Gujarat

દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલનાર ત્રણ શખ્સોને આજીવન કેદની સજા

અમદાવાદ : વર્ષ 2012માં ત્રણ આરોપીઓની ધરપકડ (Arrest) કરવામાં આવી હતી, તેમની સામે ભારતની (India) ગુપ્ત માહિતી (Confidential information) પાકિસ્તાન (Pakistan) પહોંચાડવાનો આરોપ હતો. આ કેસમાં અમદાવાદની (Ahmedabad) સ્પેશિયલ કોર્ટે ત્રણ આરોપીઓ સિરાજઉદ્દીન ઉર્ફે રાજુ કરામત અલી ફકીર, મોહમ્મદ ઐયુબ સાકીર સાબીરભાઈ શેખ, અને નૌસાદ અલી સૈયદને આજીવન કેદની (Life imprisonment) સજા ફટકારવામાં આવી છે. કોટે આજીવન કેદની સજા ફટકારતા નોંધ્યું હતું કે, દેશ વિરુદ્ધ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંડોવાયેલા લોકોને બક્ષી શકાય નહીં. ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ આ ત્રણે આરોપીઓને સજા ફટકારવામાં આવી છે. વધુમાં કોર્ટે અવલોકન કરતા કહ્યું હતું કે કૃત્ય દેશ વિરોધી છે. દેશની સલામતી અખંડ રહે તે માટે આરોપીઓ સામે દયા રાખી શકાય નહીં.

શું હતો આખો મામલો
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને 2012માં આઈએસઆઈ એજન્ટ તરીકે અમદાવાદમાં કેટલાક શખ્સો કામ કરતા હોવાની હકીકત મળી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે શહેરના જમાલપુર વિસ્તારમાં રહેતા સિરાજુદ્દીન ઉર્ફે રાજુ ફકીર અને ઐયુબ ઉર્ફે શકીર શેખની ધરપકડ કરી તેમની પાસેથી મોબાઇલ ફોન સહિતના પુરાવાઓ કબજે કરી ગુનો દાખલ કર્યો હતો.

તપાસમાં સિરાજુદ્દીન ફકીર વર્ષ 2007માં પાકિસ્તાન ગયો હતો અને ત્યાં તે તો તૈમુરને મળ્યો હતો અને ત્યાંથી આર્મી ઓફિસરોની ટેન્કને ઓળખવાની તાલીમ મેળવી હતી. આર્મીની માહિતી બદલ રૂપિયા આપવાની લાલચ આપતા સિરાજુદ્દીન ભારત વિરોધી પ્રવૃત્તિ કરવા તૈયાર થયો હતો. અને સિરાજુદ્દીનને જુદા જુદા આર્મી કેમ્પની માહિતી મેળવવા અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, રાજસ્થાનમાં બીએસએફ કેમ્પની રેકી કરી સંવેદનશીલ માહિતીઓ અને પુરાવા મેળવ્યા હતા.

તપાસ દરમિયાન આરોપીઓએ બોગસ ઇ-મેલ આઇડી બનાવ્યું હોવાનું પણ સામે આવ્યું હતું. આ ત્રણેય આરોપીઓ સામે ઓક્ટોબર 2012માં ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આરોપીઓ વિરુદ્ધ 75 જેટલા સાક્ષીઓની જુબાની પણ લેવાઈ હતી.

Most Popular

To Top