Comments

જીવનમાં સાવધ રહેવું જરૂરી છે, પણ અટકવું નહીં

માર્ચ મહિનાની શરૂઆતમાં જ સોશ્યલ મિડિયા પર એક સ્પેનિશ દંપતીનો વિડિયો વાયરલ થયેલો. વિડિયો ઘણાં લોકોએ જોયો હશે. તેઓ સ્પેનીશમાં વાત કરતાં હતાં. મહિલા દેખીતી રીતે ઘાયલ હતી અને તેના પતિના અવાજમાં પણ વચ્ચે વચ્ચે ડૂમો વર્તાતો હતો. મહિલા ઉપર સાત પુરુષોએ સામુહિક બળાત્કાર કર્યો હતો અને તેમના પતિને માર માર્યો હતો. દંપતી રોડ પ્રવાસી છે. મહિલા ટ્રાવેલ વ્લોગ પણ બનાવે છે, જેના અનેક દેશોમાં ફોલોઅર છે. ઘટના સમયે તેઓ ભારતમાં લગભગ 20000 કી.મી. કાપી ઝારખંડ માંથી પસાર થઈ રહ્યાં હતાં. રાત્રિ રોકાણ માટે એક ગામની નજીક પોતાનો ટેન્ટ બાંધીને રોકાયાં ત્યાં આ ઘટના બની. સાતેય ગુનેગાર 19 થી 24 વર્ષની વયના બેરોજગાર  નવજુવાનિયા છે.

સોશ્યલ મિડિયાની પોસ્ટ જોઈ દુનિયાભરમાં આક્રોશ ઠલવાયો. ભારત સ્ત્રીઓ માટે કેટલું અસલામત છે એ વાત ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી. પાછલાં દસેક વર્ષોમાં વિદેશી મહિલાઓ પર થયેલા દરેક પ્રકારના દુ:વ્યવહારને યાદ કરાયા. જો કે આક્રોશ ખૂબ ઝડપથી શાંત પણ પડી ગયો. એનાં મુખ્યત્વે બે કારણો છે. પહેલું કારણ,  કોઈ પણ ન્યાયિક પ્રક્રિયા પાસે અપેક્ષિત હોય એ ત્વરા અને નિષ્ઠાથી કાર્યવાહી થઈ. શક્ય છે કે વિદેશી મહિલાના વ્લોગ થકી દુનિયાભરમાં થતી બદનામી રોકવાનો આશય હોય, પણ હકીકત છે કે પોલીસે  ખૂબ ઝડપથી બધા આરોપીઓની ધરપકડ કરી, ઝારખંડ હાઈકોર્ટે પણ સુઓમોટો નોંધ લઈ યોગ્ય કાર્યવાહી શરૂ કરી અને મહિલા આયોગ પણ તરત જ હરકતમાં આવી. ઝારખંડ સરકારે દંપતીને દસ લાખ રૂપિયાનું વળતર પણ આપ્યું. કાશ, આપણું તંત્ર આવી કાર્યદક્ષતા અને સંવેદનશીલતા બળાત્કારની દરેક ઘટનામાં બતાવતું હોત!

બીજું કારણ, ભોગ બનનાર દંપતીનો હકારાત્મક અભિગમ જે સરાહનીય છે. પ્રાથમિક સારવાર પછી હોસ્પિટલમાંથી રજા મળતાં જ તેમણે તેમનો પ્રવાસ ચાલુ રાખ્યો, અટકાવ્યો નહીં. ભવિષ્યમાં પ્રવાસ કરશે જ અને આવી દુ:ખદ ઘટનાથી અટકી નહીં જાય એ સ્પષ્ટતા કરી. ભારત છોડતાં પહેલાં પત્રકારોને તેમણે કહ્યું કે આ ભયંકર ઘટનાના ઘા ઊંડા અને કદી રુઝાય એવા નથી. પણ ઘટનાને પાછળ છોડી આગળ વધવાનું છે. આ અનુભવને કારણે સતત ભયમાં રહેવું યોગ્ય નથી.  આજે સ્ત્રીઓએ દરેક ક્ષેત્રમાં પદાર્પણ કર્યું છે પણ સ્ત્રીવિરોધી માનસિકતા ગઈ નથી, જે ડગલે ને પગલે પડકાર ઊભા કરે છે. 

મૌખિકથી લઈને શારીરિક છેડછાડ અને બળાત્કાર સુધીના હુમલા થવાનો ભય લગભગ દરેક ક્ષેત્રમાં છે. પસંદગી એ કરવાની છે કે ભયથી ડરીને બેસી રહેવું કે પછી દરેક પ્રકારના હુમલાનો હિમ્મતભેર સામનો કરવો. સ્પેનિશ પ્રવાસી મહિલાએ બીજો વિકલ્પ પસંદ કર્યો છે. આટલા ગંભીર ગુનાનો શિકાર બન્યા પછી જીવનના મિશનને આગળ ધપાવવા એ તરત જ ઊભી થઈ ગઈ. એણે એક જવાબમાં કહ્યું કે કયા કામમાં ખતરો નથી, અકસ્માત થવાનો ભય તો ગાડી ચલાવતાં કે હોટેલનાં પગથિયાં ચડતાં પણ રહેલો છે. જીવનમાં સાવધ રહેવું જરૂરી છે પણ, અટકવું નહીં. આ અભિગમ દરેક મહિલાએ સમજવા અને અપનાવવા જેવો છે.

બીજો મહત્ત્વનો મુદ્દો છે કે ઘટનાના આટલા ઓછા સમય પછી પણ તેઓ ઈષ્ટ – અનિષ્ટ વચ્ચેનો ભેદ કરી શકતાં હતાં. મહિલાએ બહુ સ્પષ્ટ ભાષામાં કહ્યું હતું કે એના મન પર આ ઘટનાના ઘા ખૂબ ઊંડા છે પણ એ સિવાયનો  ભારતનો પ્રવાસ સુખદ રહ્યો છે. જે થયું એ માટે સમગ્ર દેશને જવાબદાર નથી ગણતી, મોટા ભાગનાં ભારતીયોનું વર્તન સારું જ હતું,  ફરિયાદ માત્ર ગુનેગાર સામે છે. આ બહુ મોટી અને મહત્ત્વની વાત છે.

તેમના આ અભિગમથી આ ઘટના પ્રત્યેનો આક્રોશ અઠવાડિયામાં શમી ગયો અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની બદનામી થતી અટકી એ તો સાચું, પણ અહીં શેતાનિયતને માનવતાથી છૂટી પાડવાની આ મહિલાની સમજ ખૂબ અગત્યની છે.  એક ખરાબ અનુભવને આધારે આખા સમુદાય માટે અવધારણા બાંધી લઈ સૌને કાળા કેમ ચિતરાય? દરેક કોમ કે સમુદાયમાં મુઠ્ઠીભર લોકો જ ગુનાહિત માનસ ધરાવતા હોય છે. એમની કરતૂતના આધારે સમગ્ર સમુદાય અંગે મત કઈ રીતે બંધાય? ગુનેગારને અલગ તારવીને એમની સામે કાર્યવાહી કરવી એ જ યોગ્ય ઉકેલ છે, જે  આ કિસ્સામાં પોલીસે કર્યું. 

બાકી વિચારો, આ ઘટના પછી આખા દેશને ગુનેગારના કઠેડા પાછળ ઊભા કરી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને ‘બળાત્કારના કેપિટલ’માં ખપાવવાનું સહેલું હતું.  કાશ, રાજકીય નેતાઓ આ ડહાપણથી કામ લેતા હોત તો વિશ્વના ઈતિહાસમાં ઘણી નફરત અને  હિંસા અટકાવી શકાઈ હોત. માનવ ઇતિહાસ આટલો લોહીથી ખરડાયેલો ના હોત. કમનસીબે સત્તાની ભૂખ સામે ડહાપણ ફીકું સાબિત થાય છે એટલે નફરતી પ્રચારનો અતિરેક થાય ત્યારે આપણો અભિપ્રાય બાંધતાં પહેલાં આ સ્પેનિશ મહિલાની વિવેકબુધ્ધિને ધ્યાનમાં રાખવા જેવી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top