Sports

વરસાદના લીધે ભારત-ન્યુઝીલેન્ડની મેચ ટાઈ થઈ, T-20 સિરીઝ ભારતે જીતી

નવી દિલ્હી: લાંબો સમય સુધી વરસાદ (Rain) નહીં અટકતા આખરે ડકવર્થ લુઈસના (Duckworth Luis) નિયમો અનુસાર ભારત અને ન્યુઝીલેન્ડ (IndiavsNewzealand) વચ્ચેની મેચને ટાઈ (Tie) જાહેર કરવામાં આવી છે. આ સાથે જ ભારતીય ટીમે T20 સિરીઝ જીતી લીધી છે. ત્રણ મેચની આ સિરીઝમાં પહેલી મેચ વરસાદના લીધે રદ થઈ હતી. બીજી મેચ ભારત જીત્યું હતું અને હવે વરસાદના લીધે ત્રીજી મેચ ટાઈ જાહેર કરાઈ છે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી T20 મેચ વરસાદને લીધે રોકવી પડી હતી. ન્યુઝીલેન્ડે આપેલા 160 રનના ટાર્ગેટ સામે ભારતનો સ્કોર 9 ઓવર બાદ 4 વિકેટ ગુમાવીને 75 રન હતો. ડકવર્થ લુઈસના નિયમનો અનુસાર વરસાદના લીધે મેચ રદ થાય તો 9 ઓવરના અંતે ભારતને જીતવા માટે 76 રન બનાવેલા હોવા જરૂરી છે, પરંતુ ભારતનો સ્કોર 75 રન હતો. જે ડકવર્થ લુઈસના નિયમ અનુસાર બરોબરી પર હતો. તેથી મેચને ટાઈ જાહેર કરવામાં આવી છે.

ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. અહીં નેપિયરના ગ્રાઉન્ડ પર સિરીઝની ત્રીજી અને અંતિમ T-20 મેચ રમાઈ હતી. કેન વિલિયમસનની ગેરહાજરીમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટીમ સાઉધીએ ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોનવે અને ફિલીપ્સની ધૂંઆધાર બેટિંગના લીધે એક સમયે એવું લાગતું હતું કે ન્યુઝીલેન્ડ મોટો સ્કોર બનાવશે. 120 પર 2 જ વિકેટ હતી, પરંતુ પછીના 30 રનમાં જ ન્યુઝીલેન્ડની 8 વિકેટ પડી હતી. સિરાજ અને અર્શદીપની જોડીએ ઉપરાછાપરી વિકેટ લઈ ન્યુઝીલેન્ડની ટીમને મોટો સ્કોર બનાવતા અટકાવી હતી. ન્યુઝીલેન્ડ 160 પર ઓલઆઉટ થયું હતું. ભારત સામે 161નો ટાર્ગેટ સોંપ્યો હતો.

તેના જવાબમાં ભારતના ઓપનર્સ ઈશાન કિશન અને ઋષભ પંતે ટીમને સારી શરૂઆત અપાવી નહોતી. ઈશાન કિશન માત્ર 10 રન બનાવી આઉટ થયો હતો. ભારતની પહેલી વિકેટ 13 રન પર પડી હતી અને બીજી વિકેટ 21 રન પર પડી હતી. ઈશાન બાદ પંત ઝડપી રન બનાવવા જતા આઉટ થયો હતો. ત્યાર બાદ શ્રેયસ ઐય્યર પહેલી જ બોલમાં સ્લીપમાં કેચ આપી બેસતા ભારતની ત્રીજી વિકેટ પડી હતી. ત્યાર બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ બાજી સંભાળી હતી. જોકે તેને સાથ મળ્યો નહોતો. 7મી ઓવરમાં સૂર્યાકુમાર યાદવ પણ આઉટ થઈ ગયો હતો. યાદવે 10 બોલમાં 13 રન બનાવ્યા હતા.

અર્શદીપ અને સિરાજે 4-4 વિકેટ લીધી
આ અગાઉ ન્યૂઝીલેન્ડના કેપ્ટન વિલિયમસન રમી રહ્યાં નહીં હોય ટીમ સાઉધી કપ્તાની કરી હતી. આ તરફ ભારતીય ટીમમાં પણ એક બદલાવ કરાયો હતો. સ્પીનર વોશિંગ્ટન સુંદરના સ્થાને મિડીયમ પેસર હર્ષલ પટેલને રમાડવામાં આવ્યો હતો. પહેલી બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડના બેટ્સમેન મોટો સ્કોર ભારત સામે મુકે તેમ લાગતું હતું ત્યારે મોહમ્મદ અને અર્શદીપ સિંહની જોડી ત્રાટકી હતી. ભારતીય બોલર મોહમ્મદ સિરાજનો કમાલ આજે જોવા મળ્યો હતો. સિરાજે 4 ઓવરમાં 17 રન આપી 4 વિકેટ લીધી હતી. જ્યારે અર્શદીપ સિંહે પણ 4 વિકેટ લઈ સિરાજનો સાથ આપ્યો હતો.

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને પહેલી સફળતા મળી હતી. ઇનિંગ્સની બીજી ઓવરમાં જ અર્શદીપે ફિન એલનને એલબીડબ્લ્યુ આઉટ કરીને ન્યૂઝીલેન્ડની પ્રથમ વિકેટ લીધી હતી. ત્યાર બાદ ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોએ ફટકાબાજી કરી હતી. અર્શદીપને ચોગ્ગા અને છગ્ગા ફટકારી પાવર પ્લેનો ભરપૂર લાભ ઉઠાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ 6ઠ્ઠી ઓવરમાં મોહમ્મદ સિરાજે ન્યૂઝીલેન્ડને બીજો ઝટકો આપ્યો હતો. સિરાઝે માર્ક ચેપમેનને કેચ આઉટ કરાવ્યો હતો. ન્યૂઝીલેન્ડે પાવર પ્લેની 6 ઓવરમાં 46 રન બનાવી લીધા છે.

કોનવે અને ફિલિપ્સે ધુંઆધાર અર્ધસદી ફટકારી
આ દરમિયાન ન્યૂઝીલેન્ડે બે વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ કોનવે અને ફિલિપ્સે બાજી સંભાળી હતી. ન્યૂઝીલેન્ડનો સ્કોર 11મી ઓવરમાં 77 પર પહોંચ્યો હતો. ફિલીપ્સ અને કોનવેએ મેદાનની ચારેતરફ ફટકાબાજી કરી હતી. બંને ખેલાડીઓએ અર્ધસદી ફટકારી હતી. 16મી ઓવરમાં ન્યુઝીલેન્ડની ત્રીજી વિકેટ ફિલીપ્સની પડી હતી. સિરાજે તેને આઉટ કર્યો હતો. 17મી ઓવરમાં અર્શદીપે કોનવેને આઉટ કરી ન્યૂઝીલેન્ડને ચોથો ઝટકો આપ્યો હતો. ત્યાર બાદ 18મી ઓવરમાં સિરાજને વધુ એક સફળતા મળી હતી. સિરાજની બોલ પર શોટ મારવાની પ્રયાસમાં નીશમ શૂન્ય પર આઉટ થયો હતો.

આ જ ઓવરમાં વધુ એક વિકેટ મેળવવામાં સિરાજે સફળતા મેળવી હતી. ત્યાર બાદ 19મી ઓવરની પહેલી જ બોલે અર્શદીપ સિંહના બાઉન્સર પર મિચેલ આઉટ કર્યો હતો. બીજી જ બોલે અર્શદીપે યોર્કર પર સોઢીને ઝીરો પર બોલ્ડ કર્યો હતો. અર્શદીપની હેટ્રિક નહોતી થઈ પરંતુ ટીમની હેટ્રિક થઈ હતી. સિરાજના સીધા થ્રો પર સાઉધી રન આઉટ થયો હતો. આમ 20 રનમાં ન્યૂઝીલેન્ડે 7 વિકેટ ગુમાવી હતી.

Most Popular

To Top