Columns

કણ કણ અને ક્ષણ ક્ષણ

એક બહુ જ પ્રખ્યાત, સંગીતના પરમ ઉપાસક સંગીતકાર હતા. તેમની સંગીતની સમજ એટલી હતી કે દેશભરમાં તેમની ખ્યાતી ફેલાયેલી હતી. એટલું કામ મળતું કે ઘડીની ફુરસદ ન રહેતી, અનેક ઇનામો અને એવોર્ડ્સ તેમને મળ્યા હતા. જાણે તેમની ઉપર મા સરસ્વતી અને મા લક્ષ્મી બન્નેની પરમ કૃપા હતી. દોમ દોમ સાહ્યબી, ભરપુર લોકપ્રિયતા, મનગમતા કાર્યનો સંતોષ – બધુ જ તેમને પ્રાપ્ત હતું પણ સંગીતકારમાં પોતાની કલાનું કે તેને લીધે મેળવેલા પૈસાનું બિલકુલ અભિમાન ન હતું. સંગીતકારની જીવનની ફિલસુફી બહુ સરસ હતી અને કદાચ આ ફિલસુફી જ તેમની બધી બાજુથી પ્રાપ્ત સફળતાનું રહસ્ય હતી.

સંગીતકાર પાસે ભરપૂર પૈસો હતો, પણ છતાં તેઓ 1 – 1 પૈસાનો હિસાબ રાખતા. કંજુસાઈ ન કરતા અને સાદગી પણ ન કહેવાય પણ તેઓ એક પણ પૈસાનો ખોટો વેડફાટ ચલાવતા નહિ. 2 બંગલા છોડીને જ તેમના ગાયક મિત્ર રહેતા હતા. તેઓ જ્યારે સંગીતકારના બંગલા પર મળવા પોતાની ગાડીમાં બેસીને લાંબુ ચક્કર લઈને આવતા અને સંગીતકાર તો તેમના બંગલા પર ચાલીને જ પહોંચી જતા. એક દિવસ સાંજે સંગીતકાર ગાયક મિત્રના ઘરે ચાલીને ગયા અને ગાયક મિત્રએ હસતા હસતા કહ્યું, ‘દોસ્ત, જરા તારા સ્ટેટ્સનું તો ધ્યાન રાખ. આમ ચાલીને આવવાની શી જરૂર છે?’

સંગીતકાર બોલ્યા, ‘દોસ્ત ગણીને 15 ડગલા પણ દૂર નથી તારું ઘર, તો પછી શું કામ ગાડીમાં આવીને પેટ્રોલના પૈસા અને સમયની બરબાદી કરું. જીવનમાં એક એક કણ અને એક એક ક્ષણ કિંમતી છે, યાદ રાખજે. હું ચાલીને આવ્યો એમાં મારું સ્ટેટ્સ કઈ ઓછું થવાનું નથી. હા, જો હું ખરાબ સંગીત આપીશ કે અભિમાન કરીશ તો મારું સ્ટેટ્સ ચોક્કસ ઓછું થશે, સમજ્યો. ચલ, હવે આ નવી ધૂન સાંભળ આજે સવારે જ 3 વાગે રીયાઝ કર્યા બાદ બનાવી છે.’

ગાયક મિત્રએ ધૂન સાંભળી. સુંદર નવીનતા ભરી ધૂન સાંભળી તેઓ બોલી ઉઠ્યા, ‘ધૂન બહુ જ સરસ છે પણ તું રોજ સવારે 3 વાગે ઉઠીને રીયાઝ શું કામ કરે છે? હવે તારે રીયાઝની શું જરૂર છે? તું તો એકદમ જાણકાર છે. ધૂનમાં આ નવુ વાદ્ય વાપર્યું છે તે કયારે શીખ્યું?’ સંગીતકાર બોલ્યા, ‘દોસ્ત આ નવુ વાદ્ય હું છેલ્લા એક મહિનાથી શીખી રહ્યો છું. જે પણ કઈ નવું હોય તેને શીખતા રહેવું અને જે કઈ આપણે જાણતા હોય તેને મઠારતા રહેવું જરૂરી છે.

આ સંગીત વિદ્યા અને કળા બંને છે અને તેની સાધના કરવી જરૂરી છે. ક્ષણે ક્ષણે નવુ શીખતા રહેવું પડે અને આવડતું હોય તેને યાદ કરતા રહેવું પડે તો જ તે નીખરતી રહે, સમજ્યો. હું તો આજીવન નવુ સતત શીખતો રહીશ અને આજીવન 3 વાગે ઉઠીને રીયાઝ કરતો રહીશ. ક્ષણે ક્ષણે નવુ શીખવું અને કણ કણને સમજીને જાળવીને વાપરવું જરૂરી છે. તુ પણ બંધ કરેલો રીયાઝ હમણાં જ શરુ કરી દે.’ ગાયક મિત્રને સંગીતકારની વાત અને તેમાં છુપાયેલી જીવનની ફિલસુફી સમજાઈ ગઈ.

Most Popular

To Top