Entertainment

‘સોના’ક્ષીની ચમક દેખાશે ક્યારે?

સોનાક્ષી સિંહા હાશ કરશે. ગયા વર્ષે ‘ભૂજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ રજૂ થયેલી પણ તે સોનાક્ષી માટે પ્રાઇડ નહોતી બની. તે થોડી હતાશ થઇ ગયેલી અને તેથી ‘ફોલન’ અને હમણાં ‘દહાડ’ નામની ટી.વી. શ્રેણીમાં આવી છે. તે હવે મોટા સ્ટાર્સના આગ્રહ વિના ફિલ્મોમાં કામ કરે છે બાકી સલમાનની હીરોઇન ગણાય ચુકી હોય તે ગમે તેને હાથ નહીં જ મુકવા દે. ખેર! અત્યારે તેની સ્થિતિ સુધરતી જણાય છે. ‘ડબલ એકસએલ’ આ અઠવાડિયે રજૂ થશે. આ ફિલ્મમાં ટુ પ્લસ સાઇઝ સ્ત્રીઓ મિરતની રાજશ્રી ત્રિવેદી અને નવી દિલ્હીની સાઇરા ખાનની કહાણી છે જે સૌંદર્ય વિશેના સમાજના ખ્યાલ સામે મસ્તીપૂર્વક લડે છે. સોનાક્ષી સાથે હુમા કુરેશી તો છે પણ ઝહીર ઇકબાલ પણ છે.

અહીં ‘પણ’ એટલા માટે લગાડયું છે કે હમણાં સોનાક્ષીનું એક ગીત બ્લોકબસ્ટર થયાનું કહેવાય છે જેણે મોજ એપ પર ૧ મિલિયન પ્લે પૂરા કર્યા છે. આ ગીતમાં તેની સાથે ઝહીર ઇકબાલ છે અને કહેવાય છે કે સોનાક્ષીનો તેની સાથે અફેર ચાલી રહ્યો છે. હવે હકીકત શું તે તો ખબર નથી કારણકે સોનાક્ષી ગીતને સફળતા ઇચ્છતી હતી અને ‘ડબલ એકસેલ’ને તો સફળતા ઇચ્છતી જ હોય. ઘણીવાર ફિલ્મને ચલાવવા માટે આવા અફેરની જરૂર પડતી હોય છે. હા, સોનાક્ષી ૩૭ વર્ષની થઇ છે અને પરણવા માટે ઉત્સુક હશે પણ ફિલ્મ ચલાવવા માટેનો રોમાન્સ અને રિયલ રોમાન્સ જૂદો હોય છે.

તે હતાશ નથી એવું તો નહીં કહેવાય પણ તેના કારણમાં તેનું પર્ફોમન્સ ખરાબ છે એવું તો નહીં કહેવાશે. તે સારી એકટ્રેસ છે અને બ્યુટીફૂલ પણ છે પણ હવે તે એકદમ યુવાપેઝીની ફેવરીટ નથી રહી. તે મેચ્યોર સ્ટાર સાથે જ પસંદ કરવામાં આવે છે. હા, તે થોડા નવા કળાકારોને પણ ટ્રાય કરી રહી છે જેમ કે ‘બુલબુલ તરંગ’ માં તાહિર રાજ ભસીન તો ‘નિકીતા એન્ડ ધ બુક ઓફ ડાર્કનેસ’ માં અર્જૂન રામપાલ છે, ‘બેટલ ઓફ બિટોરા’ માં આશિષ ચૌધરી છે. આવા સંજોગોમાં ફિલ્મની સફળતાનું દબાણ સોનાક્ષી પર આવી જાય છે.

જો દિપીકા યા આલિયા એકલી પણ ફિલ્મ ચલાવી ન શકતી હોય તો સોનાક્ષી સામે તોપ તાકી ન શકાય. ‘કાફડા’ માં તો તેની સામે રિતેશ દેશમુખ છે. આ કોઇ યોગ્ય મેચ નથી પણ સોનાક્ષી પાસે વિકલ્પો ઓછા છે. સોનાક્ષી અજય દેવગણ, સલમાન જેવા સાથે વધારે જામી શકે અને બીજી ખાસ વાત કે તે મનોરંજક ફિલ્મો માટે જ છે એટલે સારી પ્રોડકશન વેલ્યુવાળી ફિલ્મો જ તેને વધુ લાભ કરાવી શકે. પણ તેને એવી ફિલ્મો મળતી નથી. પેલા સંજય લીલા ભણશાલી તેને લઇને ‘હીરામંડી’ ટી.વી. શ્રેણી બનાવવા માંગે છે પણ બનાવતા નથી એટલે ત્યાં પણ અટકેલુ છે. સોનાક્ષી કારકિર્દી અત્યારે સફળતાનો ચમત્કાર ઇચ્છે છે. •

Most Popular

To Top