Columns

કામઢા પુરુષ!

‘થોડુક તેલ મળશે ?’ ચુલા પરની ચામાં ઉકાળો આવતાં ચૂલો ધીમો કરી મેં એ છોકરીની સામે જોયું. એના હાથમાં મોબાઈલ ફોન હતો. તેલનું પૂછીને હું જવાબ આપું એ પહેલા એ પોતાના ફોનમાં બીઝી થઇ ગઈ. મેં એનો ચહેરો નીરખ્યો : તાંબાનો વર્ણ. ખેતરે મજુરી કરતી ખેડુકન્યાની ચામડી પર મહેનતનો રંગ લાગ્યો હોય એવો. એનો એક દાંત સહેજ તૂટેલો હતો આથી એનું સ્મિત મોહક લાગતું. બે દિવસથી એ મારા ચાના બાંકડાની સામે નોવેલ્ટી ગૃહ વસ્તુ ભંડાર દુકાનના કમ્પાઉન્ડમાં વડાપાઉનો સ્ટોલ લગાવવા માંડી હતી. કોઈ છોકરી આમ વડાપાઉનો સ્ટોલ ચલાવે એ મુંબઈ માટે નવાઈની વાત ન કહેવાય પણ સાવ એકલી આમ આવું કામ કરતી હોય એ નવાઈની વાત ખરી.

જે સવારે વડાપાઉનો સ્ટોલ શરુ કર્યો એ સમયે મારે ત્યાં ચા પીવા આવેલા નોવેલ્ટી દુકાનના માલિક દામજી છેડા શેઠે મને કહેલું : બાઈ માણસ છે – ધ્યાન રાખજો.. મેં જવાબમાં માત્ર સ્મિત કરેલું. છેડા શેઠે ઉમેરેલું : કોઈ ઘરાક કેવા હોય અને કેવા નહિ – એને એકલી જાણી કોઈ સતાવે નહિ એ જોવું આપણા લોકોની ફરજ છે.. ત્યારે મેં કહેલું કે ‘શેઠ ચિંતા ન કરો, આ મુંબઈ છે અહીં બધાં પોતપોતાના કામમાં જ ગૂંચવાયેલા હોય છે, કોઈને ટાઈમપાસ કરવાની ફુરસદ નથી એ તમે ક્યાં નથી જાણતા.. અને જમાનો બહુ આગળ નીકળી ગયો છે.. છોકરીઓ હવે રીક્ષાથી માંડીને વિમાન અને કારથી માંડીને રાજ્ય સરકાર ચલાવી લે છે…’ છેડા શેઠે સહમતીમાં માથું ધુણાવતા કહ્યું હતું ‘ખરી વાત…ખરી વાત…

એ છોકરીએ ફોનમાંથી મ્હો ઊંચકી મને પૂછ્યું ‘તેલ છે તમારી પાસે ?’

‘છે પણ મને ચામાં નાખવા જોઇશે…’

‘ચામાં વરી કોઈ તેલ લાખે કે !’ એ હસી પડતાં બોલી.

‘ચાવાળા પાસે કોઈ તેલ માંગે કે ?’ મેં પણ સ્મિત કરતાં જવાબ આપ્યો. એ કશું કહ્યા વિના પોતાના સ્ટોલ પર ચાલી ગઈ. ભાષા પરથી સુરતી લાગે છે એમ વિચારતા હું ગ્રાહકોને ચા આપતો હતો ત્યારે છાપું વાંચતા એ વડીલ જેવી ઉમરના કાકાએ મને ચા લેતા પૂછ્યું : ‘કોણ છે એ બહેન ?’મેં  જવાબમાં ખભો ઉલાળી સ્મિત કરતાં સવાલ ટાળ્યો અને બીજા ગ્રાહકોને ચા આપી પાછો ચુલા પાસે આવ્યો. નજીકના કરીયાણા વાળાનો નોકર ચાનો ઓર્ડર આપવા આવ્યો હતો એને મેં વડાપાઉં વાળી છોકરીને ત્યાં તેલ પહોંચાડવા કહ્યું.

દરમિયાન પેલા કાકા પોતાની જગ્યાએથી ઉઠી મારા ચુલા નજીક બેસી ચા પીતાં પૂછવા માંડ્યા : ‘એ તમને ઓળખે છે ?’ ‘એટલું જ ઓળખે છે જેટલું એ તમને ઓળખે છે’ મેં  ફરી સ્મિત કરતાં કહ્યું. ‘પણ તમે એને ત્યાં તેલ આપવા કહ્યું.’ ‘તેલ હવે ઓળખીતા લોકોને જ અપાય એવું છે ?’ મેં પૂછ્યું. કાકા આ સાંભળી મ્હોં બગાડી છાપું ખોલતા બોલ્યાં ‘હશે મારે શું !’  મેં ચુલા પર દૂધ ગરમ કરવા મુક્યું. કાકા છાપાની કોર પરથી હજી એ વડાપાઉ વાળી છોકરીને તાકી રહ્યાં હતાં. પછી મને જોઈ કહ્યું ‘ પંજાબણ લાગે છે…’ ‘એમ ? મને તો મદ્રાસણ લાગે છે…’ ‘મદ્રાસણ !’  ચમકીને કાકાએ પૂછ્યું ‘મદ્રાસણ આવું સુરતી બોલે કે ?’ ‘પંજાબણ બોલે ?’ ‘એ તો સુરતમાં પંજાબી રહેતા હોય તો બોલી શકે, હું તો એના ડ્રેસ પરથી કહું છું કે પંજાબણ હશે..’ ‘ એમ તો તમારા કપડાં પરથી તો તમે યહૂદી લાગો છો…’ ‘યહૂદી ?’ આઘાત સાથે કાકાએ પોતાના કપડાં નીરખી મને કહ્યું ‘મેં બાપ જનમમાં યહૂદી જોયો પણ નથી..’

આ સાંભળી અમારી વાત સાંભળી રહેલી ચાની નિયમિત ગ્રાહક લૈલા બોલી પડી – ‘અરે કાકા ડેવિડ નામના  એક એક્ટર હતા એમની ફિલ્મો તમે નથી જોઈ ?’ ‘જોઈ છે ને ! અમારા જમાનામાં એની બહુ ફિલ્મો આવતી… બુટપોલીશ, મિલી, ચુપકે ચુપકે… કેમ એવું પૂછ્યું ?’ ‘એ ડેવિડ યહૂદી હતા..’ ‘ઓહ હશે… મારે શું ?’ કહી એ ફરી છાપું વાંચવા માંડ્યા પછી અચાનક યાદ આવતાં મને પૂછ્યું ‘પણ તમને કેમ એ મદ્રાસણ લાગી ?’ ‘એના વાળ પરથી…’ મેં કહ્યું ‘જુઓ કેટલા કાળા છે !’ ‘એ તો બધાના જ વાળ કાળા જ હોય એમાં મદ્રાસની શું વાત!’ થોડા નિરાશ થઇ એ બોલ્યા. મેં કહ્યું ‘તો ડ્રેસ પણ બધાં જ પહેરે એમાં પંજાબની શું વાત ?’ મ્હોં બગાડી ફરી એમણે છાપામાં માથું નાખ્યું પણ લૈલાને હસવું આવી ગયું. કાકાએ થોડી ખીજ સાથે કહ્યું ‘એમાં હસવાનું શું?’ ‘કંઈ નહિ, પણ હું તો છોકરી છું ને ! ક્યાં હસવું અને ક્યાં નહિ એ મને થોડી સમજાય !’ લૈલાએ જવાબ આપ્યો. ‘એવું નથી પણ આજકાલ છોકરીઓ…’ એ કંઈ બોલવા જતાં હતાં પણ લૈલાના ચહેરા પર આટલું સાંભળી ભાવ જે રીતે બદલાયાં એ જોઈ એમણે વાત પડતી મૂકી અને બોલ્યાં ‘હશે મારે શું !’ અને ફરી છાપું વાંચવા માંડ્યા.

એટલામાં લૈલા ફોન પર વાત કરવા માંડી એટલે કાકાએ ફરી છાપામાંથી મ્હોં બહાર કાઢી મને કહ્યું ‘પણ આ વડાપાઉ વાળી..’ મેં તરત એમની વાત કાપતાં કહ્યું ‘બસ કાકા, લોકડાઉનના નવા નિયમ પ્રમાણે આપણે જેને ઓળખતા ન હોઈએ એના વિષે પાંચ મિનિટથી વધુ વાત ન કરી શકાય…’  આ સાંભળી એમને આઘાત લાગ્યો, પસીનો લૂછતાં એમણે પૂછ્યું ‘હેં ! શું વાત કરો છો ? સાચે !’ ફોન પર વાત અટકાવી લૈલાએ કાકાને કહ્યું ‘આજના છાપામાં પણ છે તમે વાંચ્યું નહી ?’ અને ફરી ફોન પર વાત કરવા માંડી… કાકાએ ઉતાવળે છાપું ફંફોસવા માંડ્યું. એ જોઈ લૈલાએ મારી સામે જોઈ સ્મિત કર્યું એ કદાચ એમણે જોઈ લીધું એટલે પોતાની ફીરકી લેવાય છે એ સમજી જઈ ઉભા થઇ મને ચાના પૈસા ચુકવવા માંડ્યા. ત્યારે એ વડાપાઉવાળી છોકરી આવી ચડી અને કાકાને કહેવા માંડી ‘કાકા, મારું નામ રૂપલી છે…’ કાકાએ અચકાઈને કહ્યું ‘હા તો ?મને શું કામ કહો છો ?’ ‘ક્યારના મારી પંચાત કરો છો તો મને થયું કાકાને મારી આટલી ફિકર છે તો એમને મારું નામ તો કે’ઇ દેમ !’

કાકાને સુઝ્યું નહી કે શું બોલવું. એ ચુપચાપ ચાલ્યા ગયા. એમના ગયા પછી રુપલીએ મને કહ્યું ‘કાકાને તો માઠુ લાગી ગીયું…  ઉં તો તમને તેલ હારુ થેંક્યુ કે’વા આવેલી…પણ તમારો એક ઘરાક નહાડી મુઈકો !’  અને સ્મિત કરતાં એનો તૂટેલો દાંત દેખાડ્યો. મેં કહ્યું ‘ગ્રાહક ગયો એનો વાંધો નથી, તેલ આવી ગયું એટલે બસ…’ પછી પૂછ્યું ‘અમારી વાતો તમને સંભળાતી હતી ?’ ‘વાત તો બધી ની હંભરાતી ઉતી પણ કાકા મને ટગર ટગર જોયા કરતાં ઉતા એટલે મને થીયું કે મારી જ વાત કરતા ઓહે…’

લૈલાએ કહ્યું ‘રૂપા બેન ટેન્શન નહિ લેવાનું… હોય અમુક એવા પણ..’ ‘ટેન્સન ગીયું ગધેડાની….’ હું ચમક્યો – આ હવે ગાળ બોલશે કે શું ! પણ રૂપાએ અચાનક છેલ્લી ઘડીએ વાક્ય બદલ્યું : ‘..પૂછડીમાં…’ પછી ઉમેર્યું ‘આટલી ઉમરનો માણહ.. મને એમ કે કોઈ રીટાયર કાકા અહે પણ આતો ..’ અને આગળ કંઈ બોલી નહિ. લૈલાએ રૂપાને કહ્યું ‘લોકો નોકરીમાંથી રીટાયર થાય પણ પુરુષ તો મરે ત્યાં સુધી પુરુષ જ રહે.. એમાં રીટાયરની કોઈ ઉમર નથી…’ રૂપા આ સાંભળી ફિક્કુ સ્મિત કરી ચાલી ગઈ. મેં છેડા શેઠને કહેલું કે ‘ચિંતા ન કરો, આ મુંબઈ છે અહીં કોઈને ટાઈમપાસ કરવાની ફુરસદ નથી..’ એ મને યાદ આવી ગયું. અને કડવાશ સાથે વિચાર આવ્યો : સ્ત્રી વિષે ગોસીપ કરવું એ તો લોકોને કામ જેવું લાગે છે – ટાઈમપાસ નહિ – કામઢા પુરુષો!

Most Popular

To Top