SURAT

97 વર્ષથી સુરતીઓની દાઢે વળગ્યાં છે જોશી ફરસાણ માર્ટના ટેસ્ટી ફરસાણ

અત્યારે જમાનો ફાસ્ટ ફૂડ, ચાઈનીઝ ફૂડ, મેક્સિકન-કોરિયન ફૂડનો આવી ગયો છે. ખાસ કરીને યંગસ્ટર્સ આ અવનવા ફૂડનો સ્વાદ લે છે. પણ આ જ સુરતીઓની સવાર તો હજી પણ ખમણ, લોચો, ઇદડા, પેટીસ, ભજિયા, જલેબી-ફાફડા સાથે જ થાય છે. સવાર સવારમાં આના માટે લોકો ફરસાણની દુકાનો પર લાઇન લગાવે છે. 95-100 વર્ષ પહેલા સુરત શહેર ચોક્થી લઈને રેલવે સ્ટેશન સુધીનું હતું ત્યારે પણ આ ચટાકેદાર ફરસાણ માટે લોકોની લાંબી લાંબી લાઈનો લાગતી હતી. એ સમયના સુરતમાં અન્ય દુકાનોની સરખામણીમાં ફરસાણ અને સ્વિટ્સની દુકાનો વધારે હતી. એ જ અરસામાં ભાવનગરથી સારી કમાણીની આશામાં સુરતમાં આવેલા મોહનલાલ જોષીએ થોડોક સમય એક ફરસાણની દુકાનમાં કામ કર્યા બાદ ભાગળ ચાર રસ્તા પર 1926માં પોતાની જોષી ફરસાણ માર્ટ પેઢીની સ્થાપના કરી. જોષી ફરસાણ પેઢીએ આજે 97 વર્ષે પણ ગળાકાપ હરિફાઈના આ જમાનામાં પણ મજબુતાઈથી પોતાનું સ્થાન જમાવી રાખ્યું છે તો કેમ ? ચોમાસાની સિઝનમાં લોકો વરસતા વરસાદમાં પણ અહીંના ખાજા લેવા કેમ લાઇન લગાવે છે ? તે જાણો આ દુકાનના બીજી અને ત્રીજી પેઢીનાં સંચાલકો પાસેથી.

પહેલા બટાકાનું શાક અને તેની પર સેવ ભભરાવી ખાવાનું ચલણ હતું: ભુપેન્દ્રભાઈ અને ઉદયનભાઈ
બીજી પેઢીનાં સંચાલક મોહનલાલ જોષીના દિકરા ભુપેન્દ્રભાઈ અને ઉદયનભાઈએ જણાવ્યું કે પહેલાંના સમયમાં લોકોમાં સવારના નાસ્તામાં સેવ બટાકા ખાવાનું ચલણ હતું. બટાકાના શાક પર સેવ ભભરાવવામાં આવતી. અમારા બટાકાના શાકના મસાલા વિશેષ રહેતા એટલે આ ડિશ માટે સવારે અને બપોરે લોકોની લાઈનો લાગતી. જોકે, નવા ફરસાણોની સામે આ ડિશ લોકોમાં ભુલાતી ગઈ. સુરતની આજુબાજુના ગામોના લોકોમા પણ તેઓ જ્યારે સુરત શાક માર્કેટમાં શાક વેચવા આવતા કે લગ્ન પ્રસંગની ખરીદી માટે આવતા ત્યારે આ ડિશ ખાવાનું પ્રચલન હતું એટલું જ નહીં નવસારીથી પણ આ ડિશનો ટેસ્ટ લેવા લોકો આવતા. જોકે, નવા ફરસણોની વેરાયટીમાં આ ડિશ ભુલાતી ગઈ એટલે અમે તે 20-22 વર્ષ થયાં વેચવાનું બંધ કર્યું છે.

1979માં ત્રણ દુકાનોમાં આગ લાગતા મોટા પાયા પર નુકસાન થયું હતું: રાજેન્દ્રભાઇ અને મહેશભાઈ જોષી
બીજી પેઢીનાં સંચાલક અને મોહનલાલ જોષીના ચોથા અને પાંચમા નમ્બરના દિકરા રાજેન્દ્રભાઇ અને મહેશભાઈએ જણાવ્યું કે, 1979માં અમારી દુકાન સહિતની ત્રણ દુકાનોમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. જોકે, આગ કઈ દુકાનમાં સૌથી પહેલા ફાટી નીકળી હતી તે જાણી શકાયું નહીં હતું. ત્યારે તો ટેલિફોન પણ બહુ ઓછા લોકો પાસે હતા એટલે આગ લાગી હોવાનું કહેવા દુકાનની આજુબાજુમાં રહેતા લોકો અમારા કારીગરો સાથે અમારા લંબે હનુમાન રોડ પરના ઘરે આવ્યા હતા. એ આગમાં અમારી આખી દુકાન બળીને ખાખ થઈ ગઈ હતી. તે વખતે તો ફરસાણ મુકવાના જર્મન, પિત્તળના વપરાતા તે થાળા પણ આગમાં ઓગળી ગયા હતા. આ ઘટના બાદ અમે દુકાન રીનોવેટ કરાવી હતી.

2006ની રેલમાં અમે પૂરના પાણીમાં smc તરફથી પુરગ્રસ્તો માટે ફૂડ પેકેટ તૈયાર કર્યા: નૈનેશ જોષી
ત્રીજી પેઢીનાં સંચાલક નૈનેશ રાજેન્દ્રભાઈ જોષીએ જણાવ્યું કે આમ તો અમારી દુકાન ઊંચાણ પર હોવાથી 1968ની રેલમાં આ દુકાનમાં પાણી નહીં ઘૂસ્યું હતું. જોકે, 2006ની રેલમાં દુકાનમાં પાણી આવી ગયા હતા પણ અમે બધો માલ દુકાનની ઉપરના માળે શિફ્ટ કરી દીધો હતો. એ રેલ સમયે પુરગ્રસ્તો માટે ફૂડ પેકેટ અમે smc માટે તૈયાર કર્યા હતા. રાજકીય પક્ષો માટે પણ પુરી-શાકનાં ફૂડ પેકેટ્સ અમારા દ્વારા તૈયાર કરાયા હતા. તેમના માણસો આવતા હતા. એ સમયે અમે આ રિતના રાહત ફૂડ પેકેટ 5-6 દિવસ રોજ તૈયાર કરતા હતા. અમને 5 હજાર, 10 હજાર ફૂડ પેકેટ તૈયાર કરવા માટે કહેવામાં આવતું. કોરોના કાળમાં ફર્સ્ટ વેવમાં અમારી દુકાન લોકડાઉનમાં સંપૂર્ણ બંધ રહી હતી જ્યારે સેકન્ડ વેવમાં અમને સરકાર તરફથી થોડી છૂટછાટ આપવામાં આવી હતી.

પેઢીનાં સ્થાપક મોહનલાલ જોષી ખેતીવાડી છોડી સુરત આવેલા
આ પેઢીની સ્થાપના 97 વર્ષ પહેલાં મોહનલાલ ગંગાશંકર જોષીએ કરી હતી. પહેલા મૂળ ભાવનગરના પાલીતાણા બાજુના એક ગામમાં ખેતીવાડી કરતા હતાં પણ વરસાદી ખેતી પર નિર્ભર રહેવું મુશ્કેલ લાગતા સારી કમાણીની આશામાં સુરત આવ્યા હતા. અહીં શરૂઆતમાં ચૌટા બજારમાં ફરસાણની એક દુકાનમાં નોકરી કરતા. બપોરે આરામના સમયે ફરસાણ બનાવવાનું શીખ્યા બાદ તેમણે ભાગળ ચાર રસ્તા પર ભાડેથી દુકાન લઇ ફરસાણ વેચવાનું શરૂ કર્યું હતું.તેમના નિધન બાદ તેમના મોટા દિકરા ધીરેન્દ્રભાઈએ 16-17 વર્ષની ઉંમરે દુકાનમાં બેસવાનું શરૂ કર્યું હતું. ધીરેન્દ્રભાઈએ SSCની પરીક્ષા પાસ કરી હતી પણ દુકાન સાંભળવાની જવાબદારી આવતા તેઓ આગળ ભણી શક્યા નહીં હતા.

ચોમાસામાં ખાજા માટે ભર વરસાદે લોકોની લાઇન લાગે છે
રાજેન્દ્રભાઈએ જણાવ્યું કે અમારી દુકાનના ખાજા વખણાય છે. અમે અસલ મરીના પણ બહુ તીખા નહીં અને એક મહિનો તાજા રહે તેવા ખાજા બનાવીએ છીએ. ચોમાસામાં ખાજા ખાવાનું પ્રચલન છે ત્યારે ભર વરસાદે પણ ખાજા ખરીદવા અમારી દુકાને લોકોની લાઇન લાગે છે. શ્રાવણ મહિનામાં ફરાળી પેટીસ, ફરાળી પાત્રા અને ચેવડાની ડીમાંડ રહે છે.

સંજીવકુમાર અને નિરૂપા રોય પણ આવતા
ભુપેન્દ્રભાઈએ જણાવ્યું કે, બોલીવુડ અભિનેતા સંજીવકુમાર સુરતના જ હતા. તે જ્યારે સુરતમાં નાટકોમાં કામ કરતા ત્યારે અહીં આ દુકાને આવી ચટાકેદાર પેટીસ અને સેવ, ભૂંસુ, ખમણ ઉભા-ઉભા ખાતા હતા. નિરૂપા રોય વલસાડના હતા. તે જ્યારે પણ સુરત આવતા તો અહીં બધા જ ફરસાણ વિશે માહિતી મેળવી ફરસાણ પેક કરાવીને લઈ જતા. એક સમયના જાણીતા અભિનેત્રી જયશ્રી ટીને પણ અહીંના ફરસાણનો ટેસ્ટ ભાવતો. લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ જેઠાલાલ એટલે કે દિલીપ જોશીને પણ અહીંના ફરસાણનો ટેસ્ટ ભાવેલો.

પોંકની સિઝનમાં મુંબઈ, બેંગ્લોરના લોકો લીંબુ મરી અને મરચાવાળી સેવ લઈ જાય છે
ઉદયનભાઈએ જણાવ્યું કે શિયાળામાં પોંકની સીઝન હોય ત્યારે લીંબુ મરી અને મરચાની તીખી સેવ લેવા ગુજરાતના અલગ-અલગ શહીરોમાંથી તો લોકો આવે જ છે પણ મુંબઈ અને બેંગ્લોરથી પણ લોકો આવતા હોય છે. અહીંના વેપારીઓ એક સાથે 40-50 કિલો ભુસુ લઈ જતા હોય છે. અમે માત્ર તેલમાં જ ઊંધિયું બનાવીએ છીએ જે 48 કલાક તાજું રહેતું હોવાથી બહારગામના લોકો પણ ઉત્તરાયણ માટે અમારું ઊંધિયું લઈ જાય છે.

પહેલા વાંસની ટોપલીમાં ફરસાણ પેક કરાતું
નૈનેશભાઈએ જણાવ્યું કે પહેલા પ્લાસ્ટિક કે પુઠ્ઠાનું પેકિંગ નહીં હતું. ત્યારે દોઢ શેરીયા, અઢી શેરીયા, દસ શેરીયા, અધમણ એ રીતે ફરસાણનું પેકિંગ વાંસની ટોપલીમાં થતું હતું.ૉ ચંદની પડવા પર ભૂસુ-ફરસાણ ખરીદવા દૂર દૂરથી લોકો આવે છે
મહેશભાઈએ જણાવ્યું કે એવું કહેવામાં આવતું હોય છે કે ચંદની પડવાના દિવસે કોઈ ભુખા નહીં રહે. ઘારી સાથે ભૂસુ-ફરસાણ, પેટીસ, કચોરી ખવાતી હોય છે. તે લેવા અડાજણ, રાંદેર, કતારગામ, વરાછા અને શહેરના બીજા વિસ્તારોમાંથી લોકો આવે છે.

Most Popular

To Top