Columns

યુરોપની જેમ ભારતમાં પણ બધા ઉપકરણો માટે એક ચાર્જરની સિસ્ટમ લાગુ પડશે

ભારત સરકારના કન્ઝ્યુમર્સ અફેર્સ વિભાગે બધા જ ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો માટે કોમન ચાર્જરની વિચારણા શરૂ કરી છે. ટેક્નો એક્સપર્ટ્સ અને ઉદ્યોગજગત પાસેથી સરકારે સૂચનો મંગાવ્યા છે. ધ USB ઈમ્પ્લિમેન્ટર્સ ફોરમ નામનું એક સંગઠન 1995માં બન્યું હતું. તે દરેક કંપનીના USB ને મેનેજ કરે છે. USB બનાવનારી કંપનીઓએ મળીને આ સંગઠન રચ્યું હતું. IBM, ઈન્ટેલ, માઈક્રોસોફ્ટ, ડિજિટલ, એનઈસી, નોર્ટેલ જેવી કંપનીના સંયુક્ત પ્રોજેક્ટના ભાગરૂપે USB કનેક્ટર ડેવલપ થયું હતું. ત્યારબાદ એમાં HP, એપલ જેવી કંપનીઓ પણ જોડાઈ હતી.

પહેલી વખત USB 1996માં રીલિઝ થયા બાદ આ સંગઠને અલગ અલગ તબક્કે લગભગ 30 પ્રકારના USBને પરવાનગી આપી હતી, પરંતુ હવે ગણીને 14 USB કનેક્ટર એક્ટિવ છે. એમાંથી સૌથી વધુ USB-C વપરાય છે. USB ટાઈપ-C USB ઈન્પ્લિમેન્ટ ફોરમે 11મી ઓગસ્ટ, 2014ના રોજ લોંચ કર્યું હતું. ડેટા ટ્રાન્સફરની સ્પીડ વધારવા માટે આ USB કનેક્ટર ખૂબ જ ઉપયોગી થઈ પડ્યું હતું, તેના કારણે મોટાભાગની મોબાઈલ ઉત્પાદક કંપનીઓ ટાઈપ-સી તરફ વળી ગઈ હતી.

ટાઈપ-સીની લોકપ્રિયતાના કારણે 3.5 MM ઓડિયો જેક્સ, USB-B, USB-1 અને ડિસ્પ્લેપોર્ટનું ચલણ એકાએક ઘટી ગયું હતું. ટાઈપ-C કનેક્ટર સેકન્ડમાં 10 GB સુધીની ઝડપે ડેટા ટ્રાન્સફર થઈ શકે છે. 100 વોટ્સ સુધીનો પાવર પણ એમાંથી ડિવાઈસને મળી શકે છે. તેના કારણે ડેટાની સ્પીડની જેમ ટાઈપ-Cથી મોબાઈલને ચાર્જિંગ સ્પીડ પણ ઘણી વધારે મળે છે. USB-Cને સતત અપડેટ કરવાની પ્રક્રિયા પણ ચાલતી રહે છે. લેટેસ્ટ સ્માર્ટફોનમાં અપડેટેડ USB-C ઈન્સ્ટોલ હોવાથી તે તુરંત ચાર્જ થઈ જાય છે.

***
યુરોપીયન સંઘે 2020માં એક સર્વેક્ષણ કરાવ્યું હતું, એમાં જણાયું હતું કે અડધો અડધ યુઝર્સ ટાઈપ-C ચાર્જરનો ઉપયોગ કરે છે. 31 ટકા યુઝર્સ USB-B ચાર્જરથી ચાર્જ થતાં ડિવાઈસ ધરાવે છે. 19 ટકા યુઝર્સ લાઈટ કનેક્ટરથી ચાર્જ થતા એપલના ડિવાઈસનો ઉપયોગ કરે છે. USB ટાઈપ-C ના યુઝર્સ સતત વધતા જાય છે. મોટાભાગની મોબાઈલ ઉત્પાદક કંપનીઓ પણ એ પ્રકારના ડિવાઈસ બનાવે છે એટલે યુરોપિયન યુનિયને મોબાઈલ ઉત્પાદક કંપનીઓને આગામી બે વર્ષમાં તમામ સ્માર્ટ ડિવાઈસ માટે એક સરખું ચાર્જર રાખવાનો આદેશ આપ્યો છે. બધા ડિવાઈસ માટે કોમન ચાર્જર હોય તો ઈ-વેસ્ટમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાતો હોવાથી યુરોપિયન સંઘે આ નિર્ણય કર્યો હતો.

યુરોપિયન સંઘની જેમ જ ભારતમાં પણ કોમન ચાર્જરની વિચારણા ચાલી રહી છે. કેન્દ્રીય કન્ઝ્યુમર અફેર્સ મંત્રાલયે ટેકનો-એક્સપર્ટ્સ ઉપરાંત ઈન્ડસ્ટ્રી પાસેથી સૂચનો મંગાવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UNની ક્લાઈમેટ કોન્ફરન્સમાં ભારત 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જન 45 ટકા સુધી ઘટાડશે એવી જાહેરાત કરી તે પછી ભારતમાં પણ ઈ-વેસ્ટ ઘટાડવાના પ્રયાસો હાથ ધરાયા છે.

અત્યારે દુનિયાભરમાં સ્થિતિ એવી છે કે જુદાં જુદાં ડિવાઈસ પ્રમાણે ચાર્જર અલગ રાખવા પડે છે. લેપટોપનું ચાર્જર અલગ. મોબાઈલનું ચાર્જર વળી જુદું. બ્લુટૂથ-હેડફોન વગેરેના ચાર્જર્સ એ બંનેથી સાવ ભિન્ન. પણ કોમન ચાર્જરની સિસ્ટમ લાગુ પડી જાય તો એક જ કેબલથી બધા જ ડિવાઈસ ચાર્જ થઈ જાય. જુદા-જુદા ઉપકરણો માટે જુદા-જુદા કેબલ સાથે રાખવાની પળોજણમાંથી પણ મુક્તિ મળી જાય.

***
ઘરમાં ઈ-વેસ્ટ કેવી રીતે સર્જાય છે? એક ઉદાહરણ જુઓ. તમે બે-એક વર્ષ પહેલાં એક સારી કંપનીનો 20-25 હજાર રૂપિયા ખર્ચીને એન્ડ્રોઈડ ફોન લીધો હતો. એની સાથે ચાર્જર આવ્યું નહોતું એટલે વળી એ જ કંપનીના એડપ્ટર અને કેબલ પણ સાથે મંગાવ્યા હતા. એ જ અરસામાં એક હેડફોન મંગાવ્યો. એની સાથે નવું ચાર્જર આવ્યું. એક-બે વર્ષ પછી તમને કોઈ લેટેસ્ટ ફોન ગમી જાય એટલે તમારી પાસે જે ફોન છે એ તમે એક્સચેન્જ ઓફરમાં ઓનલાઈન આપી દીધો. જે ઈ-કોમર્સ કંપનીમાં તમે એક્સચેન્જ કર્યો છે એ માત્ર ફોન જ લઈ જશે.

તમે અલગ જે કેબલ અને એડપ્ટર મંગાવ્યા હતા એ ઘરમાં પડ્યા રહેશે. નવા ફોનની સાથે તમે વળી અપડેટેડ વાયરલેસ બ્લુટૂથ મંગાવ્યા. એની સાથે ફરી પાછો કેબલ આવ્યો. જૂના હેડફોન અને કેબલ તો ઘરમાં ઓલરેડી પડ્યા છે. બ્લુટૂથ અને હેડફોન બંનેમાં માઈક્રો USB ચાલે છે અને નવો સ્માર્ટફોન ટાઈપ-Cથી ચાર્જ થાય છે. સરવાળે તમારી પાસે જૂના ફોનનું, નવા ફોનનું, હેડફોનનું તેમજ નવા વાયરલેસ બ્લુટૂથનું – એમ 4 ચાર્જર ભેગા થઈ જશે. એમાંથી નિયમિત ઉપયોગમાં તો માત્ર 2 જ આવવાના છે, બાકીના 2 ઘરમાં થોડો વખત રઝળશે અને પછી કચરામાં જશે.

દુનિયાભરમાં આ જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સ્માર્ટફોન, ટેબલેટ, હેડફોન, પોર્ટેબલ સ્પીકર, વીડિયો ગેઈમ્સ, ફિટનેસ ટ્રેકર્સ, સ્માર્ટવોચ, ઈયરબડ્સ વગેરેમાં એકસરખા ચાર્જર ચાલતા નથી હોતા. તેના કારણે યુઝર્સને પણ બધાના અલગ અલગ કેબલ સાચવવા પડે છે. દર વર્ષે આવા ઈ-વેસ્ટનો ગંજ ખડકાઈ જાય છે. ઈ-વેસ્ટમાં મોટા ડિવાઈસની રીસાઈકલ પ્રોસેસ થાય છે, પણ આવા કચરાનો કોઈ જ નિકાલ થતો નથી એટલે એનો જથ્થો વધતો રહે છે. જો એક જ ચાર્જરથી બધા જ ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈસ ચાર્જ થવા માંડે તો ઈ-વેસ્ટમાં મોટો ઘટાડો થઈ શકે તેમ છે.

એકાદ દસકા પહેલાં અલગ અલગ ડિવાઈસને ચાર્જ કરવા માટે 30 પ્રકારના ચાર્જર્સ અસ્તિત્વમાં હતા. સ્માર્ટફોન નિર્માતા કંપનીઓ મોડેલ પ્રમાણે અલગ અલગ પ્રકારના ચાર્જર યુઝરને આપતી હતી, પરંતુ એક દશકા પછી સ્થિતિ એટલી સુધરી છે કે હવે મુખ્યત્વે 3 પ્રકારના ચાર્જર જ અસ્તિત્વમાં રહ્યા છે. એમાંથી પણ જો બધું એક જ ચાર્જરથી ચાર્જ થવા માંડે તો ઈ-વેસ્ટ ઓછો જનરેટ થાય. તે સિવાય યુઝર્સને પણ અલગ અલગ ચાર્જર્સમાંથી મુક્તિ મળે અને અલગ અલગ ચાર્જ ખરીદવાનો ખર્ચ પણ નિયંત્રિત થાય.

Most Popular

To Top