SURAT

સુરતના ઉદ્યોગકારોને 2018થી સબસીડી મળી નથી: 2500થી વધુ અરજીઓ પેન્ડિંગ

સુરત: ઇટીપી અને સીઇટીપીના અભાવે સુરત (Surat)માં ડેવલપ થઇ રહેલી હાઇસ્પીડ લૂમ્સ ઇન્ડસ્ટ્રી (looms industry)ની મશીનરીને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા મંજૂરી આપવામાં નહીં આવતાં 2500થી વધુ વોટરજેટ, એરજેટ અને રેપિયર મશીનરીની અરજીઓ પેન્ડિંગ (Application pending) છે. તેના લીધે 2018થી નવી મશીનરી ઇન્સ્ટોલ કરવા છતાં રાજ્ય સરકારની ટેક્નોલોજી અપગ્રેડેશન સ્કીમની સબસીડી (subsidy) સુરતના ઉદ્યોગકારોને મળી નથી.

શુક્રવારે ગાંધીનગરમાં રિજનલ ચેમ્બર અને એસોસિયેશન સાથે ખાણ-ખનીજ, જીપીસીબી, ઉદ્યોગ, જીઆઇડીસી, એમએસએમઇ અને ઇન્ડેક્સ-બી વિભાગ સાથે સંકળાયેલા સનદી અધિકારીઓ સમક્ષ સુરતના કાપડ ઉદ્યોગના પ્રશ્નો ચેમ્બરે રજૂ કર્યા હતા. ચેમ્બરની રજૂઆત એવી હતી કે, સીઇટીપી પ્લાન્ટ કાર્યરત થઇ ગયા પછી પણ મંજૂર મળી રહી નથી. તેના લીધે કરોડોની સબસીડી વિવર્સને ગુમાવવી પડી રહી છે. ચેમ્બરના અગ્રણીઓના જણાવ્યા મુજબ વર્ષ-2019ના જાન્યુઆરી મહિનામાં રાજ્ય સરકાર દ્વારા ટેક્સટાઈલ પોલિસી જાહેર કરવામાં આવી હતી.

જે અંતર્ગત નવા એકમ શરૂ કરનાર કાપડના ઉદ્યોગકારને એલટી અને એચટી કનેક્શન પર પ્રતિ યુનિટ 2 અને 3 રૂપિયાની સબસીડી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. દરમિયાન લિક્વિડ વેસ્ટ (ગંદા પાણી)ના ડિસ્ચાર્જ દરમિયાન ઉદ્યોગકારો દ્વારા નિયમનું પાલન નહીં થતું હોવાની ફરિયાદને પગલે જીપીસીબી દ્વારા વોટરજેટ મશીનરીની ઈન્સ્ટોલેશનની મંજૂરી આપવાનું બંધ કરી દેવાયું હતું. એમઈઈ એટલે કે મલ્ટિપલ ઈલેક્ટ્રોનિક ઈવોપરેટ ઈન્સ્ટોલ કર્યા હોય તેવા યુનિટોને જ મંજૂરી આપવાનો નિયમ બનાવ્યો હતો. તેના લીધે કરોડોનું રોકાણ કરી નવા એકમ શરૂ કરનારા ઉદ્યોગકારો પર એમઈઈનો વધારાનો બોજો આવી પડ્યો હતો, જેનો વિરોધ કરાયો હતો.

જીપીસીબીની એનઓસી નહીં હોવાથી કેપિટલ અને વ્યાજ સબસીડીનો લાભ મળતો નથી: દિનેશ નાવડિયા

જીપીસીબી દ્વારા પરમિશન નહીં મળતી હોવાથી રાજ્ય સરકારની અન્ય સબસીડીઓ જેવી કે કેપિટલ અને ઈન્ટરેસ્ટ સબવેશન સ્કીમનો લાભ ઉદ્યોગકારોને મળી શકતો નથી. 2018થી 2500 અરજીઓ પેન્ડિંગ છે. આ મુદ્દાની જાણકારી ચેમ્બર ઓફ કોમર્સ અને ફીઆ દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગના મુખ્ય સચિવ ડો.રાજીવકુમાર ગુપ્તા, જીપીસીબીના ચેરમેન સંજીવકુમાર, ઉદ્યોગ કમિશનર ડો.રાહુલ ગુપ્તા, જીઆઈડીસીના વાઈસ ચેરમેન અને એમડી એમ. થૈન્નારાસનને કરી તેમની પાસે ઉકેલની માંગણી કરવામાં આવી છે.

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ કહ્યું કે, જીપીસીબીની મંજૂરી ઉપરાંત જીઆઈડીસીના પ્લોટ ટ્રાન્સફર ફીમાં થયેલા વધારા તથા ફાયર સેફ્ટીનાં ઉપકરણોના નિયમો અંગે રજૂઆત કરી છે. ચાર કલાક ચાલેલી બેઠકના અંતે અધિકારીઓએ સકારાત્મક ઉકેલની ખાતરી આપી છે.

Most Popular

To Top