Entertainment

મણી રત્નમની ‘PS-1’ ફરી સાઉથનો વટ દેખાડશે

મણી રત્નમની દિગ્દર્શક તરીકેની 27મી ફિલ્મ ‘પોન્નિયીન સેલ્વન-1’ રજૂ થઇ રહી છે. તેમણે જે ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે યા ફકત નિર્માણ પણ કર્યું છે ત્યારે તે ફિલ્મ તેમણે જ લખી છે. જે પોતે લેખક પણ હોય તે દિગ્દર્શન કરવા પહેલાં આખી ફિલ્મ જોઇ શકે છે. મણી રત્નમની ફિલ્મો શા માટે પ્રેક્ષકો પર પકડ ધરાવે છે તેનું આ એક ઉદાહરણ છે. ‘પોન્નિયીન સેલ્વન-1’ બની છે તમિલ ભાષામાં પણ હિન્દી સહિત કુલ પાંચ ભાષામાં રજૂ થઇ રહી છે. આ અઠવાડિયે દક્ષિણની જ ‘વિક્રમ વેધા’ની રિમેક પણ રજૂ થાય છે એટલે કહી શકો કે દક્ષિણની બે ફિલ્મો રજૂ થઇ રહી છે અને નવરાત્રિ શરૂ થવા છતાં તેઓ પ્રેક્ષકો મેળવી લેશે એવી આશા છે.

રાજા-રાણીની વાર્તા છે અને મણી રત્નમ છે તો ભવ્યતા સાથે તેમાં ઉંડાણ પણ હોવાની આશા રાખી શકાય. તેમણે ‘રાવણ’ જેવી નિષ્ફળ ફિલ્મ જરૂર બનાવેલીપણ તેમની સફળ ફિલ્મોનો આંકડો મોટો છે. હિન્દીમાં તેમનો પહેલો પરિચય ‘નાયકન’ની રિમેક ‘દયાવાન’થી થયેલો પણ તેમની પહેલી ફિલ્મ ‘પલ્લવી અનુ પલ્લવી’માં અનિલ કપૂર અને લક્ષમી અને કિરણ વૈરાલે હતા. મણી રત્નમ આ પહેલી ફિલ્મથી જ પ્રેક્ષકોમાં જાણીતા થઇ ગયેલા. ત્યાર પછી તો તેમની ઘણી ફિલ્મો પરથી હિન્દી ફિલ્મો બની છે.

‘મૌના રાગમ’ પરથી ‘કસક’ બનેલી તેમાં રિશી કપૂર, નીલમ કોઠારી, ચંકી પાંડે હતા. એ ‘દયાવાન’ પહેલાની રિમેક છે. ‘અગ્નિ નચથીરમ’ પરથી ‘વંશ’, ‘ગીથાંજલી’ પરથી ‘યાદ રખેગી દૂનિયા’, ‘અંજલી’ ફિલ્મ હિન્દીમાં ડબ થઇ રજૂ થયેલી જે રીતે ‘રોજા’ રજૂ થયેલી. ‘થલપથી’ તો તેમની બહુ જ જાણીતી ફિલ્મ જેના રિમેકના અધિકાર ભરત શાહે મેળવેલા. આ ફિલ્મને ટાઇમલેસ માસ્ટરપીસ ગણાય છે. આ બધી ફિલ્મો પછી હિન્દીના પ્રેક્ષકો તેમની ફિલ્મોને રિમેક તરીકે જોવાના બદલે ઓરીજિનલ જ જોતા એટલે જ ‘બોમ્બે’ ને પણ સફળતા મળેલી.

પણ મણી રત્નમે સીધી હિન્દીમાં ‘દિલ સે’, ‘સાથિયા’, ‘યુવા’, ‘ગુરુ’, ‘રાવન’, ‘ઓકે જાનુ’ બનાવી પણ ‘પોન્નીયીન સેલ્વન-1’ ડબ્ડ સ્વરૂપે જ જોવા મળશે. આ શીર્ષકનો અર્થ થાય છે પોન્નીનો દિકરો. આ એક એપિક પિરીયડ એકશન ફિલ્મ છે. ફિલ્મમાં પોન્નીયીન સેલ્વન છે જયરામ રવિ જયારે રાજાની ભૂમિકા વિક્રમે અને રાણીની ભૂમિકા ઐશ્વર્યા રાયે ભજવી છે. આ ફિલ્મમાં એવા અનેક છે જે સાઉથમાં મોટા સ્ટાર છે અને તેમાં શોભિતા ધૂપેલીયા પણ પ્રિન્સેસ તરીકે દેખાશે. મણી રત્નમની આ ફિલ્મમાં ફરીવાર એ.આર. રહેમાનનું સંગીત છે. એ.આર. રહેમાનને આખા ભારતમાં વિખ્યાત કરનાર ફિલ્મો મણીની જ છે. 500 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મ મણી રત્નમને ફરી પ્રશંસા મેળવી આપશે.

આ એવી પ્રથમ તમિલ ફિલ્મ છે જે આઇમેકસ ફોર્મેટમાં રજૂ થશે. આ ફિલ્મ કેટલી મોટી છે તેનો અંદાજ એ વાતથી પણ સ્પષ્ટ થશે કે એમેઝોન પ્રાઇમ વિડીયોએ તેના ડિજીટલ સ્ટ્રિમિંગના અધિકાર 125 કરોડ રૂા. આપી ખરીદયા છે. મણી રત્નમ કહે છે કે આ પહેલો ભાગ ભજૂ થશે તેના છથી નવ મહિનામાં જ બીજો ભાગ રજૂ કરીશું. ચૌલા વંશની કથા રજૂ કરતી આ ફિલ્મ જો સફળ જશે તો ફરી હિન્દી ફિલ્મો બનાવનારા મુંબઇના નિર્માતા-દિગ્દર્શક માટે પડકાર ઊભો થશે. લાગે છે હમણાં પછડાટનો સમય છે. પ્રેક્ષકો તો ફિલ્મ જોશે. ભલેને કોઇ પણ ભાષામાં બની હોય.•

Most Popular

To Top