Comments

ગુજરાતના શિક્ષણ ખાતામાં પણ સ્વચ્છતા અભિયાન જરૂરી છે?

લોકશાહીમાં ફરિયાદ થાય તો પગલાં લેવાય એ તો સામાન્ય બાબત છે, પણ ખરું કાયદો વ્યવસ્થાનું તંત્ર ત્યારે જ કહેવાય, જયારે તંત્ર જાતે પોતે તપાસ ચલાવી અને પગલાં લે. ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે હવે સમય થયો છે કે શિક્ષણ ખાતું જાતે ગેરરીતિઓની તપાસ કરે અને પગલાં ભરે. જયારે ગુજરાતમાં કેશુભાઈ પટેલની સરકારમાં નલિન ભટ્ટ શિક્ષણ મંત્રી હતા ત્યારે તેમને આવું શુદ્ધિકરણ હાથ ધરાયું હતું. બોગસ સ્કૂલો પકડી પાડવામાં આવી હતી. બોગસ શિક્ષકોને ઘરે બેસાડવામાં આવ્યા હતા. માત્ર કાગળ પર ચાલતી સંસ્થાઓ પર તવાઈ આવી હતી. સાથે સપ્તાહે શિક્ષણાધિકારીની કચેરીમાં કામનો ધમધમાટ જોઈ શકાતો હતો, પણ આ લાંબુ ના ચાલ્યું.

રાજકીય ઉથલપાથલ સાથે શિક્ષણનું શુદ્ધિકરણ અટકી ગયું. પછી  શ્રીમતી આનંદીબેન પટેલ શિક્ષણ મંત્રી થયાં. હવે શિક્ષણ સંસ્થાઓને બદલે શિક્ષકો પર તવાઈ આવી. ટયુશનિયા શિક્ષકો અને કલાસીસો પર તવાઈ આવી. શિક્ષણ અધિકારીઓ વિડિયો કેમેરા લઇ ફરતા અને ટયુશનિયા શિક્ષકો, અધ્યાપકોને પકડતા. ઘણાએ આ કારણે રાજીનામાં આપ્યાં. ટ્યુશન કલાસીસ વિરુધ્ધની આ ચળવળમાં ટયુશનની બદી દૂર કરવા સ્કુલ શિક્ષણ સુધારવા પર ભાર ના અપાયો અને આખી ચળવળ શિક્ષકો વિરુધ્ધ હોય એવો ઘાટ ઘડાયો. આ જ ગાળામાં ગુજરાતમાં ખાનગી સ્કૂલોનું પ્રમાણ મોટી સંખ્યામાં વધ્યું અને પછી શિક્ષણ ક્ષેત્રે જાણે વ્યાપક ઉદાસીનતા આવી ગઈ.

અત્યારે ગુજરાતનું શિક્ષણ ક્ષેત્ર કોઇ પણ જાતના નિયંત્રણ વગરનું ચાલી રહ્યું છે. વચ્ચે થોડો સમય સ્કૂલોની ફી બાબતે અસંતોષ ઊભો થયો. સરકારે એક કમિટી બનાવી. એક કાયદો બનાવ્યો, પણ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર ના થયો. અત્યારે ગુજરાતમાં સ્થિતિ એવી છે કે તમારે ખાનગી યુનિવર્સિટી ચાલુ કરવી હોય, કોલેજ ચાલુ કરવી હોય કે સ્કૂલ ખોલવી હોય. શરૂઆતના સમયે બધી તપાસ અને વિગતો મંગાવાય છે, પણ જો એક વાર તમને સ્કુલ, કોલેજ કે યુનિવર્સિટી સ્થાપવાની મંજૂરી મળે પછી લીલાલહેર હોય છે. ગુજરાતનું શિક્ષણ ખાતું મંજૂરી આપ્યા પછી નિયમો પળાય છે કે નહિ ? તેની કોઈ તપાસ નથી કરતું. આપણે આપણા આ લેખ દ્વરા આપણા શિક્ષણમંત્રીશ્રી અને શિક્ષણ ખાતાના અધિકારીઓને વિનંતિ કરીએ છીએ કે સાહેબ રાજ્યના નાગરિકોના ભલા માટે અને આવનારી પેઢીના ઉજજવળ ભવિષ્ય માટે આપ આપની ઓફિસોમાંથી નીકળો અને જાતે જુવો કે ગુજરાતમાં સ્કૂલો કોલેજોમાં શું ચાલે છે?

ગુજરાતની એક યુનિવર્સિટીમાં ફરિયાદ થઇ હતી કે સેલ્ફફિનસ સાયન્સ કોલેજોમાં નોકરી કરતાં અધ્યાપકો આ જ સંસ્થાની સેલ્ફ ફાઈનાન્સ બી.એડ. કોલેજોમાં વિદ્યાર્થી પણ છે.પણ આ ફરિયાદનો કોઈ ઉકેલ આવ્યો નથી. ગુજરાતમાં એક તપાસ મુજબ અનેક ગ્રાન્ટ ઇન એડ બી.એડ. કોલેજોમાં પૂરતા સ્ટાફના અભાવે આ કોલેજોની માન્યતા રદ કરવામાં આવી હતી. આ કોલેજો બંધ કરવામાં આવી હતી. જ્યારે બીજી બાજુ આજે પણ એક જ રૂમમાં કાગળ પર ચાલતી સેલ્ફ ફીનાન્સ બી.એડ. કોલેજો ચાલુ છે અને તપાસમાં તેમની પોલ પણ નથી ખુલી! 

ગજરાતની બી. એડ. કોલેજોમાં એક શબ્દ અત્યારે ખૂબ ચાલે છે અને તે છે “પ્રોફાઈલ”. બી. એડ. કોલેજોમાં લાયકાતવાળાં અધ્યાપકો મળતાં નથી અને જે મળે છે તે મોટા પગાર માંગે છે માટે ઓછા પગારે વગર લાયકાતવાળાં અધ્યાપકો રાખવા માટે બી. એડ. કોલેજોના સંચાલકોએ રસ્તો અપનાવાયો છે ડમી અધ્યાપકોનો, લાયકાતવાળા કોઈ યુવાનને કહેવાનું કે તારી માર્કશીટ, ડીગ્રી સર્ટિ ,બધું અમને આપ અમે તને નોકરીએ રાખીએ છીએ. તારે કોલેજ આવવાનું નહીં. માત્ર તારી ફાઈલ અમારી કોલેજમાં ચાલશે. તારા બદલે અહીં બીજો ભણાવશે.

તારે વરસે દાડે ઉચ્ચક રૂપિયા લઇ જવાના. આને કહેવાય પ્રોફાઈલ ચલાવવી.જો ગુજરાત સરકાર ખરેખર ભ્રષ્ટાચાર અને કાળા નાણાંને નાથવા માંગતી હોય તો તાત્કાલિક આવી કોલેજો પર દરોડા પાડે અનેક એવી કોલેજો પકડાશે, જેના અધ્યાપકો મધ્યપ્રદેશ કે રાજસ્થાનમાં રહેતાં હશે. આવું જ વિદ્યાર્થીઓનું છે. ગુજરાતની અનેક બી.એડ. કોલેજોમાં રાજસ્થાનના વિદ્યાર્થીઓ છે, જેઓ માત્ર પરીક્ષા આપવા જ આવે છે અને એક બીજું કૌભાંડ તો જાણવા જેવું છે. સરકાર આદિવાસી વિદ્યાર્થીઓને સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં ભણવા માટે જે આર્થિક મદદ કરે છે તે હડપ કરી જવા આ સેલ્ફ ફાઈનાન્સ કોલેજો ગુજરાતનાં આદિવાસી વિદ્યાર્થીઓને એડમિશન આપે છે.

તેમને કોલેજોમાં આવવાનું નહિ, માત્ર પરીક્ષા આપવા આવવાનું અને તેમનું એડમિશન બતાવી કોલેજો સરકાર પાસેથી રૂપિયા મેળવી લે છે. શિક્ષકો હમેશાં ફરિયાદ કરતા હોય છે કે હવે તો ખાલી પગાર નિયમિત થાય છે. બાકી એરિયર્સ , બઢતી, ઇવન પેન્શનની ફાઈલો પણ વ્યવહાર કર્યા પછી થાય છે. મજા તો એ છે કે વ્યવસ્થા એટલી સુચારુ ગોઠવાઈ ગઈ છે કે ફાઈલ સાથે જ વ્યવહાર થઇ જાય છે અને અધ્યાપક કે શિક્ષણ સમુદાયના આગેવાનો જ આ આખી વ્યવસ્થા સુચારુ ચાલવામાં મદદ કરતાં હોય તેવું લાગી રહ્યું છે. જેમને લડવાનું છે તે જ વચેટિયાનું કામ કરે તો સામાન્ય માણસ જાય ક્યાં ?તો જાગો શિક્ષણ ખાતાના અધિકારીઓ જાગો અને આ વ્યાપક અનિયમિતતાઓ પકડો.એ તમારી ફરજ પણ છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top