Columns

ઝીણી ઝીણી આંખોમેં, બડે બડે સપને

હેવાય છે કે પ્રેમ આંધળો છે પણ તેની શરૂઆત આંખથી જ થાય છે કારણ કે પહેલા આંખો મળે છે પછી દિલ મળે છે. પ્રેમમાં મોટી મોટી આંખોનું મહાત્મ્ય મોટું છે. આપણે ત્યાં ‘મોટી મોટી આંખોવાળા’ અને ‘ઝીણી ઝીણી આંખોવાળા’ એમ બંને પ્રકારના મનુષ્યો જોવા મળે છે પણ ઝીણી આંખોની વાત આવે એટલે ચીના યાદ આવે. વસ્તીવધારામાં તો આપણે એમને આંટી દઈશું પણ આ ઝીણી આંખોવાળી એક જ બાબતે એવી છે કે તેમને પહોંચી વળાય એમ નથી. ચીનાને જોઈએ ત્યારે એમ થાય કે જો આંખો ખોલવાની જ નહોતી તો પછી ભગવાને એમને આંખો આપી જ શું કામ?

ધારો કે કોઈ ચીનાને ચીની યુવતી સાથે પ્રેમ થાય તો તે પ્રિયતમાની આંખો વિશે કવિતા લખે ખરો? મને નથી લાગતું કે લખે. શું લખવું!? આંખ જેવું કાંઈ દેખાય જ નહીં તો કવિતા કેવી રીતે પ્રગટે?! કે પછી ત્યાં આંખ મિલાવ્યા વિના પણ આંખો પર કવિતા કરવાના વર્કશોપ યોજાતા હશે કે પછી ત્યાં ઝીણી ઝીણી આંખો વિશે ઝીણી ઝીણી કવિતાઓ થતી હશે! જે આપણી મોટી મોટી આંખોની નજરમાં નહીં આવતી હોય. આમ પણ ચીનમાં ખરેખર શું ચાલી રહ્યું છે તેની તેઓ કોઈને ખબર પડવા દેતા નથી. તેની શરૂઆત તેમની આંખોથી થાય છે.

ચીનાની આંખમાં શું ચાલી રહ્યું છે તેને જગતનો એક પણ મનુષ્ય આજ સુધી જાણી શક્યો નથી. આપણે ભારતીયોને તો ચીની યુવતી સાથે પ્રેમ થતો જ નથી. તેનું કારણ જ આ છે. આપણે ત્યાં પ્રેમમાં પ્રથમ પગથિયે આંખો મળે છે અને પછી દિલ મળે છે પણ ચીની યુવતીઓમાં તો પહેલું પગથિયું જ ન હોય. તેની સાથે આંખો જ ન મળે તો દિલ કેવી રીતે મળે? આંખો મળ્યા વગર પ્રેમ થાય કેવી રીતે? કોઈની ડોરબેલ વગાડ્યા વિના પરબારું એના ઘરમાં ઘૂસી જવાય ખરું? ચીનાઓની આંખો તો ઠીક, સાલાઓની ભ્રમરોમાં ય કાંઈ લેવાનું નહીં. ભારતીયોની આંખો પર કેવી પૂળો પૂળો ભ્રમરો હોય! એમની મૂછો કરતાં તો આપણી ભ્રમરો મોટી હોય.

 ચીનાએ કોઈ યુવતીને આંખ મારવી હોય તો કેવી રીતે મારે? એટલે તો ચીનમાં આંખો વિશે કવિતાઓ ગીતો વગેરે નથી.(જો કે અમે ક્યાંય વાંચ્યું નથી એટલે આવું કહીએ છીએ. ચીની સાહિત્ય વિશે અમો ઘોર અજ્ઞાન ધરાવીએ છીએ.) અને અહીં આપણે જુઓ, પેલો ગોવિંદો શરીરના ત્રણ ત્રણ કટકા કરીને ‘લડકી કમાલ રે અખીયોં સે ગોલી મારે..એ…એ’ ગાતો હોય તો જોવાની મજા પડી જાય. જો કે ગોવિંદાની આંખો ય 70 m.m.ની તો નથી જ છતાં ગોલી મારે, બોલો!  આપણે ત્યાં કવિઓએ, ગઝલકારોએ આંખો વિશેની કવિતાનું જથ્થાબંધ મેન્યુફેક્ચરિંગ કર્યું છે. આવી વિવિધ ગઝલો, કવિતાઓમાંથી શબ્દ ઉઠાવીને ઊગતા ગઝલકારો આંખોની ગઝલોનું રિસાઈકલિંગ કરીને માલ બજારમાં મૂકે છે. તેમનું ય ચાલે છે.

 એક વાર મારી આંખમાં અતિ સૂક્ષ્મ કચરો પડ્યો. જેમ ચૂંટણીની ટિકિટમાં કપાઈ ગયેલા રાજકારણીને ટિકિટ મેળવનારો આંખમાં ખટકે એમ કચરો મારી આંખમાં ખટકવા લાગ્યો. જેમ આપણને આપણા જ દોષો દેખાતા નથી તેમ આપણી જ આંખનો કચરો આપણને દેખાતો નથી. તેથી આંખ વિશેની ઘણી બધી વૈવિધ્યસભર ગઝલો રચનાર એક પ્રયોગશીલ ગઝલકાર ત્યાં હાજર હતા. મને થયું કે તેઓ આંખ વિશે ઘણું જાણે છે તો લાવ તેને આંખ બતાવું. કોઈએ સલાહ આપી કે તમારી પત્નીને ‘આંખ બતાવો’ પણ આજ સુધી કોઈ પત્નીને આંખ બતાવી શક્યું છે ખરું?

મેં કોઈ પણ જાતનો કેસ કઢાવ્યા વિના કવિને મારી આંખ બતાવી અને આંખમાંથી કચરો કાઢવા વિનંતી કરી. તેમને થયું કે કેસ નવો લાગે છે એટલે તેમણે સવિનય ‘ના’ પાડી. પછી એક મિત્રે કહ્યું કે તેઓ સ્ત્રીઓની આંખોના જ નિષ્ણાત છે તેમણે સ્ત્રીઓની આંખો વિશે જ ગઝલો લખી છે એટલે તારી આંખ તો તેને કચરો જ લાગશે. તેઓ આપણા જેવા 38 બેતાળાવાળા વિશે ખાસ કંઈ લખતા નથી. પછી મેં આંખના નિષ્ણાત સર્જનનો આશરો લીધો. સામેવાળાની આંખમાં શું છે તે સર્જકો (કવિઓ) અને સર્જનો (આંખના ડૉક્ટરો) બે જ જોઈ શકે છે. એમાં ય કવિઓ એક ડગલું આગળ છે. તેઓ સામેવાળા-વાળીની આંખમાં જે ‘ન હોય’ તે પણ જોઈ શકે છે.

 આપણે ત્યાં ય ઝીણી આંખોવાળા લોકો જોવા મળે છે. કેટલાક તેને ‘ચૂચી આંખવાળા’ પણ કહે છે. એક મિત્રે તો મને સૂત્ર આપ્યું કે ‘ચૂચા એટલા લુચ્ચા’’ આ વાત કંઈક અંશે સાચી પણ ખરી કારણ કે આવા અનુભવો પણ થયા છે છતાં બધા જ એવા ન હોઈ શકે. ચીનના સંદર્ભે જોઈએ તો વાત ઘણી સાચી લાગે. ચીનાઓને તો કદાચ ચૂચી આંખોમાંથી એકબીજાના ભાવ જાણી લેતાં આવડતું હશે પણ આપણાવાળાનું શું? આપણે ત્યાં પ્રિયા ઝીણી આંખોવાળી હોય તો પ્રિયતમ કેવી રીતે કહી શકે કે મને તારી આંખોમાં આખું જગત દેખાય છે, 24 બ્રહ્માંડ દેખાય છે. (એ ભાઈ 14 બ્રહ્માંડ જ હોય 24 નહીં! ખેર, પ્રેમમાં આવું થવાનો સંભવ છે. ભૂલચૂક લેવીદેવી!) સગાઈ કર્યા પછી આવું બધું કહેવાની પરંપરા છે (કારણ કે સાચું કહી શકાતું નથી.) એટલે જ્યારે પ્રિયતમ આવું પ્રેમનિવેદન કરે ત્યારે ઝીણી આંખો વાળી પ્રિયા પ્રિયતમને ઝીણી નજરે જોતી હોય કે આણે સાલાએ બીજે ક્યાં ક્યાં સપનાના વાવેતર કર્યા છે.

 મોટી મોટી આંખોવાળા જે જોઈ શકતા નથી તે ઝીણી આંખોવાળા પહેલી નજરે જ જોઈ શકે છે. ઝીણી આંખોવાળા ઝીણું કાંતે છે(જ્યારે મોટી આંખોવાળા પીંજે છે.) અને ઝીણું ઝીણું જોઈ શકે છે એમની નજર ઝીણવટભરી હોય છે. તેમાંથી કોઈ છટકી શકતું નથી. ઝીણી આંખોવાળો ખાટલે સૂતો હોય અને આપણે તેને મળવા જઈએ તો ખબર ન પડે કે તે સૂતો છે કે જાગે છે. તેની પત્નીને પણ પતિને ઊંઘમાંથી જગાડવાનો આનંદ મળતો નથી કારણ કે ઘણી વાર તો તે જગાડ્યા પહેલાનો જાગતો હોય છે. તો કેટલીક વાર ન જાગવાના સમયે પણ જાગતો હોય છે પણ ઝીણી આંખો એટલે ખબર ન પડે. મોટી મોટી, કાળી કાળી, સુંદર સુંદર આંખો પર, મૃગનયનીઓ પર ઘણું કાવ્યકર્મ થયું છે. ફિલ્મી કવિઓને પણ ઘણી વાર કોઈ વિષય મળ્યો નથી ત્યારે તેમણે હિરોઈનની આંખ પર આંખ માંડીને ગરમાગરમ ગીત ઓર્ડર મુજબ ઉતારી આપ્યા છે અને ચાલ્યા ય છે. જેમ કે….

‘એક પરદેશી મેરા દિલ લે ગયા…’ યા તો ‘પરદેશીઓ સે ના અખીયાં મિલાના….’  પણ ઝીણી આંખોનું શું? ‘ઝીણી ઝીણી અખિયોં મેં બડે બડે સપને…’ એવા ગીતો કેમ ન રચાયા? ગુજરાતીમાં પણ રચી શકાય કે… આંખ ભલે હોય તારી ઝીણી,પણ નજર છે બહુ તીણી; જો તું હોય હથોડી તો માનજે, પ્રિયતમા છે એક છીણી.  વિશેષમાં એવું પણ લખી શકાય કે, તારી ઝીણી આંખોમાં આંજેલું કાજળ મેં જોઈ લીધું છે, મારી મોટીમોટી આંખોએ રાતોની રાતો રોઇ લીધું છે.

 જો કે ઝીણી આંખોનું કાજળ જોવું બહુ અઘરું હોય છે કારણ કે તેમાં કાજલ સમાય એટલી જગ્યા જ ન હોય એટલે તો ચીની સ્ત્રીઓ કાજલ લગાવતી નથી અથવા તો આપણને દેખાતું નથી. આ રીતે ઝીણી આંખો પર ઝીણું ઝીણું રચાતું થાય તો ધીમે ધીમે કવિઓ, ગઝલકારો, હાઇકુ સર્જકોનો હાથ વળે. જો એક વાર આ ચાલ્યું તો એક દિવસ જરૂર ઝીણી આંખોવાળાનો જમાનો આવશે. જલતી શમા પર જેમ તીતલિયા કૂદી પડે એમ ઝીણી આંખોવાળા પર ઝીણી અને મોટી આંખોવાળી તિતલીઓ ફિદા થઈ જશે.

 ઝીણી આંખોવાળાને સજોડે મળવામાં જોખમ છે કારણ કે કોઈ તેને સજોડે મળે તો તે વાતો કરતા કરતા કોની સામે જોયા કરે છે તે નક્કી થઈ શકતું નથી. હા, એટલી ધારણા તો બાંધી જ શકીએ કે તે નરને તો ન જ જોતો હોય.  ઘણી વાર તો ઝીણી આંખોવાળાને આપણે જોઈએ ત્યારે આપણને થાય કે આને ખરેખર દુનિયા દેખાતી હશે કે પછી તેઓ અનિવાર્ય હોય એટલું જ જોતા હશે? આવા પ્રશ્નોનો જવાબ મેળવવા કેટલીક વાર આપણે ખુદ તેના જેવી ઝીણી આંખો કરીએ તો આપણી સામેનું 90% જગત અદ્રશ્ય થઈ ગયેલું લાગે પણ એ લોકોને જગત પૂરેપૂરું દેખાય છે.

 કહેવાય છે કે માણસના હોઠ મૌન હોય છે ત્યારે તે આંખોથી વાત કરી લે છે. પ્રેમમાં તો ખાસ! આવી કોઈ ઝીણી આંખોવાળી સાથે પ્રેમગ્રંથિથી જોડાયા હોઈએ તો આંખોથી વાત કઈ રીતે કરવી!? જેમ છીંકણીની ડબ્બીનું ઢાંકણું બંધ હોય તેમ તેની બંને પાંપણો બંધ હોય છે. આવી પાંપણોને પાર કરીને તેની આંખોના ઊંડાણ સુધી કેવી રીતે પહોંચવું? તે માટે તો ક્ષ-કિરણોની જરૂર પડે. તેની આંખોમાં શું રંધાઈ રહ્યું છે તે સામેવાળું પાત્ર પામી શકતું નથી. પેલું લોકગીત છે ને કે ‘આંખલડીનો ચાળો વાલે મારે ભલે કર્યો’ પણ આ ચીના તો આંખલડીનો ચાળો કરે ય કેવી રીતે?

 મનુષ્યમાં કોઈની આંખો ઝીણી તો કોઈની મોટી, કોઈની કાળી તો કોઈની ભૂરી હોય છે પણ પશુઓમાં એવું હોતું નથી. બધી જ ભેંસોની કે પાડાની આંખો એકસરખી જ હોય. તેમાં કોઈ ‘ચૂચી આંખવાળો પાડો અને મોટી મોટી આંખોવાળી ભેંસ’ એવું જોવા મળતું નથી. એ લોકોમાં બધાની આંખો સરખી અને સપના ય સરખા જ્યારે મનુષ્યમાં આંખો ય જુદી અને આંખે આંખે સપના ય જુદા.!

 ગરમાગરમ:-
સુરતમાં એક ખૂબસૂરત યુવતી આંખની નિષ્ણાત ડૉક્ટર-સર્જન હતી. તેની આંખો કાળી કાળી, મોટી, મોહક અને નમણી હતી. તેને ત્યાં એક કવિ પેશન્ટ તરીકે આવ્યા. લેડી ડૉક્ટરે કવિની આંખમાં આંખ પરોવીને, તપાસીને કહ્યું, ‘મને તમારી આંખોમાં ઝામર દેખાય છે.’ કવિએ કહ્યું, ‘મને તમારી આંખોમાં કાજલથી રચાયેલી કવિતા દેખાય છે.’  લેડી ડૉક્ટરે તરત જ ચિઠ્ઠી લખી તેને ન્યૂરોસર્જન પાસે મોકલી દીધા અને કહ્યું, ‘પહેલા મગજનો ઈલાજ કરાવો પછી આંખોનું જોઈશું.’

Most Popular

To Top