Sports

2022માં ક્રિકેટમાં મેગા રેકોર્ડ બન્યા

18 ક્રિકેટરોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ
ઝુલન ગોસ્વામી (ભારત)
ભારત માટે 20 વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીએ પણ આ વર્ષે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી પોતાની નિવૃત્તિ જાહેર કરી હતી. ઝુલન મહિલા ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ 255 વિકેટ ઉપાડનારી મહિલા બોલર છે. આ સિવાય તે મિતાલી પછી સૌથી વધુ 204 વનડે રમનારી ક્રિકેટર પણ છે.
ઝુલન ગોસ્વામીએ વનડેમાં 250 વિકેટ લઈને નવો રેકોર્ડ બનાવ્યો
ભારતીય ક્રિકેટ ટીમની બોલ ગર્લ તરીકે જાણીતી અનુભવી ઝડપી બોલર ઝુલન ગોસ્વામીએ સપ્ટેમ્બરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જોકે, આ વર્ષની શરૂઆતમાં તેણે વનડેમાં 250 વિકેટ લઈને નવો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે આ પ્રકારનું કારનામું કરનાર વિશ્વની પ્રથમ મહિલા બોલરનો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.

રોસ ટેલર (ન્યુઝીલેન્ડ)
ન્યૂઝીલેન્ડના રોસ ટેલરે લગભગ 16 વર્ષ સુધી ક્રિકેટ રમ્યા બાદ આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ન્યૂઝીલેન્ડ માટે ટેસ્ટ અને વનડેમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન ટેલરે 112 ટેસ્ટ, 236 વનડે અને 102 ટી20માં કુલ 18,195 આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે.

મિતાલી રાજ (ભારત)
માજી ભારતીય મહિલા ક્રિકેટર અને કેપ્ટન મિતાલી રાજે 23 વર્ષ સુધી દેશ માટે ક્રિકેટ રમી એક નવો રેકોર્ડ બનાવ્યા પછી ક્રિકેટને અલવિદા કર્યું હતું. મિતાલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારી મહિલા ખેલાડી પણ છે. તેણે ભારત માટે 232 ODIમાં 7805 રન, 12 ટેસ્ટમાં 699 રન અને 89 T20Iમાં 2364 રન બનાવ્યા છે.

ઇઓન મોર્ગન (ઇંગ્લેન્ડ)
ઈંગ્લેન્ડને પોતાની કેપ્ટનશીપ હેઠળ વન ડે વર્લ્ડકપમાં ચેમ્પિયન બનાવનારા ઈયોન મોર્ગને ઇન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આયર્લેન્ડ વતી રમીને પોતાની ઇન્ટરનેશનલ ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરનાર મોર્ગન વન ડેમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તે 126 વનડેમાં 76 જીત સાથે ઈંગ્લેન્ડનો સૌથી સફળ કેપ્ટન પણ હતો.

કિરોન પોલાર્ડ (વેસ્ટ ઈન્ડિઝ)
વિશ્વના સર્વશ્રેષ્ઠ ટી-20 ખેલાડીઓમાંના એક વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તે 100 થી વધુ T20 ઇન્ટરનેશનલ મેચ રમનાર વેસ્ટ ઈન્ડિઝનો એકમાત્ર ખેલાડી છે. વર્ષ 2021માં શ્રીલંકા સામે 1 ઓવરમાં 6 સિક્સર ફટકારનાર પોલાર્ડ વેસ્ટ ઈન્ડિઝનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે.

2022માં ક્રિકેટમાં મેગા રેકોર્ડ બન્યા
ઇશાન કિશનની વન ડેમાં સૌથી નાની વયે સૌથી ઝડપી બેવડી સદી
ઈશાન કિશને બાંગ્લાદેશ સામે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 126 બોલમાં સૌથી ઝડપી બેવડી સદીનો રેકોર્ડ સૌથી નાની વયે બનાવ્યો હતો.

વિરાટ કોહલી ટી-20Iમાં 4000 રન પુરા કરનારો પહેલો ખેલાડી
ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી T20 ઈન્ટરનેશનલમાં 107 ઇનિંગમાં એક સદી અને 37 અર્ધસદીની મદદથી 4000 રન બનાવનાર ઈતિહાસનો પ્રથમ ક્રિકેટર બન્યો હતો.

એન જગદીશને લિસ્ટ-એમાં 277 રનની સૌથી મોટી ઇનિંગ રમી
ભારતીય બેટસમેન નારાયણ જગદીશને લિસ્ટ-એ ક્રિકેટમાં તમિલનાડુ વતી અરુણાચલ પ્રદેશ સામે 141 બોલમાં 277 રનની ઇનિંગ રમી ઇંગ્લીશ કાઉન્ટી ક્રિકેટર એલેસ્ટર બ્રાઉનનો 2002નો 268 રનનો રેકોર્ડ તોડ્યો હતો.

ઋતુરાજ ગાયકવાડે એક ઓવરમાં 7 છગ્ગા માર્યા
વિજય હજારે ટ્રોફીમાં યુપીના બોલર શિવા સિંહની ઓવરમાં ઋતુરાજ ગાયકવાડે 7 સિક્સ મારનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો હતો તે 159 બોલમાં 220 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો.

2022ની ટોપ સ્પોર્ટિંગ મોમેન્ટ્સ
2022નું વર્ષ ઘણી ખાટીમીઠી યાદો લઇને અલવિદા કરી રહ્યું છે. આ વર્ષ દરમિયાન રમતજગતમાં કેટલીક એવી પળો આવી હતી કે જે યાદગાર બની ગઇ હતી. ભારત માટે આ વર્ષે રમતજગતમાં ઘણી યાદગાર પળો આવી કે જેનાથી ભારતીય તરીકે ગર્વનો અનુભવ થયો હતો. જેમાં નીરજ ચોપરાએ બેવડી સિદ્ધિ મેળવી હતી, તેમજ કોમનવેલ્થ ગેમ્સ અને થોમસ કપ જેવી ઇવેન્ટમાં ભારતીય ખેલાડીઓના શ્રેષ્ઠતમ પ્રદર્શને દેશને ગૌરવાન્વિત કર્યો હતો તો શ્રીલંકાએ એશિયા કપ અને ઇંગ્લેન્ડે ટી-20 વર્લ્ડકપ જીત્યો, સાથે જ લિયોનલ મેસી જેવા દિગ્ગજ ખેલાડી માટે પણ આ વર્ષનો અંત એક મીઠી મધૂરી સિદ્ધિ લઇને આવ્યું હતું.

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટની કેપ્ટનશિપ છોડી
ભારતીય ટીમના સૌથી સફળ કેપ્ટન તરીકે નામના મેળવનારા વિરાટ કોહલીએ આ વર્ષના પ્રારંભે જાન્યુઆરીમાં જ દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાં 1-2થી પરાજય પછી વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર ટેસ્ટ કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી હતી. તેણે 68 ટેસ્ટમાં ટીમનું સુકાન સંભાળીને 40 મેચ જીતી હતી, જ્યારે 17માં પરાજય અને 11 ટેસ્ટ ડ્રો રહી હતી. તેની કેપ્ટનશિપમાં જીતનો એવરેજ 58.82ની રહી હતી.

ઇંગ્લેન્ડે ફાઇનલમાં પાકિસ્તાનને પછાડી બીજીવાર ટી-20 વર્લ્ડકપ જીત્યો
ઓસ્ટ્રેલિયામાં રમાયેલા આઇસીસી ટી-20 મેન્સ વર્લ્ડકપમાં જોસ બટલરની આગેવાની હેઠળની ઇંગ્લેન્ડની ટીમે મેલબોર્ન ખાતે રમાયેલી ફાઇનલમાં પાકિસ્તાની ટીમને 5 વિકેટે હરાવીને બીજીવાર ટી-20 વર્લ્ડકપનું ટાઇટલ જીત્યું હતું. ઇંગ્લેન્ડે પાકિસ્તાની ટીમને 8 વિકેટે 137 રન સુધી જ સિમિત રાખીને પછી બેન સ્ટોક્સની નોટઆઉટ 52 રનની ઇનિંગની મદદથી 5 વિકેટે લક્ષ્યાંક કબજે કર્યો હતો. ઓલરાઉન્ડર સેમ કરનને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ જાહેર કરાયો હતો. ભારત આ ટૂર્નામેન્ટમાં સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે 10 વિકેટે હાર્યું હતું.

આઇપીએલ 2022માં પહેલીવારમાં જ ગુજરાત ટાઇટન્સની ટીમ ચેમ્પિયન બની
આઇપીએલની 15મી સિઝનમાં પહેલીવાર ઉતરેલી ગુજરાત ટાઇટન્સની ટીમે હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ હેઠળ ટાઇટલ જીતને તમામને ભોંઠા પાડ્યા હતા. ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને સાત વિકેટે હરાવીને ટાઇટલ જીત્યું હતું. ગુજરાત ટાઇટન્સે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન પ્રભાવક દેખાવ કર્યો હતો. કેપ્ટન હાર્દિક પંડ્યાએ બોલિંગ અને બેટીંગ બંનેમાં ઉમદા પ્રદર્શન કરી ટીમને્ ચેમ્પિયન બનાવી હતી.

એશિયા કપમાં 8 વર્ષ પછી શ્રીલંકા પાકિસ્તાનને હરાવી છઠ્ઠીવાર ચેમ્પિયન બની
યુએઇમાં ટી-20 ફોર્મેટમાં રમાયેલા એશિયા કપ 2022માં શ્રીલંકાની ટીમે જોરદાર પ્રદર્શન કરીને દુબઇમાં રમાયેલી ફાઇનલમાં પાકિસ્તાનને 23 રનથી હરાવીને છઠ્ઠીવાર એશિયા કપ ટ્રોફી જીતી હતી. શ્રીલંકાએ ભનુકા રાજપક્ષેની 71 રનની નોટઆઉટ ઇનિંગની મદદથી 6 વિકેટે 170 રન કર્યા હતા. તે પછી પાકિસ્તાની ટીમનો 147 રનમાં વિંટો વાળીને શ્રીલંકા ચેમ્પિયન બની હતી. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે નિરાશ કર્યા હતા.

દિગ્ગજ ટેનિસ ખેલાડીઓની નિવૃત્તિ
વિદાય લઇ રહેલા 2022ના વર્ષ દરમિયાન ટેનિસ જગતમાંથી પણ રોજર ફેડરર અને સેરેના વિલિયમ્સ સહિતના ચાર આગળ પડતા ખેલાડીઓએ પોતાની રેકેટ ખીંટીએ ટાંગીને ટેનિસ જગતને અલવિદા કરી દીધું હતું.
દિગ્ગજ સ્વિસ ટેનિસ સ્ટાર રોજર ફેડરરની નિવૃત્તિ
ટેનિસ જગતમાં પોતાના યુગના દિગ્ગજ પુરૂષ સિંગલ્સ ટેનિસ ખેલાડીઓમાંનો એક રોજર ફેડરરે લેબર કપમાં રમી 24 વર્ષની લાંબી કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકીને પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. પોતાની કેરિયર દરમિયાન ફેડરરે 1500થી વધુ મેચ રમી હતી. આ દરમિયાન, તે સૌથી વધુ 20 ગ્રાન્ડ સ્લેમ જીતનાર ખેલાડી તરીકે અમેરિકાના પીટ સામ્પ્રાસનો રેકોર્ડ તોડવામાં પણ સફળ રહ્યો હતો.

મહિલા દિગ્ગજ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સની નિવૃત્તિ
ટેનિસ જગતની વધુ એક સર્વકાલીન મહાન ખેલાડી અને 23 સિંગલ્સ, 14 ડબલ્સ અને 2 મિક્ષ્ડ ડબલ્સ સહિત કુલ 39 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ તેમજ ચાર ઓલિમ્પિક્સ ગોલ્ડ જીતનારી સેરેના વિલિયમ્સે પણ આ વર્ષે પ્રોફેશનલ ટેનિસને રામરામ કરીને રમત જગતને અલવિદા કર્યું હતું. આ મહાન ટેનિસ ખેલાડીએ યુએસ ઓપનના ત્રીજા રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાની અજલા ટોમલજાનોવિક સામે હારવાની સાથે, તેની 27 વર્ષની પ્રોફેશનલ ટેનિસ કેરિયરનો અંત આણ્યો હતો.

એશ્લે બાર્ટીની 26 વર્ષની નાની વયે ઓચિંતી નિવૃત્તિ
વિશ્વની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી એશ્લે બાર્ટીએ 26 વર્ષની ઉંમરે અચાનક અચાનક નિવૃત્તિની જાહેરાત કરીને તમામ રમતપ્રેમીઓને ચોંકાવી દીધા હતા. એશ્લે બાર્ટીએ આ વર્ષે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. બાર્ટીએ તેની કેરિયરમાં કુલ ત્રણ ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. બાર્ટી થોડો સમય ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ વતી ક્રિકેટ પણ રમી હતી.

ભારતીય ટીમે આ વર્ષે કુલ 7 કેપ્ટન અજમાવ્યા
આ વર્ષમાં ભારતીય ટીમે અલગઅલગ ફોર્મેટ મળીને વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, શિખર ધવન, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને ઋષભ પંતને 7 કેપ્ટન અજમાવ્યા.

BCCIએ આખી પસંદગી સમિતિને હાંકી કાઢી
ભારતીય ક્રિકેટ ટીમની ટી-20 વર્લ્ડકપની નિષ્ફળતા પછી બીસીસીઆઇએ ચેતન શર્માની આગેવાની હેઠળની પસંદગી સમિતિને જવાબદાર ગણીને આખી પસંદગી સમિતિને કાઢી મૂકી હતી. બીસીસીઆઇના ઇતિહાસમાં એવું પહેલીવાર બન્યું હતું કે જેમાં આખે આખી પસંદગી સમિતિની જ હકાલપટ્ટી કરવામાં આવી હોય.

BCCIમાંથી સૌરવ ગાંગુલીની વિદાય, રોજર બિન્ની નવા બોસ
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના અધ્યક્ષપદેથી સૌરવ ગાંગુલીની વિદાય થઇ અને તેના સ્થાને રોજર બિન્ની બીસીસીઆઇના નવા બોસ બન્યા હતા. અન્ય હોદ્દેદારોને જાળવી રાખીને માત્ર ગાંગુલીને બદલવામાં આવતા વિવાદ પણ થયો હતો.

Most Popular

To Top