Latest News

More Posts

નગરપાલિકા એજન્સીને નાણાં ન ચૂકતા એજન્સીએ પણ હાથ અધ્ધર કરી દીધા.

નડિયાદ નગરપાલિકામાં આઉટસોર્સથી વિવિધ વિભાગોમાં કર્મચારીઓ સપ્લાય કરી એજન્સી દ્વારા 3થી 4 માસ સુધી કર્મચારીઓનો પગાર કરાયો નથી. નડિયાદ નગરપાલિકા એજન્સીને નાણાં ચુકવતી નથી અને એજન્સી કર્મચારીઓને પગાર કરી ન શકતી હોવાનુ રટણ ચાલી રહ્યુ છે. આ વચ્ચે કર્મચારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. નગરપાલિકામાં સૌથી વધારે કામ આઉટસોર્સના કર્મચારીઓના શીરે હોય છે, તેમ છતાં તેમને પગાર ચુકવવાની બાબતમાં લાલિયાવાડીના કારણે કર્મચારીઓનું મોરલ તૂટી રહ્યુ હોવાનું જણાઈ રહ્યુ છે.

પ્રાપ્ત વિગતો મુજબ નડિયાદ નગરપાલિકામાં રાધે એન્ટરપ્રાઈઝ નામની મહેસાણાની એજન્સી આઉટસોર્સિંગથી કમ્પ્યુટર ઓપરેટર્સ, ડ્રાઈવર્સ, પટ્ટાવાળા સહિતના કર્મચારીઓ પૂરા પાડે છે. આ એજન્સીએ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ એમ ત્રણ મહિનાથી કર્મચારીઓને પગાર ચુકવ્યો નથી. જે મામલે એજન્સીના જણાવ્યા મુજબ નડિયાદ નગરપાલિકા પગાર કરવા માટેના કોન્ટ્રાક્ટમાં નક્કી થયા મુજબના નાણાં ચુકવતી ન હોવાથી પગાર પેન્ડીંગ રહે છે. તેમજ નડિયાદ નગરપાલિકા હાલ પોતાની પાસે ફંડ ન હોવાનું જણાવી અને મિલકતો વેચાતા પગાર કરવા નાણાં ચુકવીશુ તેમ સત્તાધીશો જણાવી રહ્યા છે. પરંતુ એજન્સી અને પાલિકાની આ લાલિયાવાડીનો ભોગ નાના કર્મચારી બની રહ્યા છે અને તેમને મહિનાઓ સુધી પગાર ન મળતા તેમને પોતાનું ગુજરાન ચલાવવુ પણ મુશ્કેલ બન્યુ છે. તેમજ આર્થિક સંકળામણ વચ્ચે આ કર્મચારીઓનું કામ કરવાનું મોરલ પણ તૂટી રહ્યુ છે. ત્યારે આ અંગે સત્વરે યોગ્ય નિરાકરણ લાવી કર્મચારીઓને ચોક્કસ સમયગાળામાં દર મહિને પગાર ચુકવાય તેવી માગ ઉઠી છે.

To Top