Editorial

ચોમાસાની સત્તાવાર વિદાય બાદ પણ ભારતમાં મેઘરાજાની મહેર યથાવત

ક્લાઈમેટ ચેન્જ. આ શબ્દ અનેક વખત સાંભળવા મળ્યો છે પરંતુ ખરેખર ક્લાઈમેટ ચેન્જ કોને કહેવાય તે જાણવું હોય તો હાલમાં દેશમાં અનેક રાજ્યોમાં પડી રહેલા વરસાદની સ્થિતિને જાણવી જોઈએ. સમગ્ર દેશમાં ગત તા.30મી સપ્ટેમ્બરના રોજ જ ચોમાસાની વિદાય થઈ ગયાની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે છતાં પણ અનેક રાજ્યોમાં ઓકટોબર માસના બે સપ્તાહ પુરા થઈ જવા છતાં પણ વરસાદ પડી રહ્યો છે. તે પણ એટલો બધો વરસાદ પડે છે કે જે રાજ્યમાં વરસાદની સરેરાશ હોય તેના કરતાં પાંચથી સાત ગણો વરસાદ વરસી ચૂક્યો છે. જાણે મેઘરાજા દેશ પર ઓળઘોળ થઈ ગયા હોય. જોકે, નિષ્ણાંતો એવું કહી રહ્યાં છે કે હવામાન વિભાગે ચોમાસાની વિદાયની જાહેરાત વહેલી કરી દીધી છે. જે હોય તે પરંતુ આ વરસાદ એ સારા એંધાણ નથી. ભવિષ્યમાં દેશ પર અતિવૃષ્ટિનો પણ ખતરો રહેલો છે.

આમ તો પહેલા એવું જ મનાતું હતું કે હવામાન વિભાગે કરેલી આગાહી મોટાભાગે ખોટી જ પડે છે. પરંતુ સમયાંતરે જે રીતે આધુનિક સાધનો આવી ગયા અને તેના આધારે જે આગાહીઓ કરવામાં આવી રહી છે તે મોટાભાગે સાચી પડી રહી છે. જો વરસાદના આંકડાઓ જોવામાં આવે તો આ વખતે દેશમાં ચોમાસું સારૂં રહેવા પામ્યું છે. તેમાં પણ દિલ્હીમાં 625 ટકા વધુ વરસાદ થયો છે. જ્યારે હરિયાણામાં 577 ટકા, ઉત્તરાખંડમાં સરેરાશ કરતાં 538 ટકા વધુ વરસાદ નોંધાયો છે. ઉત્તરપ્રદેશના પણ પૂર્વ અને પશ્ચિમ વિભાગના જિલ્લાઓણાં 698 ટકા વરસાદ નોંધાયો છે.

જ્યારે હવામાન વિભાગે 30મી સપ્ટેમ્બરના રોજ ચોમાસાની વિદાયની જાહેરાત કરી ત્યારે એવું જણાવ્યું હતું કે, હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, દિલ્હી, પંજાબ, ચંદીગઢ, રાજસ્થાનમાંથી ચોમાસું જતું રહ્યું છે પરંતુ હવે જે રીતે વરસાદ પડી રહ્યો છે તે જોતાં ચોમાસું પાછું આવી ગયાનું લાગી રહ્યું છે. પોતે ઉતાવળ કરી દીધાનું ધ્યાને આવતાં હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે ચોમાસું પાછું ફરી રહ્યું છે અને આગામી પાંચેક દિવસ મધ્ય ભારત તેમજ ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદ પડશે અને ત્યારબાદ ચોમાસું વિદાય લેશે.

હવામાન ખાતું એવું કહી રહ્યું છે કે, ઓક્ટોબરના પ્રથમ 10 દિવસમાં ભારે વરસાદને કારણે વરસાદની ટકાવારીમાં મોટો વધારો થઈ ગયો છે. બંગાળની ખાડીમાં ચક્રવાતને કારણે યુપી અને મધ્યપ્રદેશમાં વરસાદ પડ્યો છે. જ્યારે દક્ષિણ-પૂર્વીય પવનોની અથડામણને કારણે ઉત્તરભારતમાં વરસાદ પડ્યો છે. ભૂતકાળમાં 1988માં એવું થયું હતું કે પાછોતરો વરસાદ ભારે પડ્યો હતો. તેમાં પણ સપ્ટેમ્બર માસના છેલ્લા અઠવાડિયામાં થયેલા વરસાદને કારણે નદીઓ છલોછલ થઈ હતી.

હવામાન વિભાગે તો ભૂતકાળને વાગોળીને પોતાના હાથ ખંખેરી લીધા પરંતુ એ વાત સાચી છે કે જે રીતે ક્લાઈમેટ ચેન્જ થઈ રહ્યું છે તે બતાવી રહ્યું છે કે, કુદરત પોતાનો પ્રકોપ વરસાવી રહી છે. દુનિયામાં જે રીતે વાતાવરણમાં વિસમતા ઊભી કરવામાં આવી રહી છે તેને કારણે આ ક્લાઈમેટ ચેન્જની સ્થિતિ બની રહી છે. ક્લાઈમેટ ચેન્જના મામલે સરકારની સાથે સાથે લોકોએ પણ સમજવું પડશે. પ્રદૂષણ વધારવામાં આવશે, જંગલો કપાતા રહેશે તેમ તેમ ક્લાઈમેટમાં બદલાવ આવવાનો જ છે. જો આ સ્થિતિને બદલવામાં નહીં આવે તો બની શકે કે ભારતે ચાર માસના ચોમાસાને બદલે ભવિષ્યમાં છ માસનું ચોમાસું વેઠવાનું આવશે તે નક્કી છે.

Most Popular

To Top