Columns

વહેંચતાં રહેવું જરૂરી છે

એક દિવસ એક શિષ્યે ગુરુજીને પ્રશ્ન પૂછ્યો, ‘ગુરુજી, જો આપણને મનની શાંતિ, પરમ આનંદ અને ખુશી મળી જાય…પરમ સુખની અનુભૂતિ થાય તો પછી આપણે બીજાને મદદ કરવામાં, બીજાના દુઃખ દૂર કરવામાં સમય ગુમાવવાની શું જરૂર? આપણે આપણા સુખના અનુભવ સાથે શાંતિથી રહી ના શકીએ?’ ગુરુજી હસ્યા અને બોલ્યા, ‘તો તો તને સુખના અનુભવની, મનની શાંતિના અનુભવની જરૂર જ નથી.’ શિષ્ય અવાચક થઈ ગયો. ધીમેથી બોલ્યો, ‘એમ કેમ કહો છો ગુરુજી ,પરમ શાંતિ અને સુખના અનુભવ માટે ખુશી તો બધા મેળવવા ચાહે તો મને પણ તે મેળવવી છે.’ ગુરુજી બોલ્યા, ‘વત્સ, જો તને સાચી ખુશી અને મનની શાંતિ અને પરમ આનંદ મળી જાય અને તું તે કોઈ જોડે વહેંચવાનો જ ના હોય તો પછી તે તને મળે તેનો ફાયદો શું?’

શિષ્ય બોલ્યો, ‘મને તો પરમ સુખનો અને આનંદનો અનુભવ થશે.’ગુરુજી બોલ્યા, ‘પણ તે નકામો સાબિત થશે.તારી પાસે ઘણું ઘણું જ્ઞાન હોય, તું વધુ ને વધુ જ્ઞાન મેળવતો જ રહે, પણ કોઈને કંઈ પણ શીખવાડે નહિ,જ્ઞાન કોઈને આપે નહિ તો તે જ્ઞાન શું કામનું? તું બહુ બધા પૈસા કમાય, પણ તું તેને વાપરે જ નહિ તો તે પૈસા શું કામના.’

શિષ્ય બોલ્યો, ‘ગુરુજી, મારું જ્ઞાન અને મારા પૈસા હું મારી પાસે જ રાખું તેમાં ખોટું શું છે?’ ગુરુજી બોલ્યા, ‘ખોટું કંઈ નથી, પણ જો તું જ્ઞાન અન્યને આપે નહિ કે પૈસા વાપરી શકે નહિ તો તે જ્ઞાન અને પૈસા સાવ નકામા જ કહેવાય. પછી તને તે મળે કે ન મળે, કોઈ ફરક પડતો નથી.શું તને એકદમ ખુશી મળે તો તું એમ કહે કે મને એકલો રહેવા દો; હું એકલો રહીને ખુશી માણીશ તો તને તે ખુશીની શું મજા આવશે? તને કોઈ ખુશીના સમાચાર મળે તો તું તે ચુપચાપ સાંભળીને ખુશ થઈશ કે ખુશીથી છલકાઈને બોલીને બીજાને જણાવીશ.કોઈ સરસ વાર્તા તું વાંચે તો વાંચીને ચુપચાપ બેસી જઈશ કે તારા મિત્રોને કહીશ કે આ વાર્તા સરસ છે.

તમે પણ વાંચીને આનંદ લેજો.વત્સ, કોઇ પણ આનંદ આપતી વસ્તુને વહેંચવાથી જ તે વધે છે તે પ્રકૃતિનો નિયમ છે.જો મેળવેલું જ્ઞાન, પૈસા,ખુશી કે આનંદ કે શાંતિની અનુભૂતિ તું બીજા સાથે વહેંચીશ નહિ તો તે વધશે નહિ, પણ ઘટતી જશે અને તારા માટે પણ આનંદની અને સુખની અનુભૂતિ નહિ રહે.માટે જે મળે જેટલું મળે તે બીજા જોડે અચૂક વહેંચતા રહેવું જોઈએ.’ આનંદ આપો ,આનંદ મેળવો ..ખુશી મળે તો વહેંચતા રહો ..પરમ સુખ અને પરમ શાંતિના માર્ગ પર બીજાને સાથે લઈને ચાલો.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top