ચીનમાં લૉકડાઉન અને ટેસ્ટિંગના જૂના દ્રશ્યો ફરી સજીવન: ઝીરો કોવિડની નીતિ સામે ઉઠેલા પ્રશ્નો

વર્ષ ૨૦૧૯ના ડીસેમ્બર મહિનામાં ચીનના હુબેઇ પ્રાંતના વુહાન શહેરમાંથી એક ભેદી રોગચાળો શરૂ થયો, જેણે બાદમાં કોરોનાવાયરસના વૈશ્વિક રોગચાળાનું સ્વરૂપ ધારણ કરી લીધું. આ રોગચાળાથી અમેરિકા, બ્રાઝિલ, ભારત જેવા દેશોમાં મોટી જાનહાનિ થઇ. ચીને તે સમયે વુહાનમાં તથા તેની આજુબાજુના વિસ્તારોમાં અત્યંત કડક અને જુલ્મી કહી શકાય તેવું લૉકડાઉન અને નિયંત્રણો મૂક્યા. આ રોગચાળો ચીનથી શરૂ થયો હોવા છતાં ચીનનો મૃત્યુઆંક અમેરિકા, ભારત જેવા દેશોની સરખામણીમાં ઘણો ઓછો હોવાનું સત્તાવાર આંકડાઓ કહે છે. આ રોગચાળો ચીને સખત હાથે કામ લઇને અંકુશમાં લઇ લીધો હોવાની વાતો થતી હતી અને તેની પ્રશંસા પણ થતી હતી. રોગચાળો ઘણે અંશે કાબૂમાં આવી ગયા બાદ ચીને શૂન્ય કોવિડ કેસની સખત નીતિ ચાલુ રાખી. એવી ધારણા રાખવામાં આવતી હતી કે ચીનમાં હવે રોગચાળો ફરી માથુ નહીં ઉંચકે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ચીનમાં આશ્ચર્યજનક રીતે કેસો વધવા માંડ્યા છે. ખાસ કરીને તેના પૂર્વના કેટલાક વિસ્તારોમાં કેસો મોટા પ્રમાણમાં વધવા માંડ્યા છે અને તેના શાંઘાઇ શહેર અને તેની આજુબાજુના વિસ્તારોમાં તો કેસો ખૂબ વધી જતાં ફરીથી સખત લૉકડાઉન અને માસ ટેસ્ટિંગ શરૂ કરવા પડ્યા છે અને આ સાથે જ ચીનની ખર્ચાળ શૂન્ય કેસની નીતિ સામે પ્રશ્નો ઉઠવા માંડ્યા છે.

ચીને આજથી તેનું બે વર્ષનું સૌથી સઘન લૉકડાઉન શાંઘાઇમાં શરૂ કર્યું હતું જ્યાં વધી રહેલા રોગચાળાને નાથવા માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે અને સામૂહિક ટેસ્ટિંગ પણ ફરી શરૂ થયા છે. આ જ સમયે ચીનની ઝીરો-કોવિડ વ્યુહરચનાને કારણે થયેલા આર્થિક નુકસાન બાબતે પ્રશ્નો ઉઠવા લાગ્યા છે. ચીનનું નાણાકીય પાટનગર અને સૌથી મોટું શહેર એવું શાંઘાઇ તેના ભૂતકાળના નાના રોગચાળાઓને તો મર્યાદિત લૉકડાઉનો વડે હાથ ધરવામાં સફળ રહ્યું હતું પરંતુ આ વખતે તેને વધુ મોટા લૉકડાઉનની જરૂર પડી છે જેમાં આખા શહેરમાં બે તબક્કામાં લૉકડાઉન અમલી બનાવવામાં આવી રહ્યું છે. ૨૦૧૯માં જ્યારે પ્રથમ વખત કોરોનાવાયરસનો રોગચાળો મધ્ય ચીનના વુહાનમાં દેખાયો ત્યારે તે શહેરમાં અને તેની આજુબાજુના વિસ્તારમાં સખત લૉકડાઉન અમલી બનાવવામાં આવ્યું હતું અને ૨૦૨૦ની શરૂઆતમાં ત્યાં ૧૧૦ લાખ લોકોને ૭૬ દિવસ સુધી તેમના ઘરોમાં જ ગોંધી રાખવામાં આવ્યા હતા. આના પછી હવે શાંઘાઇમાં સખત લૉકડાઉન શરૂ થઇ રહ્યું છે.

શાંઘાઈમાં પુડોંગ ફાઇનાન્શ્યલ ડિસ્ટ્રીક્ટ અને નજીકના વિસ્તારો સોમવારથી શુક્રવાર સુધીમાં લૉકડાઉન હેઠળ રહેશે જ્યાં માસ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે એમ સ્થાનિક પ્રશાસને જણાવ્યું હતું. રહેવાસીઓએ ઘરોમાં જ રોકાઇ રહેવું પડશે અને ઘરો માટે જરૂરી માલસામાન ચેકપોઇન્ટો પર પહોંચાડી દેવમાં આવશે જેથી બહારના વિશ્વ સાથે સ્થાનિકોનો કોઇ સંપર્ક થાય નહીં. કચેરીઓ અને તમામ બિનઆવશ્યક ધંધાઓ બંધ રહેશે અને જાહેર પરિવહનની સેવાઓ પણ ચાલુ રહેશે નહીં. હાલમાં પણ, શાંઘાઇમાં ઘણી વસ્તીઓ કે સમુદાયો છેલ્લા એક સપ્તાહથી લૉકડાઉન હેઠળ છે જે અને તેમના ઘરોના કમ્પાઉન્ડો ભૂરા અને પીળા પ્લાસ્ટિકના બેરિયરોથી બ્લોક કરી દેવામાં આવ્યા છે. પ એપ્રિલે આવતો ટોમ્બ સ્વીપિંગના તહેવારની ઉજવણી પણ રદ કરવામાં આવી છે. શાંઘાઇની આ સ્થિતિ ફરીથી ૨૦૨૦ની શરૂઆતના સમયની યાદ અપાવી રહી છે અને ચીને અપનાવેલી સખતાઇઓ નિરર્થક જ હતી કે કેમ? તેવા પ્રશ્નો ઉભા કરી રહી છે.

ન્યૂઝીલેન્ડે પણ શૂન્ય કેસની નીતિ અપનાવી હતી અને સખતાઇપુર્વક રોગચાળાને નિયંત્રણમાં લઇને દેખાડ્યો હતો પરંતુ ત્યાં પણ છેલ્લા કેટલાક સમયમાં નવા કેસો આવ્યા જ. હવે ચીનમાં કેસો મોટા પ્રમાણમાં વધવા માંડ્યા છે અને રોગચાળાની શરૂઆતમાં જે સખત લૉકડાઉન અને માસ ટેસ્ટિંગના દ્રશ્યો ત્યાં દેખાતા હતા તે હવે ફરી દેખાવા માંડ્યા છે તેથી ઝીરો કોવિડની નીતિ હાસ્યાસ્પદ પણ લાગવા માંડી છે. જે દેશોએ સખત લૉકડાઉન નહીં મૂક્યું હતું અને વ્યવહારીક નિયંત્રણો મૂક્યા હતા તેવા કેટલાક દેશોમાં પણ કેસો નોંધપાત્ર નિયંત્રણમાં સમય જતાં આવી ગયા અને બીજી બાજુ સખત નિયંત્રણો મૂકનાર દેશોમાં એક તબક્કા સુધી કેસો કાબૂમાં રહ્યા બાદ ફરીથી તેમાં ઉછાળો આવ્યો જ, તેથી એવા પ્રશ્નો ઉઠી રહ્યા છે કે સખત નિયંત્રણો આર્થિક રીતે ખૂબ બોજ વધારનાર બને છે તેથી વ્યવહારિક નિયંત્રણો મૂકનાર દેશોની નીતિ જ યોગ્ય છે.

Most Popular

To Top