઓ અને તળાવોના જળસ્તર સહિતના અભ્યાસો થયા. દોઢેક દશકા લાંબાં આ મિશન દરમિયાન ખૂબ જ ઉપયોગી માહિતી મળતી જણાઈ. ખાસ તો સમુદ્રની સપાટી વધી રહી હોવાથી લઈને નદીઓના પાણી સૂકાઈ રહ્યાં છે એના સચોટ તારણો આ ઉપગ્રહોએ આપ્યાં.

દોઢેક દશકા સુધી નિયત ભૂભાગ પર પાણીના જથ્થાનો સફળ અભ્યાસ કર્યા બાદ અમેરિકા-ફ્રાન્સે કેનેડા-બ્રિટનના સહયોગથી એક ગ્લોબલ પ્રોજેક્ટનું બીડું ઝડપ્યું અને એમાંથી જન્મ થયો સ્વોટનો. રાતોરાત આ મિશન લોંચ નથી થયું, નાસા સહિતની અવકાશ એજન્સીઓએ આ ગ્લોબલ પ્રોજેક્ટ માટે બે દશકા સુધી મહેનત કરી છે. તેના એક એક ઉપકરણને બહેતર બનાવવા અને સચોટ માહિતી મળે એવા કાર્યક્ષમ બનાવવા માટે દુનિયાભરના ટેકનો-એક્સપર્ટ્સની મદદ લેવામાં આવી છે. દુનિયાના ટોચના વિજ્ઞાનિકો અને પહેલી હરોળના ટેકનો-એક્સપર્ટ્સનો અજોડ સંયોગ આ પ્રોજેક્ટમાં થયો છે. પ્રોજેક્ટ પાછળ 1.2 અબજ ડોલરનો માતબર ખર્ચ પણ થયો છે.

16મી ડિસેમ્બરે સ્પેસ એક્સના ફાલ્કન રોકેટની મદદથી આ સેટેલાઈટ અંતરિક્ષમાં મોકલાયો એ સાથે જ વૉટર મેનેજમેન્ટના અને ગ્લોબલ વૉટર એનાલિસિસના ક્ષેત્રમાં નવું ચેપ્ટર લખાયું. આ સેટેલાઈટ 3 વર્ષ સુધી કાર્યરત રહેશે અને પૃથ્વીની ઉપર ફરીને પાણીના બધા જ સ્રોતનું આકલન કરશે. નદીનું પાણી સૂકાઈ જાય છે તે પાછળ કેવા પરિબળો જવાબદાર છે અને તેની પેટર્ન શું છે? ક્લાઈમેટ ચેન્જની નદીના પાણી પર કેવી અને કેટલી અસર થાય છે? સમુદ્રમાં વહી જતો કેટલો જથ્થો સાચવી શકાય તેમ છે? બરફ પીગળવાથી કેટલું પાણી દર વર્ષે સમુદ્રમાં ભળે છે? તેનાથી સમુદ્રની સપાટી કેટલી ઊંચી આવે છે? આવા કેટલાય સવાલોના જવાબો સ્વોટ આપશે એવી આશા છે.

સ્વોટ આધુનિક ઉપકરણોથી સજ્જ છે. તેનો હેતુ માત્ર પાણીના જથ્થાનો ડેટા એકઠો કરવાનું હોવાથી એ ખૂબ જ બારિકાઈથી નિરીક્ષણ કરશે. બેન્ડ રડાર ઈન્ટરફેરામીટર નામનું ઉપકરણ 10 ગણી ઝીણવટથી નદી-તળાવ-સમુદ્રનો અભ્યાસ કરશે. સામાન્ય રીતે આપણે જેને હવામાન માટેના સેટેલાઈટ કહીએ છીએ એ અમુક ભાગનો ડેટા જ એકઠો કરે છે. સ્વોટ ખરા અર્થમાં ગ્લોબલ સેટેલાઈટ સાબિત થઈને દુનિયાના તમામ દેશોમાં આવેલા પાણીના જથ્થાની માપણી કરશે. અંદાજ એવો બાંધવામાં આવ્યો છે કે પૃથ્વીના પટમાં આવેલા લગભગ 50-60 લાખ નદી-તળાવો પર આ સેટેલાઈટ ‘નજર’કરીને એનું પાણી માપશે.

તેની કામ કરવાની પદ્ધતિ ઘણી અનૂઠી હશે. સ્વોટ રાતના અંધારામાં પણ કાર્યરત રહેશે અને ડેટા એકત્ર કરવાનું ચાલુ રાખશે. અંધારું અને વાદળનો અવરોધ એને નડશે નહીં. એ આ અવરોધોને ભેદી શકવા સક્ષમ છે. નિષ્ણાતોના મતે 330 ફૂટથી મોટી નદીનો એક જ વખતમાં આ સેટેલાઈટ 3ડી મેપ બનાવી નાખશે અને પહોળાઈ, ઊંડાઈના આધારે પાણીનો રીઅલ ટાઈમ જથ્થો કહી શકશે. એ જ રીતે સમુદ્રની 100 કિલોમીટર સુધીની સપાટીને એક જ વખતમાં માપી લેશે. સેટેલાઈટમાં ગોઠવેલી રડાર સિસ્ટમથી એકઠો થઈ રહેલો આ આંકડો દર 21 દિવસમાં બે વખત નાસાને મળશે.

હજુ તો આ પ્રાથમિક સ્તરે હોવાથી એના સંકલનનું કામ પણ ધીમે ધીમે ગોઠવાશે. એ પછી કોઈ એક મોટી નદીમાં પાણીનો કેટલો જથ્થો અત્યારે છે અને આગામી મહિનાઓમાં એ ઘટીને કેટલો થઈ જશે ને તેનાથી કેટલાં લોકોને પાણીની અછતનો સામનો કરવો પડશે – એ બધું સ્વોટ કહી દેશે. નાસાનું માનવું છે કે સ્વોટના કારણે અંતરિયાળ વિસ્તારોને પાણીની અછતથી બચાવી શકાશે. સાથે-સાથે મહાનગરોમાં વૉટર-મેનેજમેન્ટ બહેતર બનાવી શકાશે. દુનિયાભરના વૈજ્ઞાનિકો સ્વોટને ખૂબ જ આશાસ્પદ મિશન ગણાવી રહ્યાં છે. જો આ મિશનથી પાણીની થોડી ઘણીય અછત દૂર થશે તો એ કરોડો લોકો માટે વરદાન સાબિત થશે. હોપ ફોર ધ બેસ્ટ!

Most Popular

To Top