Entertainment

સાઉથની ફિલ્મોનો હિન્દીમાં પગદંડો જમાવનારામાં એક હતા L. V. પ્રસાદ

હમણાં સાઉથની કેટલીક ફિલ્મોએ ખૂબ સારો ધંધો કર્યો. એટલે એવી ચર્ચા ઉપડી કે હિન્દી ફિલ્મો માટે મુસીબત ઊભી થઈ છે. પણ હકીકત એ છે કે સાઉથના નિર્માતા – દિગ્દર્શકો તો દાયકાઓથી હિન્દી ફિલ્મો બનાવે છે. A.V.મેયાપન, જેમિની, L.V.પ્રસાદે હિન્દીમાં ઘણી ફિલ્મો બનાવી છે. ‘બહાર’, ‘લડકી’, ‘હમ પંછી એક ડાલકે’, ‘ભાઈ ભાઈ’, ‘ભાભી’, ‘મિસ મેરી’, ‘મેં ચૂપ રહુંગી’, ‘મહેરબાન’ વગેરે AVM પ્રોડકશનસની હતી. તો જેમિની સ્ટૂડિયોએ ‘લાખો મેં એક’, ‘ઘૂંઘટ’, ‘સંજોગ’, ‘બહુત દિન હુએ’, ‘સંસાર’ સહિત ઘણી ફિલ્મો બનાવેલી. ‘શારદા’, ‘છોટી બહેન’, ‘સસુરાલ’, ‘હમરાહી’, ‘બેટી બેટે’, ‘દાદીમા’, ‘મિલન’, ‘રાજા ઔર રંક’, ‘જીને કી રાહ’, ‘ખિલૌના’, ‘બિદાઈ’, ‘ઉધાર કા સિંદૂર’, ‘એક દૂજે કે લિયે’, ‘સ્વાતિ’ વગેરે L. V. પ્રસાદે બનાવેલી ફિલ્મો છે. તેમની ઘણી પ્રતિષ્ઠા હતી. હકીકતે રાજેન્દ્રકુમાર, જીતેન્દ્ર જેવા સ્ટાર્સને સતત કામ આપનારા આ સાઉથના નિર્માતા હતા. તેમને હિન્દી બોલતા કે વાંચતાં ફાવે નહીં, પણ દુભાષિયા વડે તેઓ પોતાની સાઉથની ફિલ્મોની રિમેક બનાવી ધંધો કરી લેતા.

L. V. પ્રસાદની ઓળખ તો ભારતીય ફિલ્મોદ્યોગના કેટલાંક પાયાના નિર્માતા તરીકે થાય છે. આ કારણે તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડ પણ મળેલો. મૂળ તેમનું નામ અકિકનેની લક્ષ્મીવરા પ્રસાદ રાવ. આંધ્રપ્રદેશમાં જન્મેલા પ્રસાદ માત્ર 17 વર્ષની ઉંમરે તેમના મામાની દીકરી સૌંદર્યાને પરણેલા અને ઝડપભેર પિતા પણ થયેલા. તેમના પિતા આ કારણે અકળાયા અને પ્રસાદ કાંઈક કમાણી કરવા ફિલ્મો તરફ વળ્યા. 1931માં તેઓ પહેલી બોલતી ફિલ્મ ‘આલમઆરા’ના અભિનેતા હતા પણ નાની ભૂમિકા એટલે કોઈએ જાણી નહીં. પછી ‘કાલિદાસ’ નામની પહેલી તમિલ – તેલુગુ ફિલ્મમાં અભિનય કર્યો, પરંતુ ધીમે ધીમે તેઓ દિગ્દર્શન તરફ વળ્યા. પૃથ્વીરાજ કપૂરના નાટકોમાં અભિનય પણ કરતા રહ્યાં. એ વખતે જ તેઓ રાજકપૂરને મળ્યા અને તેમણે જ્યારે પહેલી હિન્દી ફિલ્મ ‘શારદા’ વિચારી તો તેમાં મીનાકુમારી સાથે રાજકપૂર હતા.

અત્યારના સાઉથના નિર્માતા સાઉથના જ સ્ટાર લઈને ફિલ્મો બનાવે છે અને ડબ કરી હિન્દીમાં રજૂ કરે છે. L. V. પ્રસાદ હિન્દી ફિલ્મો બનાવે, ત્યારે હિન્દી ફિલ્મોના કલાકારો લઈને જ બનાવતા. ‘સસુરાલ’માં રાજેન્દ્રકુમાર અને બી.સરોજા દેવી છે, તો ‘મિલન’માં સુનીલદત્ત, નૂતન, ‘રાજા ઔર રંક’માં અને ‘ખિલૌના’માં સંજીવકુમાર છે. તેમની ખૂબ સફળ ફિલ્મ ‘એક દૂજે કે લિયે’ વડે કમલ હસનની તેમણે હિન્દીમાં એન્ટ્રી કરાવી હતી. તેમની ‘મિસ મેરી’માં પણ મીનાકુમારી સાથે જેમિની ગણેશન છે. સામાન્યપણે તેઓ સાઉથના સ્ટાર્સને ક્યારેક જ લેતા. ‘છોટી બહેન’માં બલરાજ સાહની, નંદા, શ્યામા છે અને તે તમિલની ‘એન થંગઈ’ની રિમેક હતી. તેમની ‘જીને કી રાહ’ પણ તેલુગુની ‘બ્રાટુકુ ટેરુવુ’ની રિમેક છે.

તેમણે આ રીતે ઘણી હિન્દી ફિલ્મો રિમેક રૂપે જ બનાવી છે. ચાહે ‘શાદી કે બાદ’ (તેલુગુ – ‘પેલ્લી ચેસી છૂ ડુ’), ‘બિદાઈ’ (તેલુગુ – ‘થબ્લા’) ફિલ્મો હોય, તેમણે તેલુગુ, તમિલ સાથે સાથે હિન્દી ફિલ્મોમાં વર્ચસ્વ જમાવેલું. તેઓ એટલા સફળ હતા કે પછી પ્રસાદ ફિલ્મ લેબ્સ L. V. પ્રસાદ ફિલ્મ એન્ડ ટેલિવિઝન એકેડમી સહિત ઘણી કંપનીઓ સ્થાપેલી અને આજે તેઓ નથી પણ પ્રસાદ મલ્ટી પ્લેક્સ, પ્રસાદ EFX સહિત ઘણી કંપનીઓ છે. તેઓ તો 22 જૂન, 1994માં અવસાન પામેલા પણ આજે સાઉથની ફિલ્મો જે જોર કરે છે, તેની પરંપરા સ્થાપનારામાં એક L. V. પ્રસાદ છે.

Most Popular

To Top