Feature Stories

વિવાહ – વિવાદ બાય બાય – 2022

વર્ષ ૨૦૨૨ એ પ્રેમની મોસમ રહી છે અને ઘણા સ્વીટહાર્ટ્સે ગાંઠ બાંધી. રોગચાળાના નિયંત્રણો હળવા થવાને કારણે, 2022માં સંખ્યાબંધ હાઇ-પ્રોફાઇલ સેલિબ્રિટીનાં લગ્ન જોવાં મળ્યાં હતાં. કેટલાકના પારિવારિક મેળાવડા ભવ્ય હતા, તો કેટલાકે સ્પોટલાઇટથી દૂર લગ્ન કર્યા હતા.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર
બોલિવૂડ સ્ટાર આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનાં લગ્ન એ વર્ષની સૌથી અપેક્ષિત ઇવેન્ટ હતી. સૌથી પ્રિય અને પેપ્ડ જોડીએ ૨૦૧૭ થી ડેટિંગ કર્યા પછી ૧૪ એપ્રિલે લગ્ન કર્યા હતા અને હવે તેઓ પુત્રી રાહાના માતાપિતા છે.

શિબાની દાંડેકર અને ફરહાન અખ્તર
શિબાની દાંડેકર અને ફરહાન અખ્તર ડેટિંગ શરૂ કરી ત્યારથી જ બોલિવૂડના સૌથી મનોહર યુગલોમાંના એક છે. આ દંપતીએ ૨૦૧૮માં તેમના સંબંધોને સત્તાવાર બનાવ્યા હતા. આ વર્ષે બંનેએ 19 ફેબ્રુઆરીએ નજીકના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં લગ્ન કર્યા હતા.

અલી ફઝલ અને રિચા ચઢ્ઢા
અલી ફઝલ અને રિચા ચઢ્ઢાની મુલાકાત ૨૦૧૩માં તેમની ફિલ્મ ફુકરેના સેટ પર થઈ હતી અને ડિસેમ્બર ૨૦૧૯માં ચઢ્ઢાના જન્મદિવસ પર ફઝલે પ્રપોઝ કર્યું તે પહેલાં કેટલાક વર્ષો સુધી ડેટ કરી હતી. બંનેએ એપ્રિલ 2020માં લગ્ન કરવાની યોજના બનાવી હતી, પરંતુ કોવિડ -19 રોગચાળાને કારણે તેમની યોજનાઓ મુલતવી રાખવી પડી હતી.

શીતલ ઠાકુર અને વિક્રાંત મેસી
અભિનેતા વિક્રાંત મેસી અને શીતલ ઠાકુરે વેલેન્ટાઇન ડે પર સત્તાવાર રીતે તેમના લગ્નની નોંધણી કરાવી હતી. આ દંપતીએ 18 ફેબ્રુઆરીએ હિમાચલ પ્રદેશના શહતલાઈમાં ખાનગીમાં લગ્ન કર્યા હતા. બ્રોકન બટ બ્યુટીફુલ ૧ ના સેટ પર મળ્યા બાદ મેસી અને ઠાકુર ૨૦૧૫થી ડેટિંગ કરી રહ્યા છે.

બેન એફ્લેક અને જેનિફર લોપેઝ
આ વર્ષના સૌથી ચર્ચિત લગ્ન અભિનેતા બેન એફ્લેક અને અભિનેતા-ગાયિકા જેનિફર લોપેઝના હતા. જુલાઈમાં લાસ વેગાસમાં એક નાના સમારોહમાં આ દંપતીએ ગાંઠ બાંધેલી. એક મહિના બાદ, તેમણે રાઇસબોરોમાં ઓસ્કાર વિજેતાની 87 એકરની એસ્ટેટમાં એ-લિસ્ટના મિત્રો અને પરિવાર સામે પ્રતિજ્ઞાઓની આપ-લે કરી હતી.

મુકેશ અંબાણી ઈશાનાં જોડિયાં બાળકોના નાના બન્યા
મુકેશ અંબાણી નાના બન્યા. દીકરી ઇશાએ એક પુત્ર અને એક પુત્રી એમ જોડિયાં બાળકોને જન્મ આપ્યો હતો. ઇશાના લગ્ન ઉદ્યોગપતિ અજય પિરામલના પુત્ર આનંદ સાથે થયા હતા. અમેરિકામાં જન્મેલા આ બાળકોનાં નામ આદિયા અને કૃષ્ણા રાખવામાં આવ્યાં છે.

સુષ્મિતા સેન અને લલિત મોદીનું અફેર
વર્ષ 2022માં સુષ્મિતા સેન અને લલિત મોદીના અફેરની ખબરોએ બધાને ચોંકાવી દીધા હતા. લલિત મોદીએ ઈન્સ્ટાગ્રામ પર સુષ્મિતા સાથેના સંબંધોની જાહેરાત કરી હતી, જે બાદ બંનેની સગાઈના સમાચાર પણ આવ્યા હતા. જો કે હવે બંને અલગ થઇ ગયા છે.

રણવીર સિંહનું ન્યૂડ ફોટોશૂટ
પેપર મેગેઝિન માટે રણવીર સિંહના ન્યૂડ ફોટોશૂટથી ખાસ્સો વિવાદ થયો. ઘણા લોકોએ ફોટોગ્રાફ્સની સૌંદર્યલક્ષી અપીલને બિરદાવી હતી. અભિનેતા સામે એફઆઈઆર દાખલ થયા પછી તરત જ આ ફોટોશૂટ વિવાદમાં આવી ગયું હતું. અભિનેતા પર અશ્લીલતાના કાયદા તોડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો પરંતુ તેણે તેના વલણનો બચાવ કર્યો હતો.

કાશ્મીર ફાઇલ્સ પર વિવાદ
કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારને વર્ણવતી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ રિલીઝ થઇ હતી. આ ફિલ્મને જબરદસ્ત સફળતા મળી હતી. જો કે આ ફિલ્મને લઇને ઘણો વિવાદ થયો હતો. છેલ્લે ફિલ્મ ફેસ્ટિવલમાં ઇઝરાયલી જ્યુરીએ એને વલ્ગર ફિલ્મ ગણાવતા ભારે હોબાળો થયો.

શાહરૂખની ફૂંક અને જાવેદનું થૂંક
લતા મંગેશકરના અંતિમ સંસ્કારમાં સામેલ શાહરૂખ ખાને દુઆ પઢી અને માસ્ક ઉતારી ફૂંક મારી. એવું કહેવામાં આવતું હતું કે તેઓએ થૂંક્યું હતું. આ અંગે સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો. એવી જ રીતે જાન્યુઆરીમાં હેર સ્ટાઇલિસ્ટ જાવેદ હબીબે એક મહિલાના હેર કટિંગ વખતે વાળમાં થૂંકવા બદલ માફી માગવી પડી.

કાલીનું વિવાદિત પોસ્ટર
ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઇની દસ્તાવેજી કાલીના પોસ્ટરમાં ગૌરવ ધ્વજ પકડતી વખતે દેવી ધૂમ્રપાન કરતી જોવા મળી હતી. પોસ્ટર શેર થયા બાદ ફિલ્મ સર્જક સામે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ અનેક એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. લીનાએ લખ્યું હતું કે, “એવું લાગે છે કે આખું રાષ્ટ્ર મને સેન્સર કરવા માગે છે.” આ ફિલ્મના પોસ્ટરને ટોરેન્ટોના આગા ખાન મ્યુઝિયમમાં ‘અંડર ધ ટેન્ટ’ પ્રોજેક્ટના ભાગરૂપે દર્શાવવામાં આવ્યું હતું. ઓટાવામાં ભારતના હાઈ કમિશને કેનેડિયન અધિકારીઓને એક પત્ર મોકલ્યો જેમાં તેમને તાત્કાલિક તમામ “ઉશ્કેરણીજનક સામગ્રી” પાછી ખેંચી લેવા જણાવ્યું હતું. ત્યારબાદ બાદ મ્યુઝિયમે આ રજૂઆતને દૂર કરી હતી.

હિન્દી વિવાદ
2022ના મધ્યની આસપાસ, હિન્દી ભાષાને લઈને ફરી વિવાદ ઉભો થયો. જો કે હિન્દી ભાષાને લઈને વિવાદ ઘણો જૂનો છે, પરંતુ 2022માં ફરી એકવાર આ મુદ્દો ઉઠ્યો અને દેશમાં ચર્ચાનો નવો દોર શરૂ થયો. નેતાઓની સાથે સાથે ફિલ્મ સ્ટાર્સે પણ હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાને લઈને વિવાદના રાજકીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. શરૂઆતમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે હિન્દી ભાષા પર નિવેદન આપ્યું હતું. આ અંગે રાજકીય નિવેદનબાજી વચ્ચે કન્નડ અભિનેતા કિચ્છ સુદીપ, એ.આર.રહેમાન, અજય દેવગન, સોનુ નિગમ સહિત અનેક ફિલ્મ સ્ટાર્સ વચ્ચે ઘર્ષણ થયું હતું. જોકે, બાદમાં સમય જતાં ધીમે ધીમે મામલો થાળે પડ્યો હતો.

નૂપુર શર્મા વિવાદ
ભાજપના હાંકી કઢાયેલા નેતા નૂપુર શર્માએ મોહમ્મદ સાહેબ પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીથી દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો હતો. દેશભરના મુસ્લિમ સંગઠનોએ નૂપુર શર્માના નિવેદનનો વિરોધ કર્યો હતો. થોડા દિવસ બાદ ઉદયપુરમાં એક હિંદુ દરજી કન્હૈયાલાલની બે મુસ્લિમ યુવકોએ નિર્દયતાથી હત્યા કરી નાખી.

હિજાબ વિવાદ
આ વિવાદનો પાયો 2021ના અંતમાં નાખવામાં આવ્યો હતો, પરંતુ 2022માં આ મુદ્દો દેશના રાજકારણનું કેન્દ્ર બન્યો હતો. 31 ડિસેમ્બર, 2021ના રોજ, કર્ણાટકના ઉડુપીમાં એક શાળાની અંદર હિજાબ પહેરેલી છ છોકરીઓને રોકવામાં આવી હતી. જે બાદ કોલેજની બહાર દેખાવો થયા હતા અને ત્યારબાદ ધીમે ધીમે સમગ્ર રાજ્યમાં વિવાદ ફેલાયો હતો. કર્ણાટકમાં ઘણી જગ્યાએ હિંસક અથડામણો શરૂ થઈ ગઈ હતી, જે પછી દેશના રાજકારણનું કેન્દ્ર બન્યું હતું. હિજાબના મુદ્દે દેશભરમાં અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. અંતે મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.સુપ્રીમે પણ આ મામલે વિભાજીત ચુકાદો આપ્યો.

લાઉડસ્પીકર વિવાદ
હિજાબ વિવાદ વચ્ચે આ વર્ષે મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર વિવાદ શરૂ થયો હતો. દેશભરની મસ્જિદો પર લગાવવામાં આવેલા લાઉડસ્પીકર સામે અવાજ ઉઠ્યો હતો. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ રાજ્યમાં ઉગ્ર વિરોધ કર્યો હતો. અઝાનનો વિરોધ કરતી વખતે લાઉડ સ્પીકરો પર હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું. લાઉડસ્પીકર પર મહારાષ્ટ્રનો તણખો ધીમે ધીમે બાકીના રાજ્યોમાં પહોંચી ગયો હતો. ઉત્તર પ્રદેશ, કર્ણાટક, બિહાર સહિત ઘણા રાજ્યોમાં લાઉડ સ્પીકર પર ઘણો હોબાળો થયો હતો. બાદમાં સરકારોએ પગલાં ભરી આ વિવાદનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો.

લવ જેહાદ
વર્ષ 2022માં લવ જેહાદનો મુદ્દો વિવાદનો વિષય રહ્યો છે. આ વર્ષે ચૂંટણીમાં પણ લવ જેહાદના પડઘા ખૂબ સંભળાયા છે. 2022માં ઉત્તર પ્રદેશ અને ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં ચૂંટણી થઈ હતી, જેમાં લવ જેહાદનો મુદ્દો ખૂબ ચર્ચામાં રહ્યો હતો. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ આ મુદ્દાને પોતાના મુખ્ય એજન્ડામાં સામેલ કર્યો હતો. એટલું જ નહીં, પરંતુ લવ જેહાદ વિરુદ્ધ કાયદાની પ્રક્રિયા પણ કેટલીક જગ્યાએ શરૂ કરવામાં આવી હતી.

Most Popular

To Top