Columns

એશિયન હાથીઓની સૌથી વધારે સંખ્યા ભારતના પશ્ચિમ ઘાટમાં જોવા મળે છે

ભારતના હાથીઓની ‘એલીફસ મેકઝીમસ’ પ્રજાતિને જેમના અસ્તિત્વ સામે ભય ઊભો થયો છે તેવી કક્ષામાં મૂકવામાં આવી
વર્ષ 2017ની વસતિ ગણતરી પ્રમાણે ભારત 27312 હાથીઓનું નિવાસસ્થાન છે, જે દુનિયાભરમાં હાથીઓની કુલ સંખ્યા છે, તેના 55 % છે. વર્ષ 1986થી ભારતમાં જોવા મળતી એશિયન હાથીઓની આ પ્રજાતિ ‘એલીફસ મેકઝીમસ’ને પ્રકૃતિની જાળવણી માટેના આંતરરાષ્ટ્રીય યુનિયન (IUCN) દ્વારા જેમના અસ્તિત્વ સામે ભય ઊભો થયેલો છે, તેવી લાલ યાદીમાં મૂકવામાં આવી છે. ભારતમાં 6049 હાથીઓ સાથે કર્ણાટક પછી આસામ બીજા ક્રમે સૌથી વધારે હાથીઓ ધરાવે છે. સરકારી સ્ત્રોતો જણાવે છે કે આસામમાં જંગલી હાથીઓએ 3546 ઘરોને નુકસાન પહોંચાડયું હતું. તે ઉપરાંત વર્ષ 2016 અને વર્ષ 2018ની વચ્ચે તેમણે 1880 હેકટર જમીન પરના પાકને નુકસાનગ્રસ્ત કર્યો હતો.

વર્ષ 2012ની વસતિ ગણતરી મુજબ બાંદીપુર 1697 હાથીઓ સાથે સર્વોચ્ચ ક્રમે છે
સમગ્ર દેશના સ્તરે દર 5 વર્ષે હાથીઓની સંખ્યાની વસતિ ગણતરી કરવામાં આવે છે. વર્ષ 2012માં આ રાજયમાં જે વસતિ ગણતરી હાથ ધરવામાં આવી હતી, તેમાં હાથીઓની સંખ્યા 6072 જણાવવામાં આવી હતી. તેમાં બાંદીપુર અને નગારાહોલ એ બંનેમાં હાથીઓની સંખ્યા 600થી વધારે નોંધાઇ હતી. બાંદીપુર 1697 હાથીઓ સાથે સર્વોચ્ચ ક્રમે રહ્યું. ત્યાર પછી નગારાહોલમાં હાથીઓની સંખ્યા 1320 અને ‘BRT’ વન્ય જીવન અભયારણ્યમાં તેમની સંખ્યા 480 નોંધાઇ હતી.
આ સિવાય બીજા વન્ય ડીવીઝનો જેઓ હાથીઓ ધરાવે છે, તેમાં ‘કાવેરી વન્ય જીવન અભયારણ્ય’ 255 હાથીઓ, ભાદરા 188 હાથીઓ, કોલેગલ 278 હાથીઓ, માડીકેરી ડીવીઝન 192 હાથીઓ, રામનગરમ 169 હાથીઓ, વીરાજપેટ 165 હાથીઓ, હસન 75 હાથીઓ, હુસુર 70 હાથીઓ, મૈસુર વન્યજીવન 51, આન્સી ડન્ડેલી 47 અને બેનરગટ્ટા 78 હાથીઓ ધરાવતા હતા. અત્યાર સુધીમાં આપણા દેશમાં જાહેર કરવામાં આવેલા 30 હાથી અનામત વિસ્તારો ઉપરાંત 1 સૂચિત હાથી અનામત વિસ્તાર ‘ખાસી હીલ્સ’ છે.

હાથી એ રાષ્ટ્રનું વારસારૂપ પ્રાણી છે
ભારતના આ હાથીનું વિજ્ઞાન સંબંધી નામ ‘એલીફસ મેકઝીમસ’ છે. હાથી એ કેરાલા, ઓરિસ્સા અને ઝારખંડનું અધિકૃત માન્યતા પામેલું પ્રાણી છે. આ હાથીને હાલમાં જેના અસ્તિત્વ સામે ભય તોળાઇ રહ્યો છે તેવી કક્ષામાં મૂકવામાં આવેલ છે. એશિયન હાથીઓની સૌથી વધારે સંખ્યા ભારતના પશ્ચિમ ઘાટમાં છે. પશ્ચિમ ઘાટ એ ભારતના જૈવવૈવિધ્યથી ભરપૂર એવા હોટસ્પોટ વિસ્તારોમાંનો એક વિસ્તાર ગણાય છે. તેનો યુનેસ્કોના વિશ્વના વારસાના સ્થળોની યાદીમાં સમાવેશ થયેલો છે. જુલાઇ 10, 2018ના રોજ દુનિયાના પ્રથમ પાંચ મુલાકાત લેવા લાયક સ્થળોમાં આ પશ્ચિમ ઘાટને 4th નંબર આપવામાં આવ્યો છે. એશિયન હાથીઓની સૌથી વધારે સંખ્યા પશ્ચિમ ઘાટના આ વિસ્તારમાં જોવા મળે છે.
પ્રકૃતિની જાળવણી માટેના આંતરારાષ્ટ્રીય યુનિયને (IUCN) હમણાં જે રેડ લિસ્ટ બહાર પાડયું છે, તેમાં તેણે જણાવ્યું છે કે વન્ય વિસ્તારોમાં અને સવાન્નાઓમાં જે હાથીઓ રહેલા છે, તેમની સામે ભય ઊભો થયો છે. આ ‘સવાન્ના’ એ પૃથ્વીના ટ્રોપિકલ વિસ્તારોમાં રહેલા ઘાસના મેદાનો છે. જયાં ભાગ્યે જ થોડા વૃક્ષો જોવા મળે છે. આ ટ્રોપિકલ વિસ્તારો એટલે પૃથ્વીના વિષુવવૃત્ત સાથે 22.5 અંશનો ખૂણો બનાવતા પૂર્વ દિશા અને દક્ષિણ દિશા વચ્ચેના વિસ્તારોથી બનતો પ્રદેશ.

તામિલનાડુની ‘ફોરેસ્ટ કોલેજ એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટયુટ’ (FC & RI)ના વિજ્ઞાનીઓએ હાથીઓની સંખ્યા મોટા પાયા પર વધારાવના હેતુથી પ્રોજેકટ હાથ ધર્યો
તામિલનાડુની ‘ફોરેસ્ટ કોલેજ એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટયુટ’ (FC & RI)ના વિજ્ઞાનીઓએ હાથીઓની સંખ્યાને મોટા પાયા પર વધારવા માટેના હેતુથી એક પ્રોજેકટ હાથ ધર્યો છે. આ પ્રોજેકટ અંતર્ગત તેઓ ઘાસ અને વૃક્ષોની ઓળખ મેળવશે કે જેથી હાથીઓની વસાહતોની સ્થિતિને સુધારી શકાય અને તેમની સંખ્યામાં વધારો કરી શકાય. જે વિસ્તારોમાં દેશી ઘાસ છે અને બીજા ચારા માટેના વૃક્ષો છે તે વિસ્તારો કંઇક કથળી ગયેલા છે.
હાથીઓ ખોરાક માટે ઘાસચારા અને બીજા ચારાઓની વનસ્પતિઓ પર સંપૂર્ણપણે નિર્ભર છે. ઘાસની 29 દેશી પ્રજાતિઓ અને 14 ઘાસચારાની વસ્પતિઓની પ્રજાતિઓને ઓળખી કાઢવામાં આવી છે, જેઓ આ હાથીઓનું ભાવતું ભોજન છે. વિજ્ઞાનીઓની આ ટીમે આ અંગેનો એક વળગાળાનો અહેવાલ સુપ્રત કર્યો છે. તેમણે આ ‘FC & RI’ કોલેજના કેમ્પસમાં ઘાસની આ પ્રજાતિઓના વૃધ્ધિ વિકાસ માટે એક નર્સરી પણ શરૂ કરી છે.

‘પ્રોજેકટ એલિફન્ટ’નો હેતુ હાથીઓની વસાહતો અને તેમની પરસાળોનું રક્ષણ કરવાનો છે
વર્ષ 1991-92માં ભારત સરકાર દ્વારા ‘પ્રોજેકટ એલિફન્ટ’ શરૂ કરવામાં આવ્યો હતો. તેનો હેતુ હાથીઓ, તેમની વસાહતો અને તેમની પરસાળોનું રક્ષણ કરવાનો, માનવી-પ્રાણીઓ વચ્ચેના સંઘર્ષનો નિકાલ લાવવાનો, પાલતુ હાથીઓના કલ્યાણનો, વધારે સંખ્યામાં હાથીઓ ધરાવતા રાજયોને ટેક્નિકલ ટેકો આપવાનો છે. આ પ્રોજેકટનું અમલીકરણ આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, છત્તીસગઢ, ઝારખંડ, કર્ણાટક, કેરાલા, મહારાષ્ટ્ર, મેઘાલય, નાગાલેન્ડ, ઓરિસ્સા, તામિલનાડુ, ત્રિપુરા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2012માં હાથીઓની સંખ્યા 27,312 હતી. હાલમાં ‘એલિફન્ટ રીઝર્વ’ ભારતના 16 રાજયોમાં છે, જેનો કુલ વિસ્તાર 58,000 Sq. Km. થવા જાય છે.

Most Popular

To Top