Dakshin Gujarat Main

બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન શરૂ તો થઈ પરંતુ સ્ટેશનો પર શૌચાલય-પાણીની સુવિધાનો અભાવ

વાંસદા: દક્ષિણ ગુજરાતની (South Gujarat) આદિવાસી જનતા માટે આશીર્વાદ સમાન બીલીમોરા વઘઇ (Bilimora Vaghai) નેરોગેજ રેલવે લાઈન (Narrow gauge railway line) પુન: નવા રૂપરંગ અને એસી કોચ (AC Coach) સાથે ચાલુ કરવામાં આવી છે અને એ ચાલુ કરવાની સાથે નેતાઓએ પ્રસિદ્ધિ મેળવવાની કોઈ કચાશ પણ બાકી રાખી ન હતી, જો કે હાલ ચીખલી, વાંસદા તાલુકામાં આવેલા ઉનાઈ, કેવડી રોડ, ધોળીકુવા, રાનકુવા સહિતના રેલવે સ્ટેશનની (Railway Station) હાલત આ વિસ્તારની જનતા સાથે ક્રૂર મજાક થઈ રહ્યો હોય તેવી છે. શૌચાલયની યોજનાનો સરકાર (Government) દ્વારા જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે ત્યારે આ રેલવે સ્ટેશનો જેવા જાહેર સ્થળ પર શૌચાલય ખંડેર થઈ ગયા હોવાથી શૌચાલયની સુવિધા જ ઉપલબ્ધ નહીં હોવાથી પ્રજામાં ભારોભાર રોષ ભભૂકી રહ્યો છે.

  • બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન શરૂ તો થઈ ગઈ, પરંતુ આવશ્યક જરૂરિયાતના અભાવથી લોકોને હાલાકી
  • નેરોગેજ ટ્રેનના સ્ટેશનો પર શૌચાલય-પાણીની સુવિધાનો અભાવ
  • સરકારનું શૌચાલયોનું અભિયાન હજી સુધી રેલવેના અધિકારીઓ સુધી પહોંચ્યું નથી

ગરીબ આદિવાસીઓની જીવાદોરી સમાન બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન ચાલુ કરવામાં આવતા નેતાઓ સ્વાગત માટે આવી પહોંચ્યા હતા. જેટલા જોરશોરથી આ ટ્રેન પાછી ચાલુ થઈ ત્યારે ઉત્સાહ દેખાડ્યો એટલો જ ઉત્સાહ નેતાઓએ રેલ્વ સ્ટેશનની સુધારણા માટે દેખાડવાની જરૂર છે.

સુવિધાના નામે માત્ર મીંડું
આ રેલવે લાઈનનો ઉપયોગ ખેડૂતો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કરી રહ્યા છે. ચીખલી, વાંસદા તાલુકામાં આવેલા રેલવે સ્ટેશનને છેલ્લાં કેટલાંય વર્ષોમાં સુવિધાના નામે માત્ર મીંડું મળ્યું છે ! સરકાર દ્વારા શૌચાલયોનું અભિયાન હજી સુધી આ રેલવેના અધિકારીઓ સુધી પહોંચ્યું જ ન હોય તેવી પ્રતીતિ વર્ષોથી ખંડેર થઈ ગયેલા શૌચાલયો કરાવી રહ્યા છે. જેના પગલે લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.

આ રેલવે સ્ટેશનો પર પીવાના પાણી માટે સરકારી હેન્ડપમ્પ એક માત્ર આશરો
નવસારી જિલ્લાના ચીખલી અને વાંસદા તાલુકામાં આવેલા રેલવે સ્ટેશનો પર પીવાના પાણીની સુવિધા માટે માત્ર સરકારી હેન્ડપંપ જ છે. આ વિસ્તારની આદિવાસી જનતા રેલવે તંત્રએ નિયત કરેલા ટીકીટના દરોનો ખર્ચ કરી મુસાફરી તો કરે છે. પરંતુ પાયાની સુવિધા માટે પણ નીરસ થઈ બેસવું પડે છે.

Most Popular

To Top