Entertainment

‘લાલ સિંહ ચઢ્ઢા’ હજુ ફ્લોપ નથી થઈ, આ દેશમાં ફિલ્મનું પ્રદર્શન પલટી શકે છે બાજી

આમિર ખાનની (Amir Khan) ‘લાલ સિંહ ચઢ્ઢા’ (Lal Singh Chadhha) બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ ગઈ છે. જો કે આમિર ખાનને જે પ્રકારનો પ્રતિસાદ મળવાની અપેક્ષા હતી તે ફિલ્મને મળી નથી. રક્ષાબંધનના દિવસે 11 ઓગસ્ટે રિલીઝ થયેલી આ ફિલ્મે (Film) બોક્સ ઓફિસ પર નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. ચાર વર્ષ બાદ રિલીઝ થયેલી આમિરની આ ફિલ્મ બોક્સ ઓફિસ (Box Office) પર માંડ કમાણી કરી રહી છે. આવી સ્થિતિમાં ફિલ્મનું આટલું કલેક્શન જોઈને ફિલ્મ ફ્લોપ થવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પરંતુ વિદેશમાં આમિરની ફિલ્મને મળેલો રિસ્પોન્સ જોઈને તેને હાલ ફ્લોપ કહેવું વહેલું ગણાશે. ખાસ કરીને ચીનમાં આમિરની ફિલ્મોને સારો પ્રતિસાદ મળે છે.

હાલમાં જ આ ફિલ્મે વિદેશમાં કમાણી મામલે નવો રેકોર્ડ બનાવ્યો છે. આવી સ્થિતિમાં હવે ફિલ્મને લઈને આમિર અને નિર્માતાઓની આશાઓ ફરી જાગી છે. આ સિવાય અભિનેતાની ફિલ્મોનું એક બીજું ગણિત છે જે તેની ફિલ્મને સફળ બનાવી શકે છે. વાસ્તવમાં ચીનમાં આમિરની ફેન ફોલોઈંગ ઘણી વધારે છે. ચીનમાં તેની ફિલ્મોની લોકો આતુરતાથી રાહ જુએ છે. ચાર વર્ષ બાદ તેની એક ફિલ્મે મોટા પડદા પર દસ્તક આપી છે. આવી સ્થિતિમાં ‘લાલ સિંહ ચઢ્ઢા’ ચીની બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે તેવી શક્યતાઓ ઘણી હદે વધી ગઈ છે. આમિરની ઘણી ફિલ્મોએ ચીનમાં બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે.

ફિલ્મ 3 ઈડિયટ્સને કારણે આમિર ખાન ચીનના દરેક ઘરમાં ફેમસ થયો હતો. વાસ્તવમાં તેમની ફિલ્મ પાઈરેસી દ્વારા આ દેશમાં પહોંચી હતી. લોકોને તેની ફિલ્મ ખૂબ પસંદ આવી હતી. બાદમાં તેને મોટા પડદા પર રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને 100 કરોડની કમાણી કરી હતી. ચીની બોક્સ ઓફિસ પર આટલી સારી કમાણી કરનાર તે પ્રથમ ભારતીય ફિલ્મ હતી.

3 ઈડિયટ્સ પછી રિલીઝ થયેલી આમિરની ફિલ્મ પીકેએ ભારતીય બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. દેશ ઉપરાંત વિદેશોમાં પણ ફિલ્મે ધૂમ મચાવી હતી. આમિરની આ ફિલ્મ ચીનના લોકોને ખૂબ જ પસંદ આવી હતી. આ ફિલ્મે ચીની બોક્સ ઓફિસ પર 128 કરોડથી વધુની કમાણી કરી હતી.

આમિર ખાનની દંગલનું ભારતમાં જ નહીં પરંતુ ચીનમાં પણ બમ્પર કલેક્શન હતું. તે ભારતની ચીનમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. તેનો રેકોર્ડ અત્યાર સુધી કોઈ તોડી શક્યું નથી. આ ફિલ્મે ચીનના સિનેમાઘરોમાંથી 1300 કરોડથી વધુની કમાણી કરી હતી. આ કલેક્શનના કારણે આમિરની ફિલ્મ 2000 કરોડનો બિઝનેસ કરવામાં સફળ રહી હતી.

Most Popular

To Top