Editorial

શિયાળાના પ્રારંભે જ દિલ્હીમાં હવાના પ્રદૂષણની સમસ્યા શરૂ થઇ ગઇ

છેલ્લા કેટલાક વર્ષોથી સતત આ સિલસિલો ચાલુ છે કે શિયાળામાં દેશની રાજધાનીના શહેર દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ ખૂબ વકરે છે. શિયાળામાં ઠંડી હવાને કારણે થતા ધુમ્મસની સાથે વાહનો અને ફેકટરીઓમાંથી નિકળતો ધુમાડો ભળે છે અને પરિણામે ફોગ નહીં પણ સ્મોગ એટલે કે ધુમાડા મિશ્રીત ધુમ્મસનું આવરણ દિલ્હી પર છવાઇ જાય છે અને તે ધુમ્મસભર્યા દિવસોમાં સતત છવાયેલુ રહે છે.

તડકો થોડો ઉગ્ર બને, ધુમ્મસ ઓછું થાય એટલે આ સમસ્યા હળવી થાય છે, પરંતુ ફરી ધુમ્મસ વધે કે ફરીથી સ્મોગ છવાઇ જાય છે. શિયાળામાં આવું વારંવાર બનતું રહે છે. આ વખતે તો હજી શિયાળો માંડ શરૂ થયો અને દિલ્હીમાં હવાનું પ્રદૂષણ એકદમ વધી ગયું અને બીજી નવેમ્બરે ગુરુવારે દિલ્હીમાં હવામાં પ્રદૂષણનું સ્તર સિવિયર ઝોનમાં પ્રવેશ્યું તેના પછી કેન્દ્ર સરકારે ગુરુવારે દિલ્હી-રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં ખાસ જરૂરી હોય તે સિવાયની તમામ બાંધકામ કામગીરીઓ પણ પ્રતિબંધ મૂકી દીધો. આ ઋતુમાં પ્રથમ વખત પ્રદૂષણનું સ્તર સિવિયર ઝોનમાં પ્રવેશ્યું છે જ્યારે રાષ્ટ્રીય રાજધાનીના આકાશમાં ગાઢ ધુમ્મસનું આવરણ છવાઇ ગયું છે. હજી તો શિયાળાની શરુઆત છે અને આ સ્થિતિ છે ત્યારે ઠંડી ખૂબ વધે અને ધુમ્મસ વધુ ઘેરુ બને ત્યારે કેવી સ્થિતિ થશે તેની કલ્પના કરવાની રહે છે.

વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આગામી બે સપ્તાહમાં દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણમાં ઉછાળો આવી શકે છે ત્યારે ડોકરટોએ શ્વસનને લગતી સમસ્યાઓમાં સંભવિત વધારા અંગે ચેતવણી વ્યક્ત કરી હતી. દિલ્હી સરકારે પણ સ્થિતિની સમીક્ષા કરવા માટે શુક્રવારે એક તાકીદની બેઠક બોલાવી હતી. શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ(એક્યુઆઇ) ગુરુવારે સાંજે પાંચ વાગ્યે ૪૦૨ પર નોંધાયો હતો જે આ ઋતુમાં અત્યાર સુધી સૌથી ખરાબ છે. બુધવારે ૨૪ કલાકની સરેરાશ ૩૬૪, મંગળવારે ૩૫૯ અને સોમવારે ૩૪૭ હતી. ફક્ત દિલ્હી જ નહીં પણ પાડોશી રાજ્યો હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં પણ હાનિકારક હવા નોંધાઇ છે.

હવાના પ્રદૂષણના સ્તરમાં ઉછાળાથી ચેતી જઇને કેન્દ્રની પ્રદૂષણ નિયંત્રણ સમિતિએ બિન-આવશ્યક બાંધકામ પ્રવૃતિ, પથ્થર તોડવાની કામગીરી અને ખનન પ્રવૃતિ દિલ્હી-એનસીઆરમાં અટકાવી દેવા આદેશો જારી કર્યા હતા. બીજી બાજુ, હવામાં વધતા પ્રદૂષણના વધતા સ્તરને ધ્યાનમાં રાખીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે રાત્રે જાહેરાત કરી હતી કે દિલ્હીમાં આગામી બે દિવસ તમામ સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓ બંધ રહેશે. એટલે કે શુક્ર અને શનિવારે પ્રાથમિક શાળાઓ બંધ રહી હતી. શિયાળાની શરૂઆતમાં જ આ વખતે આવા પગલાઓ ભરવા પડ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શિયાળામાં દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક શહેરોમાં હવાની ગુણવત્તા બગડી જાય છે. ઠંડુ વાતાવરણ સ્થિત વાતાવરણીય સ્થિતિઓ સર્જે છે જેમાં ગરમ હવાનું સ્તર જમીન નજીક ઠંડી હવામાં ફસાઇ જાય છે જેનાથી પ્રદૂષક કણોને ભેગા થવાની અનુકૂળતા થઇ જાય છે. શિયાળામાં ધુમ્મસ થવું એ જ્યાં એકંદરે સખત શિ્યાળો અનુભવાય છે તે પ્રદેશોમાં સ્વાભાવિક બાબત છે. સદીઓથી આ થતું આવ્યું છે પરંતુ જ્યારથી વાહનો, કારખાનાઓ વગેરેમાંથી નિકળતા ધુમાડા, હવામાં ઉડતી સિમેન્ટની રજકણો વગેરે પ્રદૂષણનું પ્રમાણ વધ્યું ત્યારથી આ નવી સમસ્યા ઉભી થઇ છે.

ફોગ અને સ્મોક મળીને એક નવો સ્મોગ શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે જે ધુમાડા મિશ્રિત ધુમ્મસ માટે વપરાય છે. આ સ્મોગની સમસ્યા ફક્ત ભારતના જ નહીં પરંતુ વિદેશોના પણ અનેક શહેરોમાં શિયાળામાં સર્જાય છે. ચીનના બૈજિંગ અને શાંઘાઇ જેવા શહેરોમાં પણ શિયાળામાં આ સમસ્યા ખૂબ પરેશાન કરે છે. જે દેશોમાં પ્રદૂષણ નિયંત્રણના પગલાઓનો અમલ યોગ્ય રીતે થતો નહીં હોય ત્યાં ઠંડી ઋતુમાં પ્રદૂષણ ખૂબ વકરે છે. આપણે ત્યાં તો ઉત્તર ભારતમાં શિયાળામાં ખેતરોમાં પરાળ બાળવાની પ્રવૃતિ પણ ચાલે છે જે પણ મામલો ઓર બગાડે છે. દિલ્હી ઉપરાંત ચંદીગઢ, આગ્રા, હિસાર, રોહતક, કાનપુર વગેરે ઉત્તર ભારતના અનેક શહેરોમાં શિયાળામાં પ્રદૂષણની સમસ્યા વકરે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં દિલ્હીની વસ્તી ખૂબ વધી છે. વાહનોનું પ્રમાણ બેહદ વધ્યું છે, દિલ્હી શહેરની આજુબાજુના વિસ્તારોમાં કારખાના અને મિલો ખૂબ વધી છે અને પરિણામે હવામાં બેફામ ધુમાડો ઠલવાતો રહે છે. શિયાળામાં હવા ધુમ્મસયુક્ત બને અને તેમાં ધુમાડો ભળે અને પ્રદૂષક કણોને બહાર જવા નહીં મળે તેવા સંજોગોમાં હવાનું પ્રદૂષણ ખૂબ વધી જાય છે. આવા સંજોગો સર્જાય ત્યારે વિવિધ ઔદ્યોગિક પ્રવૃતિઓ પર હંગામી નિયંત્રણ, વાહનોના ઉપયોગ પર એકી-બેકી જેવી યોજનાઓ વડે આંશિક નિયંત્રણ જેવા પગલાઓ ભરવામાં આવે છે, પરંતુ આ બધા હંગામી પગલાઓ છે. ખરેખર તો પ્રદૂષણ કાયમી ધોરણે ઘટાડવા માટે નક્કર પગલાઓ અમલમાં મૂકવા જરૂરી છે.

Most Popular

To Top