Columns

મુમતાઝ પટેલ તો દાંત વિનાની કોંગ્રેસ સામે કઠણ અખરોટ છે!

અહેમદ પટેલનું ગુજરાત કોંગ્રેસમાં જેટલું નહોતું ઉપજતું એટલું રાષ્ટ્રીય સ્તરે ઉપજતું. તેમાંય મનમોહનસિંઘની સરકાર દસ વર્ષ રહી ત્યારે તો અહેમદભાઈ એકદમ ચાવીરૂપ ભૂમિકામાં હતા. પણ તેઓ ગુજરાત કોંગ્રેસમાં સ્વીકૃત બન્યા નહોતા. ગુજરાતના કોંગ્રેસીઓને લાગતું કે અહમદ પટેલથી તેમનો ગરાસ લુંટાઈ જશે. હવે અહેમદભાઈ નથી ત્યારે તેમની દિકરી મુમતાઝ પટેલ હવે કોંગ્રેસમાં આવું આવું થઈ રહી છે. તેમનું કહેવું છે કે ટિકીટ મળશે તો ચૂંટણી લડવા વિચારશે. તેમની શરત એ પણ છે કે મને જો સારા કામ કરવાની તક અપાશે તો જરૂર હું રાજનીતિમાં આવીશ. ગુજરાતના કોંગ્રેસીઓ વિચારે છે કે આ સારા કામ વળી શું છે?

અનેક કોંગ્રેસી તો ભાજપમાં જ્યાં મળે તેને જ સારા કામ ગણે છે તે બધાને ખાત્રી છે કે કોંગ્રેસ થોડી બેઠક લાવે તો પણ સત્તાથી તો દૂર જ રહેવાનું છે. અધૂરામાં પૂરું ‘આપ’ની એન્ટ્રી થઈ છે. મુમતાઝ પટેલ કોંગ્રેસમાં ચાલી શકશે? વળી ભાજપના હિંદુત્વવાદી રાજકારણમાં ‘મુમતાઝ’ સફળ રહી શકશે? બાકી કોંગ્રેસ માટે મુમતાઝ પટેલ એક સારી ઉમેદવાર જરૂર પૂરવાર થઈ શકશે પણ કોંગ્રેસીઓ હવે સારા ઉમેદવારોથી જ ડરે છે. એટલે જ તો મુમતાઝ પટેલે જાહેરમાં ઈચ્છા પ્રગટ કરી તો પણ બધા કોંગ્રેસી ચૂપ છે. કોંગ્રેસના દાંત એટલા તૂટી ગયા છે કે તેમની સામે અખરોટ મુકવી નહીં. ખાવા પહેલાં દાંત તૂટી જાય.

ભલે ફરકે તિરંગા પણ પેલા લઠ્ઠામાં મર્યા તે વાત દબાવી દેવાની?
ગુજરાતના મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી ‘હર ઘર તિરંગા’ માં એકદમ રોકાય ગયા છે. એટલા બધા રોકાય ગયા છે કે ગુજરાતમાં થયેલા લઠ્ઠાકાંડ લોકોની યાદમાંથી ભુલાય જાય. રાષ્ટ્ર્રપ્રેમમાં તિરંગા લહેરાવવામાં રાજ્યનાં 50 થી ઉપર નાગરિક મરી ગયાને ભુલાવી દેવાય તો તે રાષ્ટ્રપ્રેમ કહેવાય? થોડા પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા એટલે જાણે મામલો જ પતી ગયો. ભાજપના નેતાઓ જાણે છે કે તેઓ લઠ્ઠાકાંડની પોટલી છૂપાવી રહ્યા છે પણ પેલા કેજરીવાલ એ જ પોટલીમાં કાણું પાડયા વિના રહેવાના નથી.

તેમાંય જો તે દારૂબંધી હટાવવાની વાત કરે તો તો ગુજરાતભરના મતદાતા નશામાં આવી જશે ને ‘આપ’ પર કુર્બાન થઈ જશે. ભાજપની મુસીબત એ છે કે તેઓ તો દારૂબંધી નાબૂદ કરવાની જાહેરાત ન કરી શકે. ગાંધી બાબતે ભાજપની મથરાવટી મેલી છે તે તો દેશજાહેર છે ને દારૂબંધી હટાવે તો લોકો (દારૂ પીઈને ય) ભાજપને અવળા પકડે. ભાજપને થતું હશે કે આ ગાંધી ગુજરાતમાં જન્મયા તેમાં અમે ફસાયા છે. ‘હર ઘર તિરંગા’ તો 15મી ઓગસ્ટે પૂરુ થશે પણ લઠ્ઠકાંડમાં મૃત્યુ પામેલાનો આંકડો એવો મોટો છે કે ભાજપના પગ લથડશે. કેજરીવાલ તો ગુજરાતી નથી અને અન્ના હજારે જેવા ગાંધીવાદીને ય બાજુ પર કરી શકે છે તો ગુજરાતમાં અસ્સલ ગાંધીને મુકી દારૂબંધી છોડાવશે તો ભાજપ થોડું તો લથડશે જ!

સળીખોર કેજરીવાલની સળીથી કોની કોની ઈચ્છા ટળવળી
કેજરીવાલ બહુ સળીખોર નેતા છે. દિલ્હી બેઠા બેઠા ગુજરાત ભાજપને સળી કર્યા કરે છે આ જુઓને હમણાં તેમણે ટ્વિટ કરીને કહ્યું કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી તરીકે અમિત શાહને આગળ ધરાશે. ભાજપે તો આવી વાત નથી કરી પણ ભાજપમાં મુખ્યમંત્રી બનવા ઉત્સુકનાં મન ઊંચા નીચા થઈ ગયા છે કે જો ખરેખર એમ થાય તો? શું છે કે વડાપ્રધાન મોદી પક્ષના કોઈ નેતાને બહુ સમય માટે મોટા રહેવા દેવા નથી એટલે અમિત શાહને ગુજરાત ખસેડે પણ ખરા અને ‘આપ’નું જોર અટકાવવા પણ અમિત શાહ જેવા જ જોઈએ. પણ તો સી.આર.પાટિલની ઈચ્છાનું શું? કોઈ કહેશે તમે ભુપેન્દ્ર પટેલની ઈચ્છાનું ય તો પૂછો. રાજકારણમાં કોઈ વૈરાગી હોતા નથી. બધાની ઈચ્છા લબલબ થતી હોય છે. આ બધું વિચાર્યું તેના કારણમાં પેલી કેજરીવાલની ટ્વિટ છે. હવે તમે જ કહો આવી સળી કરવાની જરૂર ખરી? અમિત શાહને ય ગુજરાતનાં મુખ્યમંત્રી થવાની ઈચ્છા વર્ષોથી છે તો હવે? મોદી ઈચ્છા બલિયશી. પણ આ કેજરીવાલનું કરવું શું? ભાજપના દિમાગનું દહીં કરવા બેઠા છે.

Most Popular

To Top