Editorial

જીએસટીમાં હવે નવા સુધારાઓની અપેક્ષા રાખી શકાય

વીતેલા નાણાંકીય વર્ષમાં અને તેના છેલ્લા મહિનામાં જીએસટીની ખૂબ સારી આવક સરકારને થઈ છે. માર્ચ મહિનામાં જીએસટીની વસૂલાત ૧૧.પ ટકા વધીને ઉંચા ઘરેલુ વેચાણના આધારે રૂ. ૧.૭૮ લાખ કરોડ પર પહોંચી છે એમ નાણા મંત્રાલયે જણાવ્યું છે. વીતેલા નાણાકીય વર્ષ (એપ્રિલ ૨૦૨૩થી માર્ચ ૨૦૨૪)માં જીએસટીની કુલ વસૂલાત રૂ. ૨૦.૧૮ લાખ કરોડ થઇ હતી, જે તેની અગાઉના નાણાકીય વર્ષમાં સરકારને આ વેરાની થયેલી આવક કરતા ૧૧.૭ ટકા વધુ હતી. હાલમાં જ પુરા થયેલા ગત નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં જીએસટીની સરેરાશ કુલ માસિક વસૂલાત રૂ. ૧.૬૮ લાખ કરોડ હતી, જે તેની અગાઉના નાણાકીય વર્ષમાં રૂ. ૧.પ૦ લાખ કરોડ હતી. માર્ચ ૨૦૨૪ માટેની કુલ જીએસટીની આવક એ અત્યાર સુધીની બીજા ક્રમની સૌથી ઉંચી આવક છે જે રૂ. ૧.૭૮ લાખ કરોડ થઇ છે, જે વર્ષો વર્ષના ધોરણે ૧૧.પ ટકાનો વધારો દર્શાવે છે.

આ વધારો ઘરેલુ વ્યવહારોમાંથી જીએસટીની આવકમાં નોંધપાત્ર વધારાથી દોરવાયેલ છે, જેનો વધારો ૧૭.૬ ટકા છે એ મુજબ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું. આ આડકતરો વેરો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(જીએસટી) શરૂ થયો ત્યારથી લઇને અત્યાર સુધીમાં સરકારને તેની સૌથી ઉંચી આવક એપ્રિલ ૨૦૨૩માં થઇ હતી જે રૂ. ૧.૮૭ લાખ કરોડ હતી. દેખીતી રીતે સામાન અને સેવાઓના વેચાણ પર લેવામાં આવતા આ કરની વસૂલાતમાં વધારો એ ધંધાઓની આવકમાં વધારો પણ સૂચવે છે.

આ કર 1 જુલાઈ 2017 થી ભારત સરકાર દ્વારા ભારતના બંધારણમાં એકસો અને પ્રથમ સુધારાના અમલીકરણ દ્વારા અમલમાં આવ્યો. 1 જુલાઈને GST દિવસ તરીકે ઉજવવામાં આવે છે. GST એ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વસૂલવામાં આવતા બહુવિધ કરને બદલે છે. ભારતમાં ચાર પ્રકારના GST છે: એટલે કે ઈન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (IGST), સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (SGST), સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST), અને યુનિયન ટેરિટરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (UTGST). જીએસટી આજે તો વૈશ્વિક સ્તરે વ્યાપક પ્રચલિત વેરો બની ગયો છે. ભારતે પણ ૨૦૧૭મા વેપાર વેરા, સર્વિસ ટેક્સ વગેરેના સ્થાને આ વેરો આવ્યો પછી શરૂઆતી મુશ્કેલીઓ પછી ઘણી સરળતા થઇ ગઇ. જો કે હજી પણ પેટ્રોલ, ડીઝલ જેવી કેટલીક વસ્તુઓને આ વેરા હેઠળ આવરી લેવામાં આવી નથી અને સેન્ટ્રલ એકસાઇઝ જેવા વેરા લાગુ પડે છે.

નિષ્ણાતો જણાવે છે કે જીએસટીની માસિક આવકમાં બે આંકડાનો વધારો એ અર્થતંત્રની મજબૂતાઇ દર્શાવે છે અને જીએસટીમાં આગામી પેઢીના સુધારાઓ માટેનો માર્ગ મોકળો કરે છે. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે ૨૦૨૩-૨૪માં જીએસટનો મજબૂત દેખાવ ચાલુ રહ્યો હતો અને હાલમાં ૩૧મી માર્ચે પુરા થયેલા નાણાકીય વર્ષમાં એક સીમાચિન્હરૂપ આવક કે જેમાં કુલ જીએસટી આવક રૂ. ૨૦.૧૮ લાખ કરોડ થઇ છે જે તેની અગાઉના નાણાકીય વર્ષ કરતા ૧૧.૭ ટકાનો વધારો દર્શાવે છ.

માર્ચ ૨૦૨૪માં રિફંડો પછીની જીએસટીની ચોખ્ખી આવક રૂ. ૧૮.૦૧ લાખ કરોડ થઇ હતી, જે એક વર્ષ અગાઉના આ જ સમયગાળાની સરખામણીમાં ૧૩.૪ ટકાનો વધારો દર્શાવે છે. જીએસટીની આવકમાં ગયા વર્ષે ડબલ ડીજીટનો વધારો જોતા પીડબલ્યુસીના ભાગીદાર પ્રતિક જૈન કહે છે કે જીએસટીની આવક આગામી મહિનાઓમાં સુધરે જ એવી આશા છે ત્યારે તે બાબત જીએસટીમાં સુધારાઓના નવા મોજાનો માર્ગ મોકળો કરી શકે જેમાં દર તર્કસંગતીકરણનો પણ સમાવેશ થાય છે. આ પહેલા પણ અનેક સુધારા અને સરળીકરણ થયું છે. હવે જ્યારે જીએસટીની આવકમાં સરકારને મોટો વધારો થયો છે ત્યારે નવા અનેક સુધારાઓની અપેક્ષા રાખી શકાય.

Most Popular

To Top