National

જમ્મુ-કાશ્મીરના સોનમર્ગ નજીક બાલટાલમાં બરફનું ભારે તોફાન

જમ્મુ: (Jammu) જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના સોનમર્ગ (Sonmarg) નજીક બાલટાલમાં જબરદસ્ત બરફનું તોફાન (Snow Storm) આવ્યું છે. આ બરફના તોફાનનો એક ભયાનક વીડિયો પણ સામે આવ્યો છે. જો કે હજુ સુધી વાવાઝોડાને કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. પ્રશાસને લોકોને એલર્ટ (Alert) કરી દીધા છે. તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં આ દિવસોમાં ઘણી જગ્યાએ બરફની જાડી ચાદર છવાઈ ગઈ છે. જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયો છે. કાશ્મીરના ઊંચા વિસ્તારોમાં તાજી હિમવર્ષા અને મેદાનોમાં વરસાદને કારણે પહેલગામ અને ગુલમર્ગ સિવાય સમગ્ર ખીણમાં રાત્રિનું તાપમાન જમાવ બિંદુથી ઉપર ચાલ્યુ ગયું છે. સોનમર્ગ, ગુલમર્ગ, તંગધાર અને કાશ્મીરના અન્ય ઊંચાઈ વાળા વિસ્તારોમાં તાજી હિમવર્ષા (Snowfall) થઈ છે.

  • જમ્મુ-કાશ્મીરના સોનમર્ગ નજીક બાલટાલમાં બરફનું ભારે તોફાન
  • પહેલગામ અને ગુલમર્ગ સિવાય સમગ્ર ખીણમાં રાત્રિનું તાપમાન જમાવ બિંદુથી ઉપર ચાલ્યુ ગયું
  • કાશ્મીર હાલમાં ‘ચિલ્લઇ કલાન’ની પકડમાં છે, આ 40 દિવસનો સૌથી કઠોર હવામાન સમયગાળો છે

હાલના દિવસોમાં કાશ્મીરમાં શિયાળાની સીઝને કહેર મચાવ્યો છે. હવામાન કચેરીએ જણાવ્યું છે કે જેમ જેમ દિવસ આગળ વધશે તેમ તેમ સાંજ કે રાત્રિ સુધી હિમવર્ષા અથવા વરસાદમાં ધીમે ધીમે વધારો થશે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે કેટલાક સ્થળોએ મુખ્યત્વે ઊંચાઈ વાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ શકે છે. આજે જમ્મુના મેદાની વિસ્તારોમાં વ્યાપક હળવાથી મધ્યમ હિમવર્ષા અથવા વરસાદની સંભાવના છે. શુક્રવારે જમ્મુ અને કાશ્મીરમાં કેટલાક સ્થળોએ હળવી હિમવર્ષા અથવા વરસાદની સંભાવના છે. ત્યારબાદ 17 જાન્યુઆરી સુધી હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે.

પહેલગામ અને ગુલમર્ગ સિવાય સમગ્ર ખીણમાં રાત્રિનું તાપમાન વધશે અને મહત્તમ તાપમાન શૂન્યથી ઉપર રહેશે. જેનાથી તીવ્ર ઠંડીમાં થોડી રાહત મળશે. અધિકારીઓએ જણાવ્યું કે મંગળવારે રાત્રે શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન 3.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કાઝીગુંડમાં લઘુત્તમ તાપમાન 1.6 ડિગ્રી સેલ્સિયસ, દક્ષિણ કાશ્મીરના કોકેરનાગમાં 0.7 ડિગ્રી સેલ્સિયસ, કુપવાડામાં 1.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. અનંતનાગ જિલ્લાના પહલગામમાં લઘુત્તમ તાપમાન માઈનસ 0.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

બારામુલ્લા જિલ્લાના ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન માઈનસ ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કાશ્મીર હાલમાં ‘ચિલ્લઇ કલાન’ની પકડમાં છે. આ 40 દિવસનો સૌથી કઠોર હવામાન સમયગાળો છે જેમાં હિમવર્ષાની મહત્તમ અને સૌથી વધુ સંભાવના છે. ચિલ્લઇ કલાન 21મી ડિસેમ્બરે શરૂ થાય છે અને 30મી જાન્યુઆરીએ સમાપ્ત થાય છે. તે પછીના સમયને એટલેકે 30 જાન્યુઆરી પછી 20 દિવસ માટે ‘ચિલ્લાઇ ખુર્દ’ (નાની ઠંડી) અને 10 દિવસ માટે ‘ચિલ્લઇ બચ્ચા’ કહેવાય છે.

Most Popular

To Top