Columns

હવે લાઈટ મોટર વ્હિકલનું લાઈસન્સ ધરાવતા લોકો ગુડ્સ વ્હીકલ ચલાવી શકશે

વાહનને અકસ્માતમાં થયેલ નુકસાન સંબંધિત ઈન્શ્યોરન્સ કલેમના કેસોમાં વીમા કંપનીઓ અકસ્માતવાળું વાહન ચલાવનાર ડ્રાઈવર વેલિડ લાઈસન્સ ધરાવતો ન હતો તેવું જણાવી કલેમ નામંજૂર કરી દે છે પરંતુ તાજેતરમાં એક મહત્ત્વના કેસમાં સુરત ડિસ્ટ્રિકટ કમિશન (સુરત જિલ્લા ગ્રાહક અદાલત)ના પ્રમુખ ન્યાયાધીશ પી.પી.મખીયાએ આપેલા ચુકાદામાં સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના ચુકાદા પર આધાર રાખીને Light Motor Vehicle ચલાવવાનું લાઈસન્સ ધરાવનાર વ્યક્તિ  Goods Vehicle પણ ચલાવવા  Authorized (હકદાર) હોવાનું ઠરાવ્યું છે અને અકસ્માત સમયે Light Motor Vehicle ચલાવવાનું લાઈસન્સ ધરાવનાર ડ્રાઈવર દ્વારા ચલાવવામાં આવેલ Goods Vehicleમાં કોઈ શરતભંગ ન થયો હોવાનું ઠરાવી Goods વાહનને થયેલ નુકસાન બદલ રૂ.2.04 લાખનો કલેમ ગુજરનાર વીમેદારની વિધવા અને તેના સગીર સંતાનોને ચૂકવવાનો આદેશ આપતો હુકમ કર્યો છે.

સરજીતકોર ઉદલસિંગ શીખલાદત અને તેના ચાર સગીર સંતાનો ( ફરિયાદીઓએ ) એડવોકેટ શ્રેયસ દેસાઈ મારફત ICICI Lombard general Insurance Co.Ltd અને તેના બ્રાન્ચ મેનેજર (સામાવાળા) વિરૂધ્ધ અત્રેના સુરત ડિસ્ટ્રિકટ કમિશનમાં દાખલ કરેલ ફરિયાદની હકીકત એવી છે કે, ફરિયાદી મહેન્દ્ર એન્ડ મહેન્દ્ર કું. ની બોલેરો પીક અપ F.B. તરીકે ઓળખાતી મોટરવાન ધરાવતા હતા. જેનો વીમો સામાવાળા વીમા કંપની કનેથી લેવામાં આવેલો હતો.

મજકૂર વીમો અમલમાં હતો તે દરમ્યાન તા.17/07/2016ના રોજ સવારે 8 ના અરસામાં ફરિયાદી નં.1 સરજતકોરના પતિ ઉદલસિંગ શીખલાદત તેના ડ્રાઈવર સાથે મજકૂર વાન લઈ વાંકાનેરથી રાજકોટ જતા હતા તે દરમ્યાન હાઈવે પર મજકૂર વાહન પલટી ખાઈ જતાં ફરિયાદી નં.1 ના પતિ ઉદલસિંગ શીખલાદતનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયેલું તેમ જ મોટરવાનને ગંભીર નુકસાન થયેલું.

મજકૂર અકસ્માતના બનાવ અંગે વાંકાનેર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવામાં આવેલ તેમજ સામાવાળા વીમા કંપનીને જાણ કરવામાં આવેલ. સામાવાળા વીમા કંપનીએ સર્વેયર નિયુકત કરી સ્પોટ સર્વે કરાવેલ ત્યાર બાદ મજકૂર વાહનને સુરત ખાતે લાવવામાં આવેલ અને મહેન્દ્ર એન્ડ મહેન્દ્રના ડીલર પ્રેસિડન્ટ ઓટો મોબાઈલના વર્કશોપમાં લઈ જવામાં આવેલ. વર્કશોપ દ્વારા મોટરકારને રીપેર કરવાનો કુલ એસ્ટીમેટ રૂ.2,86,690/- નો આપવામાં આવેલ. ત્યાર બાદ સામાવાળા વીમા કંપની દ્વારા Final સર્વેયરની નિમણૂક કરી Final સર્વે રીપોર્ટ મેળવવામાં આવેલ.

મોટરવાનને થયેલ નુક્સાન અંગેનો કલેમ સામાવાળા વીમા કંપનીએ અકસ્માત સમયે ડ્રાઈવર લાઈટ મોટર વેહિકલ ચલાવવાનું જ લાઈસન્સ ધરાવતા હતા જયારે અકસ્માતવાળું વાહન પીક અપ વાહન એટલે કે Goods Vehicle હતું. એટલે કે ડ્રાઈવર Goods vehicle ચલાવવાનું લાઈસન્સ ધરાવતા ન હતા તેમ જણાવી વાહનને અકસ્માત થયેલ નુકસાન અંગેનો કલેમ સામાવાળા વીમા કંપનીએ નામંજૂર કરેલ જેથી મૃતક વાહનમાલિકની વિધવા અને તેના સગીર સંતાનોએ જિલ્લા ગ્રાહક અદાલતના દ્વાર ખટખટાવ્યા હતા.

ફરિયાદી તરફે એડવોકેટ શ્રેયસ દેસાઈએ દલીલ કરતા જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના મહત્ત્વના જજમેન્ટનો ઓર્ડર LMV ચલાવવાનું લાઈસન્સ ધરાવનાર વ્યકિતને Goods vehicle ચલાવવાનો અધિકાર છે અને તેને કારણે Policy ની શરતોનો ભંગ થતો નથી જેથી ફરિયાદવાળા કેસમાં પણ ફરિયાદવાળું Goods vehicle ચલાવવાનો ફરિયાદીને અધિકાર હતો અને વીમા પોલીસીની કોઈ શરતનો ભંગ થયેલ નથી અને કલેમ ચૂકવણીપાત્ર છે.

જિલ્લા ડિસ્ટ્રિકટ કમિશન સમક્ષ (મુખ્ય) પ્રમુખ ન્યાયાધીશ પી. પી. મખીયા અને સભ્ય પૂર્વીબેન જોષી અને તીર્થશ મહેતાએ આપેલા ચુકાદામાં ફરિયાદી ક્લેમની રકમ મેળવવા હકકદાર હોવા છતાં સામાવાળા ખોટી અને ગેરવ્યાજબી રીતે કલેમ નકારેલ હોવાના તારણ પર આવી ફરિયાદીઓને કલેમના રૂ. 2,04,690/ ફરિયાદની તારીખથી ચૂકવણીની તારીખ સુધી વાર્ષિક 7% વ્યાજ સહિત તેમ જ શારીરિક માનસિક ત્રાસ માટે બીજા રૂ. 10,000/- તથા ફરિયાદી ખર્ચ માટે બીજા રૂ.૩000/– સહિત ચૂકવી આપવાનો સામાવાળા વીમા કંપનીને આદેશ આપતો હુકમ કર્યો છે. આમ, LMV વાહન ચલાવવાનું લાઈસન્સ ચલાવનાર વ્યક્તિ Goods vehicle ચલાવવા અધિકૃત હોવાના કાનૂની સિધ્ધાંતને અનુમોદન આપતો આ ચુકાદો અનેક વાહનચાલકો, વાહનમાલિકો અને વીમા કંપનીઓને માર્ગદર્શકરૂપ બની રહેશે.

Most Popular

To Top