Comments

નામમાં શું છે? નામમાં ઘણુ બધું છે!

હાલમાં તુર્કીની સરકારે યુએનને વિનંતી કરી કે તેના દેશનું નામ હવે તુર્કીયે તરીકે ગણવામાં આવે. આ વિનંતી યુએન દ્વારા તત્કાળ અસરથી માન્ય રાખવામાં આવી અને યુએનના તમામ સંદેશ વ્યવહારો, નિવેદનો વગેરેમાં તુર્કીને બદલે તુર્કીયે  નામ લખવામાં આવશે. આ તુર્કીયે નામ વળી પાછું ત્યાંની સ્થાનિક ભાષાના ઉચ્ચારણમાં તુર્કેયાય એવું બોલાય છે. આ સમાચાર પરથી જાણીતા બ્રિટિશ નાટ્યકારનું બહુ જાણીતું વાક્ય યાદ આવી ગયું – નામમાં શું છે? નામ કોઇ પણ  રાખવામાં આવે પણ કોઇ ફેર પડતો નથી એમ તેમનું કહેવું હતું.

તેમના આ પ્રશ્ન પર તો ઘણી ચર્ચા થઇ ગઇ. શેક્સપિયરને કદાચ નામમાં કશું જણાતું નહીં હોય પણ કેરળ હાઇકોર્ટે થોડા સમય પહેલા એક વિદ્યાર્થીનીનું નામ બદલવાના  કેસમાં ટિપ્પણી કરતા કહ્યું હતું કે નામમાં ઘણુ બધું છે. અને ઘણા બધા લોકો કેરળ હાઇકોર્ટની આ વાત સાથે સંમત થશે. નામ એ વ્યક્તિની કે સ્થળની એક આગવી ઓળખ બની રહે છે એ મુજબ હાઇકોર્ટે કહ્યું અને તેની વાત સાચી જ છે.  જો કે વ્યક્તિઓના નામ કરતા શહેર, ગામ, રાજ્ય કે કોઇ સ્થળ વગેરેના નામ સાથે લાગણીઓ અને ભાવનાઓ વધુ જોડાયેલી હોય એમ જણાય છે.

ફરી પાછા તુર્કીની વાત પર આવીએ તો તુર્કીશ વિદેશ મંત્રી મેવલુત કાવુસોગલુએ યુએનને હાલમાં એક પત્ર મોકલ્યો  જેમાં વિધિવત રીતે વિનંતી કરવામાં આવી કે તેમના દેશનું નામ હવે તુર્કીયે તરીકે લેવામાં આવે.  આ પગલું દેશને રિબ્રાન્ડ  કરવાના અંકારા સરકારના પ્રયાસોના ભાગ રૂપે જોવામાં આવે છે અને તેમાં તુર્કી(ટર્કી) પક્ષીના નામથી દૂર જવાનો પણ પ્રયાસ છે જે પક્ષીના નામ સાથે કેટલીક નકારાત્મક વાતો વણાયેલી છે!

એક સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે  સ્ટેફાને દુજારિક, કે જેઓ યુએનના મહામંત્રીના પ્રવકતા છે, તેમણે આ પત્ર બુધવારે મળ્યો હોવાને સમર્થન આપ્યું છે. એજન્સીએ દુજારિકને એમ કહેતા ટાંક્યા હતા કે આ નામમાં પરિવર્તન આ પત્ર મળ્યો તે જ ઘડીથી અમલી બની ગયું છે.  પ્રમુખ રિસપ તેયિપ એર્દોગનની સરકાર તુર્કી નામ બદલીને તુર્કીયે કરવા પર ભાર આપી રહી છે અને સ્થાનિક ભાષામાં તેનો ઉચ્ચાર તુર્કેયાય એવો થાય છે. આ દેશે ૧૯૨૩માં પોતાની સ્વતંત્રતા જાહેર કરી તે પછીથી તે પોતાને તુર્કીયે તરીકે જ  ઓળખતો આવ્યો છે પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે તેનું નામ તુર્કી ચાલતું આવ્યું છે.

ગત ડિસેમ્બરમાં પ્રમુખ એર્દોગને આદેશ આપ્યો હતો કે તુર્કીયે નામનો ઉપયોગ કરવામાં આવે જે તુર્કીશ સંસ્કૃતિ અને મૂલ્યોને બહેતર રીતે રજૂ કરે છે. એના પર  પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે નિકાસ થતી વસ્તુઓ પર મેડ ઇન તુર્કીને બદલે મેડ ઇન તુર્કયે લખવામાં આવે. તુર્કીશ મંત્રાલયોએ તો સત્તાવાર દસ્તાવેજોમાં તુર્કીયે નામનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. જો કે એ સ્પષ્ટ થયું નથી કે  આ નામ કે જેમાં એક અક્ષર એવો પણ છે કે જે અંગ્રેજી આલ્ફાબેટમાં નથી તે નામ આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપક સ્વીકૃત બનશે કે કેમ?

વર્ષ ૨૦૧૬માં ઝેક રિપબ્લિકે સત્તાવાર રીતે પોતાના ટૂંકા નામ ઝેકીયા તરીકે નોંધણી કરાવી હતી, હવે  આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલાક આ નામનો ઉપયોગ કરે છે અને ઘણા બધા તો તેનો સંદર્ભ તેના જૂના લાંબા નામથી જ આપે છે. આ પણ એક મહત્વની વાત છે. જો તમે શહેર, રાજ્ય કે દેશનું નામ બદલો તો સત્તાવાર દસ્તાવેજો, સંદેશ  વ્યવહારમાં તેનું નવું નામ આવે, રેલવે સ્ટેશન જેવા સ્થળોના પાટિયા પર નવું નામ લખાય પરંતુ લોકો તે શહેર કે રાજ્યને કે દેશને જૂના નામે જ બોલાવવાનું ચાલુ રાખે તો કોઇ શું કરી શકે?

આપણા દેશમાં પણ છેલ્લા કેટલાક દાયકાઓમાં અનેક સ્થળોના, મોટે ભાગે શહેરોના નામ બદલાયા છે. કલકત્તાનું કોલકાતા થયું, મદ્રાસનું ચેન્નાઇ થયું, ગુડગાંવનું ગુરુગ્રામ થયું, મહારાષ્ઠ્રનુ  પાટનગર અને દેશની આર્થિક રાજધાની મુંબઇનું  આમ તો મુંબઇ નામ જ લોકજીભે વધુ પ્રચલિત હતું, પરંતુ આ મહાનગરને અંગ્રેજોએ બોમ્બે નામ આપ્યું હતું તે નામે પણ ઘણા લોકો તેનો ઉલ્લેખ કરતા હતા. અમુક સત્તાવાર દસ્તાવેજોમાં પણ બોમ્બે ચાલતું હતું પણ પછી ત્યાંની રાજ્ય  સરકારે બોમ્બે નામને સત્તાવાર રીતે બદલીને મુંબઇ કરવાનો નિર્ણય કર્યો. બોમ્બે સત્તાવાર રીતે મુંબઇ બન્યું છતાં હજી ઘણા લોકો તેને બોમ્બે જ કહે છે.

કાનૂની પ્રશ્નોને કારણે બોમ્બે હાઇકોર્ટ હજી પણ બોમ્બે હાઇકોર્ટ અને મદ્રાસ  હાઇકોર્ટ એ મદ્રાસ હાઇકોર્ટ જ રહી છે. આપણે અગાઉ જ જોયું કે શહેર, ગામ, રાજ્ય વગેરેના નામો સાથે લાગણીઓ અને ભાવનાઓ વધુ જોડાયેલી હોય છે અને આવા નામ બદલવાના મુદ્દે ક્યાંક તનાવ સર્જાવાના કે તોફાનો થવાના  બનાવો પણ બન્યા છે. હાલ થોડા સમય પહેલા જ આંધ્રપ્રદેશમાં એક જિલ્લાનું નામ બદલવાના મુદ્દે તોફાનો ફાટી નિકળ્યા હતા અને એક મંત્રી અને એક ધારાસભ્યના મકાનને આગ પણ ચાંપવામાં આવી હતી. નામનો મુદ્દો કેટલી હદે  લાગણીઓ ભડકાવી શકે છે તેનું આ ઉદાહરણ છે. નામમાં બધુ જ નહી તો ઘણુ બધુ તો છે જ.

Most Popular

To Top