Editorial

ટેકનોલોજી અને આઇટી સેકટરમાં નોકરીઓની અઢળક તકોનો સમય પુરો થયો?

થોડા વર્ષ પહેલા અમેરિકી સરકારના બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સ દ્વારા એવી આગાહી કરવામાં આવી હતી કે ટેકનોલોજી સેકટરમાં નોકરીઓનો તકોમાં વધારો ચાલુ રહેશે. આ કાર્યાલય દ્વારા એવો અંદાજ મૂકવામાં આવ્યો હતો કે કોમ્પ્યુટર અને આઇટી જોબ્સ – જેમાં સોફ્ટવેર ડેવલપરો, ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટરો, ડેટા એનાલિસ્ટો વગેરેની નોકરીઓ આવી જાય છે તેમાં ૨૦૧૯થી ૨૦૨૯ સુધીમાં ૧૧ ટકાના દરે વિકાસ થશે. અન્ય કોઇ પણ સેકટરમાં નોકરીઓની સંખ્યામાં વિકાસ કરતા ઘણો ઝડપી વિકાસ કોમ્પ્યુટર અને માહિતી ટેકનોલોજી એટલે કે આઇટી સેકટરની નોકરીઓમાં થશે એવો અંદાજ મૂકવામાં આવ્યો હતો પરંતુ આજે આપણે જોઇ રહ્યા છીએ કે ટેકનોલોજી અને આઇટી કંપનીઓ નવા કર્મચારીઓને ભરતી કરવાનું તો બાજુએ રહ્યું પણ હજારો કર્મચારીઓને છૂટા કરી રહી છે.

છેલ્લા કેટલાક મહિનાઓમાં ટેકનોલોજી અને આઇટી કંપનીઓએ હજારો કર્મચારીઓને છૂટા કરી દીધા છે. આમાં ગત સપ્તાહના અંતભાગે એક વધુ મોટા આંચકાના સમાચાર એ આવ્યા કે વિશ્વના ટોચના સર્ચ એન્જિનની સર્જક એવી મહાકાય ટેક કંપની ગૂગલે વિશ્વભરમાંથી તેના બાર હજાર જેટલા કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય કર્યો છે. ગૂગલ વિશ્વભરમાંથી તેના ૧૨૦૦૦ જેટલા કર્મચારીઓની છટણી કરશે એમ આ કંપનીના સીઇઓ સુંદર પિચાઇએ શુક્રવારે જાહેરાત કરી હતી. પોતાના કર્મચારીઓને મોકલેલા ઇ-મેઇલમાં ભારતીય મૂળના સીઇઓ એવા સુંદર પિચાઇએ કહ્યું હતું કે મારે કેટલાક મુશ્કેલ સમાચાર આપવાના છે. અમે અંદાજે ૧૨૦૦૦થી અમારા કર્મચારીગણમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.

પિચાઇએ જણાવ્યું હતું કે ગૂગલ ખાતેની છટણીઓ તેની કામગીરીઓની સખત સમીક્ષા કરાયા બાદ કરવામાં આવી છે. જે નોકરીઓમાં કાપ મૂકવામાં આવ્યો છે તેમાં આલ્ફાબેટ, પ્રોડક્ટ વિભાગો, ફંકશન્સ, વિવિધ લેવલો અને રિજિયનો ખાતેની નોકરીઓનો સમાવેશ થાય છે. છેલ્લા બે વર્ષમાં અમે નાટ્યાત્મક વિકાસનો સમયગાળો જોયો છે. તેને પહોંચી વળવા અને વિકાસને વેગ આપવા અમે ઘણી ભરતી કરી હતી પણ આજે અમે જુદી આર્થિક વાસ્તવિકતાનો સામનો કરી રહ્યા છીએ એ મુજબ પિચાઇએ પોતાના ઇમેઇલમાં જણાવ્યું હતું. અને તે સાથે વૈશ્વિક આર્થિક મુશ્કેલીઓ વચ્ચે કર્મચારીઓમાં સામૂહિક ઘટાડો કરનાર માઇક્રોસોફ્ટ, ફેસબુક અને એમેઝોન પછી ગૂગલ એ નવી ટેક જાયન્ટ કંપની બની છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહની શરૂઆતમાં માઇક્રોસોફ્ટે ૧૦૦૦૦ નોકરીઓમાં કાપ અથવા તેના પ ટકા વર્કફોર્સમાં કાપની જાહેરાત કરી હતી. એમેઝોને પણ ૧૮૦૦૦ કર્મચારીઓને હાલમાં ફરીથી છૂટા કર્યા છે. ફેસબુકની પેરન્ટ કંપની મેટા ૧૧૦૦૦ કર્મચારીઓ ઘટાડી રહી છે. વિશ્વ ભરની ટેક કંપનીઓમાં છટણીઓનો દોર ચાલી રહ્યો છે અને વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓમાંથી હજારો લોકોએ નોકરીઓ ગુમાવી છે તેમાં એમેઝોનના અઢાર હજાર જેટલા કર્મચારીઓનો ઉમેરો થયો છે જેમને કંપનીએ માત્ર એક ઇ-મેઇલ વડે જાણ કરીને ટાઢાશથી છૂટા કરી દીધા છે.

છટણીઓના નવા દોરમાં એમેઝોનના ૧૮૦૦૦ કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. જેમને ઇ-મેઇલ કરીને જાણ કરી દેવામાં આવી હતી કે તમને નોકરીમાંથી છૂટા કરવામાં આવે છે. ગયા બુધવારે સવારે જ્યારે આ કર્મચારીઓ જાગ્યા ત્યારે આ ઇ-મેઇલ જોઇને તેઓ આંચકો ખાઇ ગયા હતા. કંપનીએ આ કર્મચારીઓની તેમના કોમ્પ્યુટરો અને ઓફિસો માટેની એક્સેસ પણ કાપી નાખી હતી. બિઝનેસ ઇન્સાઇડર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ કર્મચારીઓને મોકલાયેલા ઇ-મેઇલમાં એવું પણ લખાયું હતું કે તત્કાળ અસરથી હવે તમારે એમેઝોન વતી કોઇ કામ કરવાની જરૂર નથી.

કેવા ઠંડા કલેજે એમેઝોને પોતાના હજારો કર્મચારીઓને છૂટા કરી દીધા છે તે અહીં જોઇ શકાય છે. બીજી બાજુ ગૂગલમાંથી જે કર્મચારીઓને છૂટા કરવામાં આવી રહ્યા છે તેમને વળતર અને મદદની ખાતરી કંપની તરફથી આપવામાં આવી છે. ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ કહ્યું કે અમે પૂરા નોટિફિકેશનના સમય(ઓછામાં ઓછા ૬૦ દિવસ) દરમ્યાન કર્મચારીઓને પૂરો પગાર આપીશું. અમે સેવરન્સ પેકેજ આપી રહ્યા છીએ જે ૧૬ સપ્તાહના પગારથી શરૂ થશે. તેમણે જણાવ્યું કે ૨૦૨૨ના બોનસ અને બાકી રજાઓના બદલામાં રોકડમાં ચુકવણી કરવામાં આવશે. છૂટા કરાઇ રહેલા લોકોને છ મહિના સુધી આરોગ્ય સુવિધા સેવાઓ અપાશે અને નવી નોકરી શોધવામાં મદદ કરાશે.

જેમને અસર થતી હોય તેવા કર્મચારીઓને ઇમિગ્રેશન બાબતે પણ સહાય કરાશે. જો કે બધી કંપનીઓના કર્મચારીઓ ગૂગલના કર્મચારીઓ જેટલા ભાગ્યશાળી રહ્યા નથી. એમેઝોને કેવી રીતે પોતાના કર્મચારીઓને છૂટા કર્યા તે આપણે જોયુ઼ં, એમેઝોનને પુરા કદની ટેક કંપની તરીકે નહીં ગણીએ, તે ઓનલાઇન ટ્રેડિંગમાં વધુ કાર્યરત છે અને છૂટા કરાયેલા તેના કર્મચારીઓમાંથી ઘણા તેના ગોદામો વગેરેમાં કામ કરતા કર્મચારીઓ હોઇ શકે, પરંતુ અન્ય ટેક અને આઇટી કંપનીના છૂટા કરાયેલા કર્મચારીઓની સંખ્યા પણ હજારોમાં જાય છે. અગ્રણી સોશ્યલ મીડિયા કંપની ટ્વીટર એલન મસ્કના હાથમાં ગઇ તેના પછી તેમાંથી પણ હજારો કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા.

એક સમય હતો કે ઇન્ફર્મેશન ટેકનોલોજી(આઇટી)ના ક્ષેત્રે અઢળક નોકરીઓની તકો જોવાતી હતી. કોમ્પ્યુટર અને આઇટીના ક્ષેત્રમાં અઢળક તકો જોતા છોકરાઓ આ સેકટરને લગતા જ અભ્યાસ અને કોર્સીસ કરતા હતા. અમેરિકામાં તથા અન્યત્ર ભારતમાંથી ઘણા બધા આઇટી પ્રોફેશનલ્સ ગયા. હજી પણ હજારો ભારતીયો અમેરિકામાં આઇટી કર્મચારીઓ તરીકે કાર્યરત છે. ચીન જેવા દેશોમાંથી પણ ઘણા બધા યુવાનો આઇટી જોબ્સ માટે અમેરિકામાં ઠલવાયા. અમેરિકા ઉપરાંત અન્ય દેશોમાં પણ ટેક કંપનીઓમાં ઘણી તકો હતી પરંતુ હવે અચાનક સમય બદલાયો છે. સંજોગો ઘણી ઝડપથી બદલાયા છે અને આઇટી સેકટરમાંથી હજારો કર્મચારીઓ નોકરીઓ ગુમાવી રહ્યા છે. આઇટી સેકટર માટે સંજોગો ફરી સુધરે પણ ખરા, પરંતુ બોધપાઠ એક જ છે કે કોઇ સેકટરનો સૂર્ય હંમેશા મધ્યાહને રહી શકતો નથી. યુવાનોએ મલ્ટિ સ્કીલ ડેવલપમેન્ટ પર ધ્યાન આપવું જરૂરી છે.

Most Popular

To Top