SURAT

મોત પહેલાંનો વીડિયો: સુરતમાં રાજસ્થાની યુવકે જીવન ટુંકાવ્યું, રડતી માતાએ કહ્યું, હવે મારું કોણ?

સુરત: રાજ્ય સરકારના આદેશ બાદ સુરત (Surat) પોલીસ (Police) વ્યાજખોરીના (Money Lenders) દૂષણને ડામવા માટે સ્પેશ્યિલ ડ્રાઈવ શરૂ કરી છે ત્યારે વાયરલ થયેલા એક વીડિયોએ (Viral Video) તરખાટ મચાવી દીધો છે. વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા એક રાજસ્થાની (Rajashthani) યુવક મોત વ્હાલું કર્યા પહેલાં તેના મિત્રને કરેલા વીડિયો કોલના ફૂટેજ વાયરલ થયા છે. આ વીડિયોમાં રાજસ્થાની યુવક રડતો નજરે પડી રહ્યો છે. વારંવાર તે પરિવારની માફી માગી રહ્યો છે.

  • વ્યાજખોરોએ 15 હજાર સામે 75 હજાર વસુલી વધુ 1.50 લાખની ઉઘરાણી કરી
  • સુરતમાં ફર્નિચરનું કામ કરતા રાજસ્થાની યુવકે વ્યાજખોરોના ત્રાસથી જીંદગી ટુંકાવી
  • મૃત્યુ પહેલાં મિત્રને વીડિયો કોલ કરી હકીકત જણાવી, પરિવારની માફી માગી
  • વૃદ્ધ માતાએ રડતી આંખે દીકરાને મરવા મજબૂર કરનાર સામે કાર્યવાહીની માગ કરી

આ કેસની વિગત એવી છે કે ગઈ તા. 22 ડિસેમ્બરના રોજ ઉધના વિસ્તારમાં રહેતા મૂળ રાજસ્થાનના વતની દીનારામ ઉમારામ જાટ નામના યુવકે મોત વ્હાલું કર્યું હતું. મૃત્યુ વ્હાલું કરતા પહેલાં દીનારામે મિત્રને વીડિયો કોલ કર્યો હતો, જેમાં તે પરિવારની માફી માંગતો નજરે પડે છે. તે રડી રહ્યો છે અને એ લોકોએ મને ખૂબ હેરાન કર્યો એવું કહેતો નજરે પડે છે. આ વીડિયો વાયરલ થયા બાદ ઉધના પોલીસે દીનારામના બનેવી અમરારામ ઉર્ફે અમરચંદ જાટ, અંતારામ બારીક રામ રતન જાટ, ધર્મેન્દ્ર ઉર્ફે મુન્ના જાટ સામે ગુનો દાખલ કર્યો છે.

શું છે સમગ્ર મામલો?
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર દીનારામ સુરતમાં ફર્નિચરનું કામ કરતો હતો. તેની છેલ્લાં કેટલાંક સમયથી ધંધાકીય લેતી દેતી મામલે બનેવી અમરારામ સાથે માથાકૂટ ચાલી રહી હતી. બનેવી અમરારામ દ્વારા દીનારામ પાસે બાકી નીકળતા રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી રહી હતી. રૂપિયા માટે બનેવી ખૂબ જ દબાણ કરતો હતો. અમરામ સહિત અન્ય ઈસમોએ 15 હજારની સામે દીનારામ પાસે 75 હજાર વસૂલ્યા હતા. ધર્મેન્દ્ર ઉર્ફે મુન્ના નામના ઈસમે આ વસૂલાત કરી હતી. છતાં ધર્મેન્દ્ર વધુ 1.50 લાખની ઉઘરાણી કરી રહ્યો હતો. આ ત્રાસથી કંટાળી દીનારામે મોત વ્હાલું કર્યું હોવાનું તારણ બહાર આવ્યું છે.

મોત પહેલાં નોટ લખી અને વીડિયોમાં કહ્યું, મારી જીંદગી બરબાદ કરી
મોત પહેલાં દીનારામે મિત્રને વીડિયો કોલ કર્યો હતો. વીડિયોમાં તે મૃત્યુ પહેલાં ત્રણ પાનાની નોટ લખી છે અને વીડિયોમાં તે એવું કહેતા સાંભળવા મળે છે કે હું કોનું કોનું નામ આપું…મારી જીદંગી બરબાદ કરી દીધી…હું ડીપ્રેશનમાં છું…બધું ભૂલી જાવ અને મને માફ કરી દેજો..

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

માતાએ બે હાથ જોડી ન્યાયની ભીખ માંગી
આ વીડિયો બહાર આવ્યા બાદ દીનારામની માતાએ ન્યાયની માગણી કરી હતી. મીડિયા સમક્ષ તેની માતાએ કહ્યું કે, મારું કોઈ નથી. મને ન્યાય અપાવો. મીડીયા સાથે વાત કરતી વખતે વૃદ્ધ માતા રડી પડ્યાં હતાં. યુવાન દીકરાના મોત બાદ આ માતાના આંસુ સુકાઈ રહ્યાં નથી.

Most Popular

To Top