Gujarat

ગુજરાત પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સમગ્ર દેશનું રૉલ મોડલ બનશે : રાજ્યપાલ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે યોજાયેલી પ્રાકૃતિક કૃષિ અંગેની સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત કૃષિ વિભાગના અધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો અને પ્રગતિશીલ ખેડૂતોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતે અનેકવિધ ક્ષેત્રોમાં વિકાસની પ્રેરણારૂપ કામગીરી કરી બતાવી છે, ત્યારે ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સમગ્ર દેશનું રૉલ મોડલ બને તે માટે સૌએ સહિયારો પ્રયાસ કરવો પડશે. તેમણે પ્રાકૃતિક કૃષિને ઈશ્વરીય કાર્ય ગણાવી પ્રાકૃતિક કૃષિને જન-જન સુધી પહોંચાડવા ઉપસ્થિત સૌને સંકલ્પ લેવડાવ્યો હતો.

રાજ્યપાલે ગુરુકુળ કુરુક્ષેત્રના પોતાના સ્વાનુભાવને વર્ણવતા જણાવ્યું હતું કે, ગુરુકુળની બંજર બની રહેલી એકસો એકર જમીનને પ્રાકૃતિક કૃષિના માધ્યમથી નવસાધ્ય કરીને શ્રેષ્ઠ ઉત્પાદન મેળવ્યું ત્યારે કૃષિ વૈજ્ઞાનિકો પણ આ સિદ્ધિને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
તેમણે જણાવ્યું હતું કે, પદ્મશ્રી સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિને કારણે કૃષિના મિત્ર જીવોની વૃદ્ધિ થાય છે.

જે છોડને પૂરતું પોષણ આપે છે અને સરવાળે ગુણવત્તાવાળું ઉત્પાદન મળે છે. જ્યારે રાસાયણિક કૃષિ મિત્ર જીવોનો નાશ કરે છે અને ઉત્પાદનમાં ક્ષણિક વૃદ્ધિ કરે છે. રાસાયણિક કૃષિથી જળ-જમીન અને પર્યાવરણને નુકસાન થાય છે અને જમીનની ફળદ્રુપતા ઘટે છે, કૃષિ ખર્ચમાં વધારો થાય છે. તેથી ઊલટું પ્રાકૃતિક કૃષિમાં જળ-જમીન અને પર્યાવરણનું સંરક્ષણ થાય છે, જમીનની ફળદ્રુપતા વધે છે, દેશી ગાયનું જતન-સંવર્ધન થાય છે અને કૃષિ ખર્ચ ઘટતા ખેડૂતોની આવક વધે છે.

તેમણે પીએમ નરેન્દ્ર મોદીના વર્ષ ૨૦૨૨ માં ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાકર કરવા માટે પ્રાકૃતિક કૃષિને શ્રેષ્ઠ વિકલ્પ ગણાવ્યો હતો. રાજ્યપાલે ઓર્ગેનિક અર્થાત્ જૈવિક કૃષિની મર્યાદા ગણાવી ઉમેર્યું હતું કે, જૈવિક કૃષિથી શરૂઆતના વર્ષોમાં ઉત્પાદન ઘટે છે, જ્યારે પ્રાકૃતિક કૃષિમાં ઉત્પાદન ઘટતું નથી.

રાજ્યપાલે સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ કરી રહેલાં ખેડૂતોના સહયોગથી ૧૦૦ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન FPOની રચના કરી પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોની માર્કેટિંગ વ્યવસ્થાની માહિતી પણ આપી હતી. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે પ્રાકૃતિક કૃષિને ખેડૂતોની આર્થિક ઉન્નતિ માટેનો સૌથી અસરકારક માર્ગ ગણાવ્યો હતો અને વધુને વધુ ખેડૂતો આ માર્ગે ચાલે અને આર્થિક ઉન્નતિ મેળવે તે માટે સૌને સહિયારો પ્રયાસ કરવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં વલસાડના કોચવાડાના પ્રગતિશીલ ખેડૂત નીકુંજ ઠાકોરે પણ પ્રાકૃતિક કૃષિના લાભોની માહિતી આપી હતી.

Most Popular

To Top