Latest News

More Posts

નવસારી: (Navsari) મહેસાણાથી એ.સી. ભરી કલકત્તા ડીલીવરી કરતા ટ્રક ચાલકે (Truck Driver) ટ્રકનું જી.પી.એસ. બંધ હોવાનો ફાયદો ઉઠાવી નેશનલ હાઈવે નં. 48 ઉપર નવસારી પાસે 43.50 લાખના એ.સી. સગેવગે કરી ટ્રક એમ.પી. ખાતે મૂકી નાસી ગયાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદના થલતેજ રોડ પર આર્યમાન બંગ્લોઝ પાસે કમલેશ્વર ફ્લોરન્સમાં રહેતા પવનભાઈ રામફલભાઈ શર્મા ટ્રાન્સપોર્ટેશનનો ધંધો કરે છે. પવનભાઈની ટ્રાન્સપોર્ટ કંપનીની મહેસાણા જિલ્લાના કડીમાં આવેલી હિટાચી એ.સી. કંપની સાથે ટ્રાન્સપોર્ટેશનનો કોન્ટ્રાકટ થયો છે. ગત ૯મીએ પવનભાઈની કંપનીને વોટ્સએપ ગૃપ મારફતે કલકત્તા માટે 1 ટ્રક અને કટક માટે 1 ટ્રક લોડ કરી લઈ જવા માટે ઓર્ડર મળ્યો હતો. જેથી કંપનીના માણસો દ્વારા કલકત્તા જવા માટે હર્ષિત રોડ કેરિયરના માલિક કરમવીરસિંગનો સંપર્ક કરતા કરમવીરસીંગે કલકત્તા જવા માટે ટાટા કંપનીની ટ્રક (નં. આરજે-14-જીએલ-5412) મંગાવી આપ્યો હતો.

જેથી ગત 10મીએ બપોરે 43,50,258 રૂપિયાના 364 નંગ એ.સી. લોડ કરી કર્યા હતા. જે ટ્રકમાં ડ્રાઈવર તરીકે રાજસ્થાનના રાજેન્દ્રસિંગ કિશનસિંગ ચૌહાણ કલકત્તા એ.સી.ની ડીલવરી કરવા માટે ગયા હતા. જોકે ટ્રકમાં જી.પી.એસ. લગાવ્યું હતું પરંતુ તેમાં રીચાર્જ નહીં હોવાથી જી.પી.એસ. બંધ હાલતમાં હતું. જોકે પવનભાઈ પાસે ડ્રાઈવરના મોબાઈલ નંબર પર મિસ્ડ કોલ કરવાથી તેનું લોકેશન મળે તેવું સોફ્ટવેર હતું. જેથી ડ્રાઈવરનો મોબાઈલ નંબર તેમના સોફ્ટવેરમાં લોકેશન ટ્રેક કરવા માટે નાંખ્યો હતો. પરંતુ નેટવર્ક પ્રોબ્લેમના કારણે ડ્રાઈવરના મોબાઈલ નંબર પર મેસેજ નહીં જતા તેની લોકેશન સર્વિસ ચાલુ થઈ ન હતી.

ત્યારબાદ પવનભાઈની કંપનીના માણસો દ્વારા ટ્રકના ડ્રાઈવરના મોબાઈલ નંબર પર સંપર્ક કરતા તેનો ફોન બંધ આવી રહ્યો હતો. જેથી પવનભાઈએ કરમવીરસિંહની પુછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, ગાડી રસ્તા પર જ છે ગાડીમાં પંચર થયું હોવાથી તેનો નંબર બંધ આવી રહ્યો છે. ગત 14મીએ પણ ટ્રકના ડ્રાઈવરનો મોબાઈલ બંધ આવતા કરમવીરસિંહની કડકાઈથી પુછપરછ કરતા તેમને જણાવ્યું હતું કે, ડ્રાઈવર ફોન સ્વીચ ઓફ આવતો હતો. જેથી પવનભાઈએ ટ્રકના જી.પી.એસ. માં રીચાર્જ કરાવતા ટ્રક એમ.પી. ના મંદસોર ખાતે હોવાનું જણાયું હતું.

જેથી ટ્રકના મૂળ માલિક ગોપાલસિંગે એમ.પી. જઈ જોતા ટ્રકમાં 43.50 લાખના 364 નંગ એ.સી. મળ્યા ન હતા. તેમજ ટ્રકમાં ડ્રાઈવર રાજેન્દ્રસિંગ પણ ન હતી. જેથી પવનભાઈએ જી.પી.એસ. હિસ્ટ્રી જોતા ગત 11મીએ બપોરેથી સાંજ સુધી નવસારીમાં ટ્રકના ડ્રાઈવરે ટ્રક ફેરવ્યો હતો અને ઘણી વાર હાઈવેની સુરભી હોટલ ઉપર તેમજ સંદલપોર ગામે એચ.પી. પેટ્રોલ પંપ ઉપર ઉભી રાખી 43.50 લાખના 364 નંગ એ.સી. સગેવગે કર્યા હોવાનું જણાયું હતું. આ બનાવ અંગે પવનભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ટ્રક ડ્રાઈવર રાજેન્દ્રસિંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. એમ.એમ. મોર્યએ હાથ ધરી છે.

To Top