Madhya Gujarat

આણંદમાં SSCનું 60.62 ટકા પરિણામ, 298 વિદ્યાર્થીને એ1 ગ્રેડ

આણંદ : એજ્યુકેશન હબ એવા આણંદ જિલ્લાના ધો.10નું પરિણામ 60.62 જાહેર કરવામાં આવ્યું છે. કારકિર્દીના મહત્વના વર્ષ ગણાતા ધો.10માં આ વખતે કોરોના મહામારીના પગલે મોટા ભાગનો સમય ઓનલાઇન શિક્ષણમાં ગયો હતો. જ્યારે થોડા સમય માટે શાળાઓ શરૂ થઇ હતી. પરંતુ કોરોના કાબુમાં જણાતાં ઓફલાઇન પરીક્ષા લેવામાં આવી હતી. વાલીઓની ચિંતા વચ્ચે 60.62 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો છે.

આણંદમાં ધો.10નું પરિણામ સોમવારના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. આ વખતે ગત 2020 કરતા વધુ પરિણામ આવતાં વાલી અને વિદ્યાર્થીઓમાં રાહત જન્મી હતી. જિલ્લામાં સૌથી વધુ પરિણામ ઇન્દ્રણજ કેન્દ્ર (81.48 ટકા) આવ્યું છે. જ્યારે સૌથી ઓછું સામરખા કેન્દ્ર (29.61 ટકા)નું આવ્યું છે. જિલ્લામાં કુલ 28,138 વિદ્યાર્થી નોંધાયાં હતાં, જેમાં 27,185 વિદ્યાર્થી પરીક્ષામાં હાજર રહ્યાં હતાં. જેમાં 16,844 વિદ્યાર્થીને પાસ જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં 298 વિદ્યાર્થીએ એ-1 ગ્રેડ મેળવ્યો છે. 2021માં કોરોના મહામારીના પગલે માસ પ્રમોશન આવતાં સો ટકા પરિણામ આવ્યું હતું. જ્યારે 2020માં 55.43 ટકા અને 2019માં 59.81 ટકા પરિણામ આવ્યું હતું.

ગત વરસો કરતાં સારૂ પરિણામ રહ્યું હતું. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધો. 10 ના પરિણામમાં દ્વારા સોમવાર સવારે જ ઓનલાઇન પરીણામ મુકી દેવામાં આવ્યું હતું. જેથી વ્હેલી સવારથી જ વાલીઓ – વિદ્યાર્થીઓ પરિણામ જોવા આતુર બન્યાં હતાં. આશ્ચર્યજનક બાબત એ છેકે, પરિણામ સુધર્યું હોવા છતાં સો ટકા પરિણામ મેળવતી શાળાની સંખ્યા ઘટી છે, 2020માં 7 શાળામાં સો ટકા પરિણામ હતું. આ વરસે માત્ર ચાર જ શાળાનું સો ટકા પરિણામ આવ્યું છે. જ્યારે એક પણ વિદ્યાર્થી પાસ ન થયો હોય તેવી બે શાળાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 30 ટકા કરતાં ઓછાં પરિણામમાં 25 શાળાનો સમાવેશ થાય છે. જે અગાઉ 52 શાળા હતી. આમ આ શાળાઓમા પરિણામમાં સુધારો જોવા મળ્યો છે.

આણંદ નોલેજ હાઈસ્કૂલના 24 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો
આણંદ સ્થિત નોલેજ હાઈસ્કૂલનું 93.06 ટકા પરિણામ આવ્યું છે. આ પરિણામમાં શાળાના કુલ 24 જેટલા વિદ્યાર્થીઓ એ-વન અને 55 જેટલા વિદ્યાર્થીઓ એટુ સાથે ઉત્તીર્ણ થયા છે. રાજ્યના 65.18 ટકા અને આણંદ જિલ્લાના 60.62 ટકા પરિણામની સાપેક્ષે નોલેજ હાઇસ્કૂલ, આણંદનું પરિણામ 93.06 રહેવા પામ્યું છે. શાળાના 84 જેટલા વિદ્યાર્થીઓ 90 કરતા વધુ પી.આર સાથે ઉત્તીર્ણ થયા છે. 5 વિદ્યાર્થીઓએ ગણિતમાં, 2 વિદ્યાર્થીઓએ વિજ્ઞાનમાં, 1 વિદ્યાર્થીએ સંસ્કૃતમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યાં છે. શાળામાં પ્રથમ ક્રમાંકે રાઠોડ હીર ગૌરાંગભાઇ 96.5 ટકા અને 99.95 પી.આર સાથે એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. પરમાર જય રાકેશભાઇ 96.16 ટકા, 99. 95 પી.આર. સાથે દ્વિતિય ક્રમાંક મેળવ્યો છે. જ્યારે તૃતીય ક્રમાંકે વહોરા લીઝા આસીફભાઇ 95.67 ટકા અને 99.88 પી.આર પ્રાપ્ત કરેલ છે. આ સિદ્ધિ બદલ નોલેજ ગ્રુપના ચેરમેન રાજેશ ચૌહાણ, કો-ઓર્ડીનેટર ધ્રુવ બારોટ, કૌશિકા આચાર્યા તથા શિક્ષકોએ અભિનંદન પાઠવ્યાં હતાં.

Most Popular

To Top