National

MCD ચૂંટણીમાં આખી રાત ધમાલ: સદનમાં AAP-BJPના સભ્યો વચ્ચે છુટ્ટા હાથની મારામારી

સુરત: (Surat) સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આખરે બુધવારે MCDને તેના મેયર (Mayor) અને ડેપ્યુટી મેયર મળ્યા. આ બંને હોદ્દા માટેની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી પરંતુ સાંજે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણી શરૂ થતાં અધવચ્ચે જ હોબાળો થયો હતો. વાસ્તવમાં સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી (Election) વખતે સભ્યોને ફોન લઈ જવા દેવાયા હતા જેનો ભાજપે (BJP) વિરોધ કર્યો હતો. આ મુદ્દો એટલો ગરમાયો હતો કે આખી રાત ગૃહમાં ધમાલ (Uproar) થઈ હતી. એક તબક્કે તો બંને પક્ષના સભ્યો છુટ્ટા હાથની મારામારી પર ઉતરી આવ્યા હતા. ગુરુવારે સવારે ગૃહને આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બુધવારે મેયરની ચૂંટણી સાથે શરૂ થયેલી ચૂંટણી પ્રક્રિયા ડેપ્યુટી મેયરની ચૂંટણી સુધી સરળ રીતે ચાલી હતી પરંતુ ત્યારબાદ સ્થાયી સમિતિના સભ્યોની ચૂંટણી દરમિયાન ગૃહમાં હોબાળો શરૂ થયો હતો. સાંજે શરૂ થયેલો હોબાળો આખી રાત ચાલ્યો હતો. આ દરમિયાન આમ આદમી પાર્ટી અને ભાજપના કાઉન્સિલરો વચ્ચે મારામારી થઈ હતી. જેના હાથમાં જે આવ્યું તે એક બીજા પર ફેંકવાના ચોંકાવનારા દૃશ્યો જોવા મળ્યા હતા. ત્યાં સુધી કે મહિલા કાઉન્સિલરોએ પણ એકબીજા સાથે ધક્કામુક્કી કરી હતી. આ મામલે દિલ્હીનાં મેયર શૈલીએ કહ્યું હતું કે ‘MCDના સિવિક સેન્ટરમાં બુધવારથી ગુરુવાર સુધી જેટલું નુકસાન થયું છે એનો ખર્ચ વીડિયો ફૂટેજમાં જોઈને વસૂલવામાં આવશે. જે પણ નુકસાન થયું છે એ જે તે જવાબદાર વ્યક્તિ પાસેથી વસૂલવામાં આવશે.

ગૃહની કાર્યવાહી રાતથી સવાર સુધી 12થી વધુ વખત સ્થગિત કરવામાં આવી હતી. કાર્યવાહી શરૂ થતાં જ કાઉન્સિલરોનો હોબાળો શરૂ થઈ ગયો હતો. સદનની અંદર ઝપાઝપી થઈ હતી અને પાણીની બોટલો, ખુરશીઓ, સફરજન ફેંકવામાં આવ્યા હતા. ત્યાં સુધી કે મતપેટી પણ ફેંકી દેવાઈ હતી. સવાર સુધી ગૃહમાં એકબીજા પર કાગળના ગોળા છોડવામાં આવ્યા હતા. મહિલા કાઉન્સિલરો પણ એકબીજા સાથે મારપીટ કરતા રહ્યા હતા. ગૃહમાં હંગામો બંધ ન થતો જોઈને ગૃહને આવતીકાલે (24 ફેબ્રુઆરી) સવાર સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.

હંગામાનું કારણ શું હતું?
સમગ્ર હંગામાનું કારણ એ હતું કે સ્થાયી સમિતિની ચૂંટણી દરમિયાન સભ્યોને ફોન લઈ જવા દેવામાં આવ્યા હતા. ભાજપે મોબાઈલ લઈને મત આપવાનો વિરોધ કર્યો હતો. ભાજપે કહ્યું કે વોટિંગ દરમિયાન સભ્યોને ફોન લઈ જવા દેવા જોઈએ નહીં. AAP સાંસદ સંજય સિંહે કહ્યું કે MCD ચૂંટણીમાં એવું લખવામાં આવ્યું છે કે મતદાતા મતદાન મથક સુધી મોબાઈલ લઈ જઈ શકે છે. જો ગોપનીયતાનો ભંગ થતો હોત તો ચૂંટણી પંચ આવું કેમ કહેત? બીજી તરફ આ હંગામા વચ્ચે બંને પક્ષના કાઉન્સિલરો ગૃહમાં જ સૂઈ ગયા હતા.

Most Popular

To Top