Columns

ખુશ રહેવા માટે છોડી દો

એક અંકલ મોર્નિંગ વોક પર જતા અને ચાલી લીધા બાદ પોતાના મિત્રો સાથે બેસીને સરસ પોતાના અનુભવની વાતો કરતા.તેમની વાતો એટલી સરસ હતી કે આજુબાજુનાં લોકો પણ તેમની વાતો સાંભળવા લાગતા.એક દિવસ તે અંકલે વાત શરૂ કરી કે, ‘આપણે ખુશ રહેવું હોય તો શું કરવું જોઈએ?’ કોઈકે કહ્યું, ‘મનગમતી પ્રવૃત્તિ કરવી જોઈએ.’ બીજાએ કહ્યું, ‘આપણે જે મેળવવું હોય તે બધું મેળવવા મહેનત કરવી જોઈએ.’ ત્રીજાએ કહ્યું, ‘બીજાને ખુશી આપવી જોઈએ.’ ચોથાએ કહ્યું, ‘જે જોઈએ તે મળી જાય એટલે ખુશી જ ખુશી મળે.’ અંકલ બોલ્યા, ‘મારી આજની વાત જુદી જ છે.તમે બધાએ જે જે જવાબ આપ્યા તેનો સાર છે કે ખુશ રહેવા જે જોઈએ તે મળવું જોઈએ અને તે મેળવવા સતત પ્રયત્નો કરવા જોઈએ.પણ હું આજે કહું છું કે ખુશ રહેવા માટે આ પાંચ વસ્તુઓ છોડી દેવી જોઈએ.’ બધાને અંકલની વાતમાં રસ પડ્યો કે વસ્તુઓ છોડી દેવાથી ખુશી કઈ રીતે મળે? બધા અંકલની વાત ધ્યાનથી સાંભળવા લાગ્યા. અંકલે કહ્યું, ‘સાંભળો મારી વાત. આ પાંચ વસ્તુઓ તમે છોડી દેશો તો જીવનમાં ખુશી જ ખુશી મેળવી શકશો.પહેલી વસ્તુ છે ‘ઓવર થીંકીંગ.વધુ પડતું વિચારતાં રહેવું.આપણે દરેક બાબતે સતત બસ વિચારતા રહીએ છીએ.વધુ પડતું વિચારવાથી મનને દુઃખ મળે છે.વધુ વિચારવાનું છોડી તરત બસ જે વિચાર આવ્યો હોય તેની પર કામ શરૂ કરો.

બીજી વસ્તુ જે છોડી દેવાથી ખુશી આપોઆપ મળે છે તે છે ‘ચિંતા કરવી અને ખોટી ચિંતા કરવી.આપણે જાણીએ છીએ કે ચિંતા ચિતા સમાન છે. તે આપણા મનને ખોખલું કરે છે.ચિંતા કરવી નકામી છે કારણ કે તેનાથી કંઈ જ બદલી શકાતું નથી.ત્રીજી વસ્તુ છે ‘ભૂતકાળમાં જીવવું’ ઘણાં લોકો ભૂતકાળની ભૂલોમાં અટકેલાં જ રહે છે અને તેનો જ પસ્તાવો કરતા રહે છે.ભૂતકાળ પસાર થઇ ગયો છે.ભૂતકાળ ભસ્મ થઇ ગયો છે. તેના નકારાત્મક અનુભવોને યાદ રાખીને દુઃખી થવા કરતાં તેને ભૂલીને આજમાં જીવવું જરૂરી છે.આજમાં જીવીશું તો આવતી કાલ સુંદર અને ખુશીઓથી ભરેલી આવશે.’ બધાને અંકલની વાતોમાં રસ પડ્યો હતો.અંકલ પાણી પીવા અટક્યા તો એક જણ પૂછી બેઠું, ‘અંકલ, ચોથી વસ્તુ કઈ?’ અંકલ હસીને બોલ્યા, ‘કહું છું ભાઈ, ચોથી વસ્તુ છે ‘બધાને ખુશ રાખવાની કોશિશ.આ કોશિશ કરવાનું છોડી દો.તમે દરેક સમયે દરેક જણને ખુશ રાખી શકવાના નથી અને પાંચમી વસ્તુ છે ‘પોતાના પર અવિશ્વાસ.તમારી પોતાની આવડત અને મહેનત પર શંકા કરવાનું છોડી દો.આત્મવિશ્વાસ નહિ રાખો તો લોકો પણ તમારી પર વિશ્વાસ નહિ રાખે માટે સેલ્ફ ડાઉટ છોડી;હંમેશા આત્મવિશ્વાસ રાખી આગળ વધો તો સફળતા મળશે અને ખુશી મળશે.’ અંકલે જીવનને ખુશીથી ભરેલું બનાવવા માટે આ પાંચ વસ્તુઓને જીવનમાંથી આજે ને આજે જ કાઢીને ફેંકી દેવાની સલાહ આપી.
            – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top