Business

ગુજરાતમાં ભાજપની આંતરિક જુથબંધી જ ભાજપનો ભોગ લઈ લે તો નવાઈ નહીં હોય

જેણે ભાજપને કેન્દ્ર સુધી પહોંચાડ્યું તેવા ગુજરાતમાં ભાજપમાં મોટાપાયે ડખાઓ શરૂ થઈ ગયા છે. ભૂતકાળમાં ભાજપમાં કેશુબાપા અને શંકરસિંહ વાઘેલા વચ્ચે ચાલેલી જુથબંધીએ એવી માઝા મુકી હતી કે તેમાંથી ખજુરીયા-હજુરીયાનો નવો જ વિવાદ ઉભો થયો હતો. ખુદ અટલબિહારી બાજપાઈ કે લાલકૃષ્ણ અડવાણી આ જુથબંધીને નાથી શક્યા નહોતા. એટલે સુધી કે સુરતમાં બાજપાઈની સભામાં ખુરશીઓ પણ ઉછળી હતી. ગુજરાત ભાજપમાં આંતરિક માથાકૂટના એક પછી એક એપિસોડ બહાર આવ્યા હતા.

જ્યાં સુધી નરેન્દ્ર મોદી મુખ્મમંત્રી નહોતા બન્યા ત્યાં સુધી ભાજપમાં આંતરિક જુથબંધી તીવ્રપણે ચાલતી હતી. નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી બન્યા બાદ ગુજરાત ભાજપની જુથબંધીને નાથી દીધી હતી. ત્યાં સુધી કે નરેન્દ્ર મોદીએ પોતાના વિરોધીઓ સામે કડક વલણ લઈને વિરોધીએ ભાજપમાંથી રવાના કરી દીધા હતા. કેશુબાપા હોય કે પછી કાશીરામ રાણા, નરેન્દ્ર મોદીએ આ તમામ દિગ્ગજ ગણાતા નેતાઓને એવી ફરજ પાડી દીધી હતી કે તેઓ ભાજપને છોડવા માટે મજબુર બની ગયા. છેવટે પોતાની પાર્ટી બનાવી પરંતુ આ બંને નેતાઓ અને તેમના સમર્થકોની રાજકીય કારકિર્દી પુરી થઈ ગઈ.

જ્યાં સુધી ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યાં સુધી કોઈની તાકાત નહોતી કે જુથબંધી કરે. નરેન્દ્ર મોદી કેન્દ્રમાં વડાપ્રધાન બનીને ગયા પછી ફરી ગુજરાત ભાજપમાં જુથબંધી શરૂ થઈ જવા પામી. મોદી કેન્દ્રમાં જતાં આનંદીબેન મુખ્યમંત્રી બન્યા, પરંતુ ભાજપના નેતાઓએ તેમને ટકવા દીધા નહીં. આનંદીબેન પટેલની કામગીરી સારી જ હતી પરંતુ ભાજપની આંતરિક જુથબંધીમાં પાટીદાર આંદોલન થયું અને આનંદીબેન પટેલનો ભોગ લેવાઈ ગયો.

આનંદીબેન ગયા બાદ વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા. રૂપાણીના રાજમાં પણ ભાજપમાં ભારે જુથબંધી ચાલી. રૂપાણીએ પોતાની રીતે સરકાર ચલાવી. રૂપાણી અમિત શાહની નિકટના નેતા મનાતા હોવાથી ભાજપના અન્ય કોઈ જ નેતાએ તેમને પડકાર ફેંક્યો નહીં પણ અંદરખાને ભાજપના અન્ય નેતાઓ નારાજ હતા જ. આ જ કારણે જ્યારે સીઆર પાટીલ ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે રૂપાણીએ સીધી તેમની સામે બાથ ભીડી દીધી. ભાજપની આંતરિક માથાકૂટમાં વિજય રૂપાણીની કાર્યપદ્ધતિનો મામલો હાઈકમાન્ડ સુધી પહોંચી ગયો. સામી ચૂંટણી હોવાથી કોઈ જોખમ નહીં લેવા માંગતા હાઈકમાન્ડે કડક નિર્ણય લઈને રૂપાણીને મુખ્યમંત્રીપદેથી હટાવી દીધા અને ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવી દીધા.

ભૂપેન્દ્ર પટેલ પહેલેથી જ ભાજપની કોઈ જ જુથબંધીમાં પડ્યા નહોતા અને મુખ્મયંત્રી બન્યા બાદ પણ તેમણે આ ક્રમ ચાલુ રાખ્યો. મુખ્યમંત્રી તરીકે કામગીરી કરતાં રહેવું અને પક્ષને વફાદાર રહેવાના તેમના ગુણધર્મને કારણે ભાજપના આગેવાનો પણ તેમને પસંદ કરતા રહ્યા. બીજી તરફ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ભાજપમાં સપાટો બોલાવી દીધો. સીઆર વિરોધી મનાતા મંત્રીઓના પત્તા કપાઈ ગયા અને વિધાનસભાની ચૂંટણીમાં પણ ઉમેદવારોની પસંદગીમાં સીઆર પાટીલનો હાથ ઉપર રહ્યો. સીઆર પાટીલને અપાયેલા મહત્વને કારણે ભાજપના અન્ય નેતાઓમાં ભારે નારાજગી હતી જ અને તેમાં જ્યારે નવી સરકાર બની ત્યારે અનેક પૂર્વ મંત્રીઓની પસંદગી નહીં થતાં આ નારાજગી બેવડાઈ ગઈ હતી અને તેને કારણે ભાજપમાં જુથબંધી આંતરિક યુદ્ધ જેવી સ્થિતિએ પહોંચી ગઈ.

જેવા સીઆર પાટીલના પ્રદેશ પ્રમુખ તરીકેના ત્રણ વર્ષ પુરા થયા કે વિરોધી આગેવાનોએ માન્યું કે હવે પાટીલના સ્થાને અન્ય પ્રમુખ આવશે પરંતુ પાટીલને યથાવત રાખવામાં આવ્યા અને તેને કારણે ભાજપમાં પત્રિકાયુદ્ધ શરૂ થઈ ગયું. ભાજપમાં પત્રિકાયુદ્ધ ભૂતકાળમાં પણ ચાલ્યા હતા પરંતુ આ વખતનું પત્રિકાયુદ્ધ ગંભીર હતું. ભાજપની આ આંતરિક યાદવાસ્થળીમાં પોલીસ ફરિયાદો થઈ અને રૂપાણીના સમયમાં આઈએએસ અધિકારીઓએ કરેલા ભ્રષ્ટાચારો ખુલ્યા તો સામે જે પૂર્વ મંત્રીઓ કે આગેવાનો દ્વારા સીઆર પાટીલ અને અન્ય મંત્રીઓ તેમજ ધારાસભ્યો સામે આક્ષેપો કરવામાં આવ્યા તેમના કાર્યકરો ભેરવાઈ જવાની શરૂઆત થઈ ગઈ.

ભાજપની આ આંતરિક જુથબંધી એ હદે પહોંચી ગઈ છે કે હવે તેમાં ‘આર યા પાર’ની લડાઈ છેડાઈ ગઈ છે. હાલમાં ગુજરાતમાં એવી સ્થિતિ છે કે ભાજપને કોંગ્રેસ કે આપ હરાવી શકે તેમ નથી. આ સંજોગોમાં ભાજપને ભાજપના આગેવાનો જ આંતરિક લડાઈ કરીને હરાવે તેમ છે. સ્વાભાવિક રીતે સીઆર પાટીલના સમયમાં જ ગુજરાતમાં ભાજપને ઐતિહાસિક રીતે 156 સીટ મળી હોવાથી પાટીલ હાઈકમાન્ડની ગુડબૂકમાં હતા જ અને તેમાં પણ આગેવાનો દ્વારા જે રીતે સીઆર પાટીલ જુથનો વિરોધ કરવા માટે પત્રિકાની પદ્ધતિ અપનાવવામાં આવી તેનાથી હાઈકમાન્ડ ભારે નારાજ થઈ જવા પામ્યું છે.

પત્રિકાયુદ્ધને કારણે ભાજપની જ પ્રતિષ્ઠા ખરડાઈ રહી હોવાથી ભાજપની આ આંતરિક જુથબંધીને હાઈકમાન્ડ દ્વારા ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે. હાઈકમાન્ડ આ રીતે જુથબંધી ચલાવનારને છોડવાના મૂડમાં નથી. આ કારણે જ હાઈકમાન્ડ દ્વારા ભાજપના પ્રદેશ મંત્રી પ્રદિપસિંહ વાઘેલા પાસે રાજીનામું લખાવી લેવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્યો પાસે પણ રાજીનામા લખાવી લેવાની હિલચાલ ચાલી રહી છે. એવું મનાઈ રહ્યું છે કે, હાલમાં પાર્લામેન્ટની બેઠક ચાલી રહી હોવાથી હાઈકમાન્ડ તેમાં વ્યસ્ત છે પરંતુ જેવી પાર્લામેન્ટની બેઠક પુરી થશે કે હાઈકમાન્ડ દ્વારા ગુજરાતનો મામલો હાથમાં લેવામાં આવે તેવી સંભાવના છે ત્યારે આગામી દિવસોમાં ગુજરાત ભાજપમાં અનેક વિસ્ફોટ જોવા મળશે તે નક્કી છે. બની શકે છે કે આ વિસ્ફોટમાં ભાજપના જ મોટા ગજાના નેતાઓનો ભોગ લેવાઈ જાય તો નવાઈ નહીં હોય.

Most Popular

To Top