National

એ પરિસ્થિતિમાં મીરાબાઇ ચાનુ હોય તો મુશ્કેલીઓ પણ ઘુંટણીયે પડી જાય છે

નવી દિલ્હી : વાપસીની ચાહ એ સૌથી મુશ્કેલ ઇચ્છા છે પણ જ્યારે એ પ્રશ્નમાં વ્યક્તિ મીરાબાઇ ચાનુ (Mira bai chanu) હોય તો મુશ્કેલીઓ પણ ઘુંટણીયે પડી જાય છે. શનિવારે ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympics)માં વાપસી સાથે જોડાયેલી દરેક બાબતો જેવી કે અનિશ્ચિત પડકાર અને અચોક્કસ પરિસ્થિતિ સુધીનું તમામ ભારતીય વેઇટલિફ્ટર (Indian weightlifter)ની સ્થિતિસ્થાપકતા અને દૃઢતા સામે નમી ગયું હતું. ટોક્યોમાં 49 કિગ્રાની કેટેગરીમાં ચાનુએ સિલ્વર મેડલ (Silver medal) જીતીને જ્યારે તેને સપનુ સાકાર થવા સમાન ગણાવ્યું ત્યારે એ અનુભવને પામવા માટે ચાનુએ સૌથી મુશ્કેલ સમય સાથે આવેલા અવરોધોને રોજે રોજ મારી હઠાવવા પડ્યા હતા.

ઇમ્ફાલથી લગભગ 20 કિમી દૂર આવેલા નોંગપોક કાકચિંગમાં એક ગરીબ પરિવારમાં જન્મેલી ચાનુ છ ભાઇ બહેનોમાં સૌથી નાની છે. તેનું બાળપણ નજીકના વિસ્તારોમાંથી લાકડાં કાપીને લાવવા અને નાના ડબ્બામાં પાણી ભરીને લાવવામાં વિત્યું છે. નાનપણથી તે પોતાના મોટાભાઇથી જે લાકડાંનો ભારો નહોતો ઉંચકાતો તે લઇને 2 કિમી સુધી ચાલતી હતી. પહેલાથી રમતવીર બનવાની ખેવના ધરાવતી ચાનુ લગભગ તિરંદાજ બની ગઇ હતી પણ તેનું નસીબ ત્યારે પલટાયું જ્યારે તે તીરંદાજી સેન્ટર પર ગઇ તો તે બંધ થઇ ગયું હતું અને તેણે કેટલા વેઇટલિફ્ટરને તાલીમ લેતા જોયા. તેણે ભારતીય વેઇટલિફ્ટીંગ દિગ્ગજ મણીપુરની કુંજરાની દેવી વિશે વાંચ્યુ અને તેનાથી પ્રભાવિત થઇને તે વેઇટલિફ્ટીંગમાં આવી. જો કે તેમાં તેની શરૂઆત અવરોધ ભરી રહી હતી. આર્થિક તંગીને કારણે માતા-પિતા તેને એટલો સાથ આપી શકતાં નહોતા. તાલીમ માટે તેણે બે બસ બદલીને 22 કિમી દૂર જવું પડતું હતું.

ચાનુએ જાતે જ વાંસના થડમાંથી બનાવાયેલા બાર્બેલનો ઉપયોગ કરીને જાતે પોતાનું એક વેઇટલિફ્ટીંગ સાધન બનાવ્યું હતું. ચાનુએ 2009માં પોતાનો પહેલો નેશનલ મેડલ જીત્યો અને તે પછી પોતાનો રેન્ક ઉપર લાવીને તેણે 2014ની કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો. 2016ની રિયો ગેમ્સમાં મેડલ જીતવા માટે ફેવરિટ ગણાતી ચાનુ ત્રણ ક્લીન એન્ડ જર્ક પ્રયાસમાં ફેલ જતાં આંખમાં આંસુ સાથે તે પાછી ફરી. જો કે તે પીછેહઠ કરનારી વ્યક્તિ નહોતી. એક વર્ષ પછી એ નિષ્ફળતામાંથી બહાર આવીને 2017માં વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનારી તે બે દશકમાં પહેલી ભારતીય વેઇટલિફ્ટર બની. 2018ની કોમનવેલ્થ ગેમ્સમાં ચેમ્પિયન બની. તેની સિદ્ધિઓ માટે તેણે ઘણાં બલિદાન આપવા પડ્યા.

સતત પરિવારથી દૂર રહેવાની સાથે તે પોતાની એક બહેનના લગ્નમાં પણ હાજર રહી શકી નહોતી. તેની પ્રોફેશનલ ટૂર રોલરકોસ્ટર સમાન રહી છે. સતત બે ગોલ્ડ જીતીને ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત થયેલી ચાનુને પીઠની સમસ્યા ઊભી થઇ અને તેના કારણે 2018ના વર્ષમાં તેણે ઘણી સ્પર્ધા ગુમાવી. તેની એ ઇજા રહસ્યમયી હતી અને તબીબો પણ તેનું કારણ જાણી શક્યા નથી. એક વર્ષ પછી ફરી તાલિમ શરૂ કરી અને આજે તે ઓલિમ્પિક્સ સિલ્વર સુધી પહોંચી ગઇ છે.

Most Popular

To Top