Columns

શ્રીકૃષ્ણે અક્રૂરને કઈ માયા બતાવી?

હવે કંસ રાજાને ચટપટી થઇ એટલે શ્રીકૃષ્ણ-બલરામને મથુરા લાવવાનું કામ અક્રૂરને સોંપ્યું. પણ આ કૃષ્ણભકત, તેનો જીવ ચચરવા માંડયો, કંસના અખાડામાં તો બળવાન મલ્લો છે, તેમાં બાળક જેવા કૃષ્ણ બલરામ શું કરશે? જગતમાં મારી બહુ નિંદા થશે- મારી ગણના કંસના સેવક તરીકે થશે એટલે તેમને વિચાર આવ્યો- જો હું એ બંને ભાઇઓને વનમાં જતા રહેવા કહું તો એમ કરીને તે ગોકુળમાં આવ્યા અને ગાયો, પક્ષીઓ, વનસ્પતિ જોઇને આનંદ પામ્યા. તે જમાનામાં પણ સારામાઠા શુકનનો રિવાજ જાણીતો હતો, વીસમી સદી-એકવીસમી સદીમાં પણ એ રિવાજ ચાલી આવ્યો છે. અક્રૂરની જમણી આંખ ફરકે છે અને મનમાં ને મનમાં બધી કલ્પનાઓ કરે છે. શ્રીકૃષ્ણ મને કેવી રીતે મળશે? જેવી રીતે સુદામાને આવકાર આપ્યો હતો તેવો આવકાર શ્રીકૃષ્ણ અક્રૂરને આપશે, એમ શ્રોતાઓને લાગે છે. હવે અક્રૂરનું સ્વાગત કેવી રીતે કરવામાં આવ્યું.
ચંદન, કુંકુમ, કેસર મેલ્યાં, આરતીક સ્તવન કરિયું,
અક્રૂર-ચરણે નંદરાયે પ્રેમે મસ્તક ધરિયું.
ધૃત-પકવાન, પય-શકરો, ભોજન નાના પ્રકારનાં,
મુખવાસ આપી સેજે બેસાડયા, દીઠાં સ્વાગત ભ્રાત કુમારતાં.
કૃષ્ણ અક્રૂરને મથુરાના સમાચાર પૂછે છે. અક્રૂર શો ઉત્તર આપે? જેવી રીતે ખાટકીને ઘેર પશુ તેવી રીતે કંસ પ્રજાને રાખે છે.

છેવટે અક્રૂર પોતાનું દૂતકાર્ય કહી સંભળાવે છે, બધા ગોપને લઇને તમે બધા મથુરા આવો. કંસને ભેટ આપવાની સામગ્રી તૈયાર કરાવી પણ ગોપાંગનાઓ કૃષ્ણ વિરહ વેઠી શકતી નથી- સ્ત્રીસહજ ઇર્ષ્યા પણ છે, એટલે તેઓ કહે છે: ‘મથુરાની નારી કામણભરી, તે મોહશે, જોશે કટાક્ષે કરી; હાવભાવ, આદર, ચાતુરી, અનેક વચન, વિવિધ માધુરી. નહિ દૂષણ, ભૂષણ સોળે ભરી, ગજગામિની ભમિની સર્વોપરિ, મૃગનયણી રયણી રમી જાણે, તે જુવતીને રતિ વિઆણે. એમ કહીને પોતાની લાચારી પણ વ્યકત કરે છે- સાથે સાથે ગર્ભિત રીતે કૃષ્ણની નિંદા પણ કરી લે છે. મથુરાની સ્ત્રીઓ સાથે ગોપાંગનાઓ પોતાને સરખાવે છે. તેમને તો સ્વચ્છ પટોળાં પહેરવા મળે છે, આપણી પાસે જાડા કામળા છે, તેમની પાસે મુકતા ફળ માળા છે, આપણા ગળે તો ચણોઠીની માળા છે.

તેમના માથે રાખડી અને આપણે માથે મહીની ગોળી, તેમને તો ઊંચા ઊંચા આવાસ અને આપણે માથે છાપરાં, તે સુંદરીઓ તો પંચામૃત જમી જાણે, આપણે તો છાશ પીવડાઇએ, કયાં કનક અને કયાં કથીર, હવે ગોકુળમાં વાંસળી કોણ વગાડશે? રાસ કોણ કરાવશે? અક્રૂર ખરેખર તો ક્રૂર છે. મથુરામાં જો આટલા બધા જાદવ મૃત્યુ પામ્યા હોય તો પાપી અક્રૂર શા માટે જીવે છે? ગોપાંગનાઓ કૃષ્ણ વિના પોતાના જીવનની કલ્પના કરી નથી શકતી એટલે એક પછી એક ઉપમાઓ સામે આવતી જાય છે- દીવા વિનાનું ઘર, પ્રાણ વિનાનું શરીર, ચંદ્ર વિનાની રાત્રિ, સૂર્ય વિનાનું આકાશ- આમ એક પછી એક વર્ણન ગોપાંગનાઓ કરતી જાય છે, પ્રેમાનંદના શ્રોતાઓ ઉત્કંઠ બનીને સાંભળે જાય છે.

હવે મથુરાયાત્રાની તૈયારીઓ, નંદ શ્રીકૃષ્ણને કંસ આગળ કેવી રીતે વર્તવું તેની સમજ પાડે છે. જશોદા કૃષ્ણની રક્ષા માટે ગોપબાલોને કહે છે. કૃષ્ણના જવાથી આખું ગોકુળ સૂનું સૂનું થઇ ગયું છે. પછી તર્કવિતર્ક કરતા રથમાં શ્રીકૃષ્ણ બેસે છે. પણ રથ આગળ વધે એમ નથી. ગોપાંગનાઓ રથને વીંટળાઇ વળી છે. તેમને સંકેત થઇ ગયો છે કે આમાં કશું કપટ છે. તેમને તો માઠા શુકન થાય છે. જાણે વૃંદાવનમાં આગ લાગી છે, જમનામાં લોહીનું પૂર આવ્યું છે. એમ કહીને રથના માર્ગે સૂઇ જાય છે પણ છેવટે કૃષ્ણ બધી ગોપીઓને સમજાવે છે. છેવટે રથ મથુરાના માર્ગે આગળ જાય છે. અક્રૂરને હવે શંકાકુશંકા થવા માંડે છે. જો કંસ આ બાળકોનો વધ કરશે તો મારી હાલત કેવી થશે? જમનામાં નહાવા માટે અક્રૂર ભાઇઓને કહે છે પણ અમે તો આહીરોને ઘેર ઉછર્યા છીએ એટલે અમને નહાવાની આદત નથી. અક્રૂર જમનામાં નહાવા ઊતર્યા ત્યારે શ્રીકૃષ્ણે માયા કરી. બલરામને અને શ્રીકૃષ્ણને જમનામાં જોયા, બહાર નીકળીને જોયું તો બંને ભાઇઓ રથ ઉપર બેઠા હતા. ફરી પાણીમાં જોયું તો શેષનારાયણને જોયા. આમ બ્રહ્માને જેવી રીતે માયા દેખાડી હતી તેવી રીતે અક્રૂરને પણ દેખાડી, જેથી અક્રૂર તેમને અશકત બાળકો માની ન લે.

Most Popular

To Top