Dakshin Gujarat

નવસારીના ચીખલી-ફડવેલ માર્ગ પર બે ST બસ વચ્ચે જોરદાર ટક્કર : 1નું મોત, 25 મુસાફરો ઈજાગ્રસ્ત

નવસારી: રાજ્યના એસ.ટી. બસ (ST Bus) માં પ્રવાસ કરતાં મુસાફરો જીવના જોખમે પ્રવાસ કરવા મજબૂર બન્યા છે. આજે સવારે નવસારી (Navasari) જિલ્લાના ચીખલી તાલુકાના ફડવેલ માર્ગ ઉપર બે એસ.ટી બસોની વચ્ચે ગંભીર અકસ્માત (Bus Accident) સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે 25 થી વધુ મુસાફરો ઘવાયા. ત્યારે એસ.ટી.નિગમના ‘સલામત સવારી, એસ.ટી.અમારી’ સુત્ર સામે ફરી એક વાર પ્રશ્ન ઉભો થયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મંગળવારે સવારે ફડવેલ માર્ગ ઉપર પીપલખેડ જતી મીની એસ.ટી. બસ અને ઉમરકુઈ જતી એસ.ટી.બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ 108ની ટીમને કરતાં ટીમે બસમાં સવાર 25થી વધુ મુસાફરોને ચીખલી રેફરલ અને આલીપોર હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. અકસ્માતની જાણ નવસારીના ધારાસભ્ય નરેશ પટેલને થતાં તેઓ ઘાયલોની મુલાકાત માટે ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલોને યોગ્ય સારવાર મળી રહે તેની તબીબો સાથે ચર્ચા કરી સૂચના આપી હતી.

પોલીસ દાખલ કરશે ફરિયાદ
એસ.ટી.બસોના અકસ્માતની જાણ થતાં નવસારીના એસપી ઋષિકેશ ઉપાધ્યાય, ચીખલી પોલીસ તેમજ એલસીબી પીઆઈ દિપક કોરટ તેમજ અન્ય અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. દક્ષિણ ગુજરાતના એડિશનલ ડીજીપી પિયુષ પટેલે કાયદેસરની ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.

દાહોદમાં બે બસો વચ્ચે અકસ્માત સર્જાયો
આ અગાઉ સોમવારે દાહોદમાં બે એસ.ટી.બસો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઝાલોદ તાલુકાના વેલપુરા ગામે એસ.ટી.બસને અકસ્માત નડ્યો હતો. વેલપુરા ગામે બંને એસ.ટી બસો ધડાકાભેર અથડતાં સર્જાયેલા આ માર્ગ અકસ્માતમાં 20થી વધુ મુસાફરો ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે બીજી બાજુ બંને બસોના ડ્રાઈવરને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ સ્થાનિક પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સ સેવાને કરવામાં આવતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોની બસની બહાર કાઢી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

વેલપુરા ગામે થયેલા આ અકસ્માતમાં વધુ ઘાયલ લોકોને દાહોદ ઝાયડસ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અન્ય સવાર ઈજાગ્રસ્તોને ઝાલોદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. ઝાલોદથી સુખસર તરફ જતી સુરત-ઝાલોદ-ફતેપુરા અને ભાભરથી ઝાલોદ તરફ આવતી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ઝાલોદથી આશરે 6 કિલોમીટરના અંતરે સર્જાયો હતો.

Most Popular

To Top