તા. 7/6/26ના ‘ગુજરાતમિત્ર’ની રવિવારી પૂર્તિમાં કેશુભાઇ દેસાઇનો લેખ ‘પુસ્તક કબાટમાં નજરકેદ’માં પુસ્તકાલય વાચનાલય બન્યાં તે પર સુંદર પ્રકાશ પાડવા બદલ અભિનંદન. એક સમય હતો જ્યારે પોતાને મનગમતું પુસ્તક મેળવવા પુસ્તકાલયમાં પડાપડી થતી. આજે પરિસ્થિતિ બદલાતાં પોતાના મનપસંદ વિષયોની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનાં જ પુસ્તકો વાંચવા માટે જ વિદ્યાર્થીઓ પુસ્તકાલયમાં સવારથી સાંજ સુધી બેસી વાંચે છે. જે જોઇ જાણી શહેરનાં વિવિધ વિસ્તારોમાં ખાનગી ધોરણે આ સુવિધાઓ પૂરી પાડી ફી વસુલાઇ રહી છે.
પૈસા કમાવાનો નવો ધંધો શોધાયો. પુસ્તકાલયમાં અભ્યાસ/અધ્યયન માટે આવનાર ખૂબજ ઓછા છે. પુસ્તકમાંથી ઇ-બુક બનતાં માનવજીવનમાંથી પુસ્તકો એકાએક આઉટ ઓફ ડેટ થઇ ગયાં જેની કોઇને કલ્પના નહોતી. વચલી પેઢી ટેકનોલોજીની વિશેષતા સમજતી થઇ છે. જયારે બાળકો માતાના ગર્ભમાંથી બધું શીખી આવે છે. જ્ઞાનનો મહાસાગર ડિજીટલ થઇ જતાં નાનકડા હાથવગા મોબાઇલમાં તે કેદ થઇ જશે એવું કોઇએ સપને પણ ધાર્યું નહોતું. જ્ઞાન અને માહિતીની પહેલાં હતી તેટલી જ આજે પણ જરૂર છે. પરિણામે ભલે પુસ્તકનું સ્વરૂપ બદલાયું પરંતુ માનવજીવનમાં તેની અગત્ય હજી પણ એટલી જ છે જેટલી પહેલાં હતી. ઇ-બુકનું સ્વાગત છે.
વ્યારા – પ્રકાશ સી. શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.