National

વરસાદી કહેર: જમ્મુ કાશ્મીરના કિશ્તવાડામાં વાદળ ફાટતા 6નાં મોત, 40 લોકો ગુમ

જમ્મુ કાશ્મીર: (Jammu kashmir) દેશના પર્વતીય રાજ્યોમાં વરસાદને (Rain) કારણે વિનાશની (Destruction) સ્થિતિ બની છે. હિમાચલના કુલ્લુ-મનાલીમાં માતા અને પુત્ર પાણીમાં તણાઈ ગયા હતા. બીજી તરફ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં (Kishtwar) વાદળ ફાટવાના કારણે 6 લોકોનાં મોત નીપજ્યાં છે. કેટલાંક મકાનો ધરાશાયી થઈ ગયા છે. આશંકા છે કે અનેક મૃતદેહો કાટમાળની નીચે દબાયા છે. જમ્મુ-કાશ્મીરમાં આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ડોડામાં ચેનાબ નદીમાં (River) પાણીનું સ્તર વધ્યું છે. રામબનમાં લોકોને નદી કિનારે ન જવાની સલાહ આપવામાં આવી છે. ઉત્તરાખંડમાં સતત વરસાદ ચાલુ છે. ભારે વરસાદ બાદ મસૂરીના કૈમ્પ્ટી ધોધનું સ્તર વધ્યું હતું.

કિશ્તવાડ જિલ્લાના હોનજર વિસ્તારમાં સવારે લગભગ 4.20 વાગ્યાની આસપાસ વાદળ ફાટવાથી છ ઘર અને એક રાશન ડેપો તેની ઝપેટમાં આવી ગયા. આ અકસ્માત બાદ 40 લોકો ગુમ થયા હોવાની માહિતી મળી છે. જ્યારે કેટલાય લોકો કાટમાળની નીચે દબાયા હોવાની આશંકા છે. કિશ્તવાડમાં વાદળ ફાટ્યા બાદ ભારતીય સેના, એનડીઆરએફ, જમ્મુ કાશ્મીર પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે. રેસ્ક્યૂ ટીમ અકસ્માત બાદ ગૂમ થયેલા લોકોની શોધમાં લાગી છે. હોનજર આંતરિયાળ વિસ્તાર છે આથી રાહત ટીમને ત્યાં પહોંચવામાં ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 

કિશ્તવાડના નાયબ કમિશનર અનુસાર, રેસ્ક્યૂ-ઓપરેશનમાં ઝડપ લાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. SDRFની ટીમ પણ ત્યાં હાજર થઇ ચૂકી છે. વાદળ ફાટવાથી કિશ્તવાડમાં લગભગ 9 ઘરોને નુકસાન પહોંચ્યું છે. બીજી તરફ હિમાચલ પ્રદેશના લાહોલ-સ્પીતિમાં પણ વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. લાહોલ સ્પીતિમાં વાદળ ફાટવાથી અચાનક પૂર આવ્યું જેના કારણે 10 લોકો ગૂમ છે. હિમાચલ પ્રદેશ પોલીસ અને આઈટીબીપીની ટીમો ગૂમ થયેલા લોકોની શોધ કરી રહી છે. 

કુલ્લુની મણિકર્ણ ખીણમાં બ્રહ્મગંગા નદીમાં સવારે છ વાગ્યે પૂર આવ્યુ હતું. એમાં માતા-પુત્રના તણાવાના અહેવાલો છે. લોકો સલામત સ્થળો તરફ દોડવા લાગ્યા. દરમિયાન માતા-પુત્ર પણ સલામત સ્થળ તરફ દોડવા લાગ્યાં હતાં, પરંતુ પૂરમાં બંને અચાનક તણાઈ ગયાં હતાં. એક કેમ્પિંગ સાઇટ પર પણ પાણી ભરાઈ ગયાં છે. અન્ય એક મહિલા પણ ગુમ હોવાનું કહેવાય છે, જેની પુષ્ટિ થવાની બાકી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે તેમણે કિશ્તવાડમાં વાદળ ફાટવાના મામલે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ અને ડીજીપી સાથે વાત કરી છે. એસડીઆરએફ પણ ઘટના સ્થળે પહોંચી છે.

Most Popular

To Top