Comments

‘સહજીવન માટેનું શિક્ષણ’: શિક્ષણનું એક ઉપેક્ષિત પાસું…!

માર્કેટિંગ, મેનેજમેન્ટ અને મેડિટેશન આ ત્રણ બાબતો વૈશ્વિકીકરણના આ આધુનિક યુગમાં મહત્ત્વની પુરવાર થઇ રહી છે. સાંપ્રત યુગમાં માહિતીના પ્રસારણ ક્ષેત્રે અને તેના સંગ્રહના ક્ષેત્રે અભૂતપૂર્વ ક્રાંતિ આવી છે, જેને પરિણામે હવે શિક્ષણ પ્રક્રિયાનો વિચાર વૈશ્વિક પરિપ્રેક્ષ્યના સંદર્ભમાં જ કરવો પડે તેમ છે. શિક્ષણના વૈશ્વિક પરિપ્રેક્ષ્યના સંદર્ભમાં, શિક્ષણ ક્ષેત્રે બે માંગ ઊભી થઇ છે: એક, સતત વધતા જતા જ્ઞાન સાથે સભ્યતાને અપનાવવી. બીજું, શિક્ષણ દ્વારા મોટા પાયા પર, ક્ષમતાપૂર્વક આ જ્ઞાન અને સભ્યતાનું પ્રસારણ કરવું. આ બંને માંગના સંદર્ભમાં જ શિક્ષણ તંત્ર ગોઠવવું જોઇએ એ સાંપ્રત સમયનો તકાજો છે.

અત્યાર સુધી આપણે સંખ્યાત્મક રીતે માત્ર માહિતીમૂલક શૈક્ષણિક કાર્યક્રમો ઘણા ચલાવ્યા! બાળકને તેના જીવનના પ્રારંભ કાળે જ માહિતીનો જથ્થો ઠાંસી દઇને તેમને ગોખણિયાં, પાંગળાં અને અસામાજિક બનાવ્યાં! હવે લાંબા સમય સુધી આ ચાલી શકશે નહિ. બાળકોને હવે એવી રીતે સુસજ્જ કરવાં પડશે કે જેનાથી તે આજીવન નવું-નવું શીખતાં રહે અને પોતાના જ્ઞાન, સમજ, આવડત અને કૌશલ્યો વડે વિકાસની ઉત્તમ તકો ઝડપી શકે. તે સાથે જ ઝડપથી પરિવર્તિત થતી આ સંકુલ દુનિયા સાથે સમાયોજન સાધી શકે. આ માટે શિક્ષણના ચાર આધાર સ્તંભો પર વિશેષ ધ્યાન આપવું પડશે. 1. જાણવા માટેનું શિક્ષણ 2. સર્જન માટેનું શિક્ષણ 3. બીજાઓ સાથે હળીમળીને જીવવા માટેનું, એટલે કે ‘સહજીવન’ માટેનું શિક્ષણ અને 4. અસ્તિત્વ ટકાવી રાખવા માટેનું શિક્ષણ.

જાણવા માટેનું શિક્ષણ બાળકોને આજીવન શિક્ષણ માટેનો પરવાનો આપે છે, અને આજીવન શીખતા રહેવા માટેનો પાયો બાંધી આપે છે. સર્વાંગી વિકાસ માટે જાણવું, એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરવું એ પ્રથમ અને મૂળભૂત સોપાન છે. પંચેન્દ્રિયો દ્વારા અને અંત:કરણ દ્વારા બાળક જે જ્ઞાન મેળવે છે તેમાંથી જ આગળ જતાં સમજણ અને ડહાપણ વિકસે છે જે પાછળ જતાં તેના અસ્તિત્વને ટકાવી રાખવાનો આધાર બને છે. આધુનિક યુગમાં જ્ઞાનનો વિસ્ફોટ થયો છે. અદ્‌ભુત વૈજ્ઞાનિક પ્રગતિ થઇ છે! તેને પહોંચી વળવા જાણવા માટેનું શિક્ષણ પ્રથમ સ્થાન પર આવે છે.

સર્જન માટેનું શિક્ષણ, એ જાણવા માટેના શિક્ષણની લગોલગ ચાલે છે. આ બંનેને એકબીજાથી અલગ પાડી શકાય તેમ નથી. બાળકો શાળામાં જે કંઇ શીખ્યાં છે તે તેમણે વ્યવહારમાં કેમ મૂકવું? ભવિષ્યનાં કામો સાથે શિક્ષણનું અનુકૂલન કેમ સાધવું એ સર્જન માટેના શિક્ષણનો પ્રમુખ હેતુ છે. યાદ રહે, સર્જન માટેના શિક્ષણનો અર્થ એવો નથી કે બાળકને કોઇ એક ચોક્કસ કામ માટેનું કૌશલ શીખવવું, જેનાથી તે કોઇ ચોક્કસ ઉત્પાદનમાં ફાળો આપી શકે. અહીં સર્જનનો અર્થ છે નવા-નવા આવિષ્કારોની શોધ.  જે બાળકના ભાવિ જીવનને વધુ સુખ-શાંતિથી ભરી દે!

સહજીવન માટેનું શિક્ષણ, એટલે બીજાઓ સાથે હળીમળીને જીવવા માટેનું શિક્ષણ. આ પ્રકારનું શિક્ષણ આપવું એ કદાચ આજના શિક્ષણ માટે સૌથી મહત્ત્વનો પ્રાણપ્રશ્ન છે અને પડકાર પણ છે. શું એવા પ્રકારનું શિક્ષણ વિકસાવવું શકય છે કે જેનાથી હિંસા, સંઘર્ષ ટાળી શકાય? તે સાથે અન્ય જાતિના લોકોના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યોને માન આપી શાંતિમય માર્ગે તેમના પ્રશ્નોના ઉકેલ લાવી શકાય? જો કોઇએ બીજાને સમજવું હોય તો પહેલાં તો પોતાની જાતને, પોતાના ‘સ્વ’ને સમજવાં પડે. નાનાં બાળકો તથા યુવાનોને દુનિયાદારીના ચોક્કસ દૃષ્ટિકોણ સમજાવવા પડે. આ માટે કુટુંબ દ્વારા, સમુદાય દ્વારા કે શાળા દ્વારા અપાતા ઔપચારિક કે અનૌપચારિક શિક્ષણમાં બદલાવ લાવવા પડે. વ્યકિત કોણ છે? તે શા માટે જન્મ્યો છે? એટલે કે વ્યકિતના જીવનનો હેતુ શો છે? આ પ્રકારની સમજ અને સભાનતા દ્વારા સહજીવનની સુગંધ પ્રસરાવી શકાય. સહજીવન માટેના શિક્ષણનું પાસું સૌથી વધુ ઉપેક્ષિત રહ્યું છે. બીજાં પાસાંઓ તો થોડે ઘણે અંશે શિક્ષણ દ્વારા ફળીભૂત થતાં જોવા મળે છે.

આજના સાંપ્રત યુગમાં, સહજીવન માટેના શિક્ષણની તાતી જરૂરિયાત છે. કેમકે ન્યુકિલયર ફેમિલીની સંખ્યામાં વધારો થતો જાય છે! લોકો અનિશ્ચિતતાના ભયનો સામનો કરી રહ્યા છે! તેમાં કોરોનાનો કહેર તાજો-તાજો ભય છે! કોઇ પણ વ્યકિત આજે હિંસા સામે સલામત નથી! પછી તે માનવસર્જીત હોય કે કુદરત સર્જીત! આને કારણે સમાજમાં અસ્પષ્ટતાઓ જન્મી છે, કેમકે એક બાજુથી જેમ એકતાનાં પરિબળો અગાઉ કરતાં મજબૂત બન્યાં છે તેમ બીજી બાજુથી ભાગલા પાડનારાં તથા સંઘર્ષ વધારનારાં પરિબળો પણ વધી ગયાં છે! તેથી હવે આપણે પરસ્પર એકમેકને સમજવાં પડશે. એકમેકની વધુ નજીક આવી પરસ્પરના સુખ દુ:ખના ભાગીદાર બનવું પડશે. (સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને) શિક્ષણ દ્વારા અન્યને અને પછી સમગ્ર સમાજને સમજવો પડશે, પછી દુનિયાને સમજવી પડશે, અને તે માટેની શરૂઆત આપણી જાતને, આપણા ‘સ્વ’ને ઓળખવાથી કરવી પડશે. આપણા નિજી, સંકુચિત, સ્વાર્થનો ત્યાગ કરી સમૂહના હિતનો વિચાર કરવો પડશે.

શાંતિ માટેના નોબલ પારિતોષિક વિજેતા, ‘ડેસ્મંડ ટૂટૂ’ કહે છે: ‘આપણે પરસ્પરાવલંબન, સખ્યભાવ, સમન્વય અને સહજીવન માટે જ સર્જાયા છીએ.એકલો માણસ તો વદતોવ્યાઘાત જ ગણાય. શસ્ત્રો પાછળ આજનાં રાષ્ટ્રો કરોડો રૂપિયા ખર્ચે છે. મોતના બજેટ ઘડે છે. હવે પછીનો નવો વિશ્વ સમાજ શોષણ પર નહિ, પરંતુ ભાગીદારીની ભાવના, સહજીવનની સમજણ પર જ નભી શકશે.- પછી આગળ નોંધે છે… જો હવે આપણે ભાઇઓની માફક સાથે મળીને જીવતાં નહિં શીખીશું તો,…  મૂર્ખાઓની માફક સાથે મળીને મરીશું!!’

ડેસ્મંડ ટૂટૂનું ઉપરોકત વિધાન કેટલું સૂચક છે? સહજીવનની સુગંધ માનવજાતમાં મનની કેળવણી સિવાય શી રીતે સંભવી શકે? અશાંતિ, તિરસ્કાર, પૂર્વગ્રહો, અભિગ્રહો, યુદ્ધો છેવટે તો માનવીના મનમાં જ શરૂ થાય છે તેથી તેનો અંત પણ માનવીના મનને કેળવીને જ લાવી શકાય. ઉપરોકત પાસાંઓને આજના શિક્ષણ સાથે સરખાવીએ તો જણાશે કે આજના સાંપ્રત- વાસ્તવિક શિક્ષણ દ્વારા આમાંનું કશું જ કરી શકાયું નથી! અરે! સારો માણસ બનાવવાની વાત તો બાજુ પર, સારા વ્યાવસાયિકો પણ તૈયાર કરી શકતા નથી! આદર્શ શિક્ષક, પ્રામાણિક ડોકટર કે શ્રેષ્ઠ એન્જિનિયર દૂરનું સ્વપ્ન બની ચૂકયું છે. સહજીવન માટેનું શિક્ષણ શરૂ થાય તો આશાનું કિરણ પ્રગટે એવું લાગે છે. અભ્યાસક્રમ, શિક્ષણ પદ્ધતિ, મૂલ્યાંકન વગેરેમાં ધરમૂળથી ફેરફાર લાવવા પડશે તો અને તો જ શિક્ષણના આ ઉપેક્ષિત પાસાને અપેક્ષિત પાસામાં બદલી શકાશે. આટલી સીધી સાદી વાત કોણ સમજશે? કયારે સમજશે?
– વિનોદ પટેલ
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top