બાંગ્લાદેશમાં કાર્ગો જહાજ સાથે બોટ ભટકાતા ૨૭નાં મોત

બાંગલાદેશની શીતાલાખ્યા નદીમાં એક માલવાહક જહાજ સાથે એક નાની લોન્ચ ભટકાતા ઓછામાં ઓછા ૨૭ જણા માર્યા ગયા છે એમ અધિકારીઓએ આજે જણાવ્યું હતું.

આ બનાવ નારાયણગંજ જિલ્લામાં રવિવારે સાંજે બન્યો હતો. પાંચ મૃતદેહો કાલે જ મળી ગયા હ તા જ્યારે આજે વધુ ૨૨ મૃતદેહો મળી આવ્યા હતા. એક મોટી ક્રેન સાથે બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

નેવી, કોસ્ટગાર્ડ, ફાયર સેવાઓ અને પોલીસના અધિકારીઓ સહિતને એક બચાવ ટીમ કામે લગાડવામાં આવી હતી. આજે બાંગલાદેશ જળ પરિવહન સત્તામંડળે જણાવ્યું હતું કે બચાવ અભિયાન પુરું થયું છે.

મુન્શીગંજમાં સૈયદપુર કોયલા ઘાટ નજીક આ ટક્કર સર્જાઇ હતી જેમાં ઉતારુ બોટ એક કાર્ગો જહાજ એસકેએલ-૩ સાથે ભટકાઇને ડૂબી ગઇ હતી. આ લોન્ચ બોટ મુન્શીગંજ તરફ જઇ રહી હતી.

પોલીસ અને બનાવને નજરે જોનારાઓને ટાંકીને ઢાકા ટ્રીબ્યુન અખબારે જણાવ્યું હતું કે આ અથડામણ પછી માલવાહક જહાજ બનાવના સ્થળેથી નાસી છૂટયું હતું. આ બનાવની તપાસ કરવા માટે સાત સભ્યોને એક સમિતી એડીએમના વડપણ હેઠળ રચવામાં આવી છે એમ જણાવાયું હતું. તપાસ સમિતિને તેનો અહેવાલ પાંચ દિવસમાં સુપ્રત કરવા જણાવાયું છે.

Related Posts