Charchapatra

મેરીટ આધારિત ભરતી

આપણા રાજ્યમાં તાજેતરમાં જૂનિયર કલાર્કની 1181 જગ્યાઓ માટે 9.53 લાખ જેટલા વિક્રમ સંખ્યાના ઉમેદવારો પરિક્ષામા બેસવાના આ અને અંતિમક્ષણે પેપરો ફૂટી ગયા અને પરિક્ષા રદ કરવામાં આવી જેના પરિણામે લાખો પરિક્ષાઓની મહેનત પર પાણી ફરી વળ્યું. આપણા રાજ્યની આ પેપર ફૂટવાની 12મી ઘટના બનેલ છે. જે રાજ્ય સરકારની અને તેના વહિવટી તંત્રની ઘોર નિષ્ફળતા સાબિત કરે છે. પરિક્ષાર્થીમાં હજારો રૂપિયાનું નાંણાકીય નુકસાન અને ન કરી શકાય તેવુ માનસિક નુકસાન થઇ રહ્યું છે. જે અટકાવ્યા હવે રાજ્ય સરકારે બાર-બાર પરિક્ષાઓના પેપરો ફૂટી જવાને કારણે નુકસાનકારક પરિક્ષા લેવાને બદલે માત્ર મેરીટને આધારે જ ભરતી કરવાની જરૂર છે.

આપણા દેશના પોસ્ટ વિભાગમાં 40889 વિક્રમ સંખ્યાની જગ્યાઓ માટે ગ્રામીણ ડાક સેવકની ભરતીની જાહેરાત તાજેતરમાં થયેલ છે જેની પસંદગીની પ્રક્રિયા મેરિટ પરથી જ થવાની છે. જેમાં ભરતી માટે કોઇ પરિક્ષા લેવામાં આવશે નહી. પસંદગી પામેલા ઉમેદવારોમાં નામ સીધા સત્તાવાર વેબસાઇટ પર જ જાહેર કરાશે. રાજ્ય સરકારે આ ભરતીની પ્રક્રિયા પોસ્ટ વિભાગમાંથી મેળવીને યોગ્ય લાગે તો મેરીટ આધારિત ભરતી કરવાની હવે જરૂર છે. મેરીટ આધારિત ભરતી કરવાથી વારંવાર પેપરો ફૂટવાની વહીવટીતંત્રની મોટી ચિંતા દૂર થશે. પરિક્ષાર્થીઓ આર્થિક અને માનસિક નુકસાનથી બચી શકશે અને ભ્રષ્ટાચાર નિવારી શકાશે. અને યોગ્ય ઉમેદવાર મેળવી શકાશે. ભૂતકાળમાં આવી મેરીટ પધ્ધતિ અપનાવાતી હતી. રાજ્ય સરકારે નીચેની મેરીટ આધારિત પધ્ધતિ પ્રમાણે ભરતી કરવાની હવે જરૂર હોય એમ લાગે છે.

ભવિષ્યની કોર્ટ મેટર નિવારવા આ બાબતે જરૂર લાગે તો રાજ્ય સરકાર હાઇકોર્ટની મંજૂરી મેળવી શકે. ભરતી માત્રને માત્ર પાસ કરેલ ત્રણ પરિક્ષામાં મેળવેલ માર્કસ પરથી બનાવેલ મેરીલીસ્ટ પરથી કરવી જેની વિગતો નીચે પ્રમાણેની છે. (અ) ભરતીની શૈક્ષણીક લાયકાત પોસ્ટ ગ્રેજયુએશન હોય તો પોસ્ટ ગ્રેજયુએશનનું મેરીટ, ગ્રેજયુએશનનું મેરીટ અને ધો.12નું મેરીટ એમ ત્રણેયનું સંયુકત મેરીટ લીસ્ટ બનાવ્યું. (બ) ભરતીની શૈક્ષણીક લાયકાત ગ્રેજયુએટ હોય તો ગ્રેજયુએશનનું મેરીટ લીસ્ટ, ધો.12નું મેરીટ અને ધો.10નું મેરીટ એમ ત્રણેયનું સંયુકત મેરીટ લીસ્ટ બનાવ્યું. (ક) ભરતીની શૈક્ષણીક લાયકાત ધો.12 હોય તો ધો.12નું મેરીટ, ધો.10નું મેરીટ અને ધો.9નું મેરીટ એમ ત્રણેયનું સંયુકત મેરીટ લીસ્ટ બનાવવું. મેરીટની આવી પધ્ધતિ ભવિષ્યમાં જયારે જગ્યા ભરવાની જરૂર પડે ત્યારે ઉપકારક બની શકશે.
સુરત- પ્રવીણ રાઠોડ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

શિક્ષણ વિશે ક્યાં છે ગંભીરતા?
આપણા દેશના કેન્દ્રીયમંત્રી શ્રી પોતે સ્વીકારે છે કે આપણો દેશ ગામડાઓથી બનેલો છે. આવા ગામડાઓમાં જ સરકારનું સર્વ શિક્ષણ અભિયાન કેટલું યોગ્ય છે તે જોઈએ. ગામડાઓમાં દિન-બ-દિન પ્રાથમિક શાળાઓ બંધ થતી જાય છે. સર્વ શિક્ષણ અભિયાન પેટે કેન્દ્ર સરકારે 4509 કરોડ રૂ. અને દરેક શાળામાં વીજકનેકશન માટે સરકારી બજેટમાં 60 કરોડ રૂ. ફાળવ્યા છે. સર્વે કરેલ એક રિપોર્ટ અનુસાર 2.80 લાખ સરકારી શાળામાં રમવાને મેદાન નથી. 1.13 લાખ શાળામાં વીજ કનેકશન નથી. આખુ વિશ્વ કોમ્પ્યુટર શિક્ષણ સાથે આગળ વધી રહ્યું છે ત્યારે 90 ટકા સરકારી શાળામાં કોમ્પ્યુટર જ નથી. પછી ઈન્ટરનેટ તો વાત શી કરવી? ઘણી શાળામાં પાણી-પીવાની સગવડ નથી. યુવક-યુવતી માટે અલગ શૌચાલ્ય નથી. પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ગુજરાત, તામિલનાડુ કે કર્ણાટક દરેક રાજ્યની સરકારી શાળામાં ઉપરોક્ત જણાવેલ કોઈને કોઈ ક્ષતિ વર્ષોથી ચાલી આવે છે. અહીં સવાલ એ ઉપસ્થિત થાય છે કે સરકારે ફાળવેલ કરોડો રૂ. ગયા ક્યાં?
નવસારી- એન. ગરાસીયા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top