Columns

ઋષિમુનિઓએ સંશોધન બાદ જાતકે મકાન કયાં બનાવવું તેના નિયમો નિશ્ચિત કર્યા છે

વ્યકિતને પોતાને તથા કુટુંબને શુભ પરિણામ કઇ દિશા, શહેર કે રાશિથી મળશે તે જાણવાની જીજ્ઞાસા સ્વભાવગત છે. તેની પૂતિ અર્થે આપણા ઋષિમુનિઓએ ઘણા સંશોધન બાદ જાત કે મકાન કયાં બનાવવું તેના નિયમો નિશ્ચિત કર્યા છે.
પ્રથમ સપ્તકો ગ્રામે વૈરં હાનિસ્ત્રિષષ્ઠમે!
તુર્યાષ્ટસવ્રાદશે રોગ : શેષ સ્થાન શુભ ભવેત!!

ચંદ્ર રાશિઓ તો બધાને જ ક્રમવાર યાદ હશે જ.
(1) મેષ (2) વૃષભ (3) મિથુન (4) કર્ક (5) સિંહ (6) કન્યા (7) તુલા (8) વૃશ્ચિક (9) ધન (10) મકર (11) કુંભ (12) મીન.
અને દરેક રાશિના શબ્દો પણ ધ્યાનમાં મોટે ભાગે જ્યોતિષમાં રસ દાખવતા સર્વેને યાદ હશે.
ઉપરોકત શ્લોક અનુસાર પોતાની રાશિથી નગરની રાશિ 1 કે 7 હોય તો શત્રુતા 3 કે 6 હોય તો હાનિ અને 4, 8, કે 12 હોય તો રોગ થાય છે. બાકીની તમામ રાશિઓ એટલે કે પોતાના નામથી 2, 5, 9, 10, 11ની રાશિ શુભ હોય છે.

દાખલા તરીકે અનોખી અનાયાની જન્મરાશિ મેષ છે અને સુરતની રાશિ બોલતા નામથી કુંભ છે. કુંભ રાશિ મેષ રાશિથી 11મી આવે. અર્થાત અનોખી અનાયા માટે સુરતમાં રહેવું ખૂબ જ શુભ ગણાય.
વળી ઘણા લોકોને કાયમી કે હંગામી ધોરણે શહેર કે દેશ બદલવો હોય છે. બદલવાનું કારણ ધંધો, વાણિજય, તંદુરસ્તી કે ભણતર પણ હોય શકે પરંતુ શું આવી ફેરબદલી બધા માટે ફળદાયક જ રહે? એના માટે પણ શાસ્ત્રોમાં રાશિ પ્રમાણે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. રાશિ ઉપરાંત પણ તમારી કુંડલીમાં અન્ય Parameters પણ આ નિર્ણય લેવામાં મહત્વના હોય છે. પરંતુ રાશિથી આસાનીથી નિર્ણય લઇ શકાય.

જેમ કે મેષ રાશિવાળા જાતક 100 % ઉત્તર દિશામાં પ્રયાણ કરી શકે. વૃષભ રાશિઓવાળા માટે પૂર્વ સિવાયની દરેક દિશા યોગ્ય ગણાય. મિથુન રાશિ 66 % પશ્ચિમમાં તો 33 % દક્ષિણ દિશાની શુભતા દર્શાવે છે. કર્ક રાશિ 66 % પૂર્વ અને 33 % દક્ષિણ દિશાનું નસીબ વર્ણવે છે. જ્યારે સિંહ રાશિ 66 % ઉત્તર અને 33 % પૂર્વ દિશાનું નસીબ બતાવે છે. કન્યા રાશિ અને મકર રાશિને દક્ષિણ દિશાનો લાભ બતાવ્યો છે. તુલા રાશિવાળાને પશ્ચિમ દિશામાં લાભ બતાવ્યો છે. ધન રાશિઓવાળા 66 % ઉત્તરમાં તો 33 % પશ્ચિમ દિશાથી લાભ મેળવશે.

તો કુંભ રાશિવાળાને 66 % પશ્ચિમ અને 33 % ઉત્તર દિશાથી લાભ મળશે. મીન અને વૃશ્ચિક રાશિઓ ફકત પૂર્વ દિશાની જ રાશિ કહેવાય.
અનોખી અનાયા, સુરતથી ભવિષ્યમાં દિલ્હી તરફ અભ્યાસ અર્થે જાય તો નવાઇ નથી. કારણ કે તેનું નસીબ 100 % ઉત્તર દિશાનું છે. વળી પાછી દિલ્હીથી રાશિ મીન જે અનાયાની રાશિથી 12મી આવે. આ રીતે અભ્યાસ કે લગ્ન કે વ્યાપાર સંબંધી વિચાર કરી શકાય.

દુબઇ ભારતથી પશ્ચિમમાં આવ્યું અને સિંગાપોર પૂર્વમાં તો પરદેશ નકકી કરતી વખતે પણ થોડો રાશિવાર વિચાર કરી લેવો.
વાચકો વિચારશે કે મૂળભૂત વાસ્તુશાસ્ત્રની આ કોલમમાં જ્યોતિષ કેમ ઘુસ્યું? અરે! બધુ વાસ્તુ પ્રમાણે બતાવો પણ તમારા રહેતા ઘરથી તમે ખોટી દિશા કે ખોટું શહેર કે સોસાયટી પસંદ કરો તો વાસ્તુની સંપૂર્ણ ફળ મળવામાં થોડી તો કચાસ રહી જ જાય…

Most Popular

To Top