Entertainment

ઈરફાનખાનનો દીકરો બાબીલ ‘કાલા’થી નજરમાં વસી જશે

ઇરફાનખાન તો હવે નથી પણ તેને યાદ કરાવવા તેનો પુત્ર બાબીલખાન આવી રહ્યો છે. અનુષ્કા શર્માએ નેટફલિક્સ માટે ‘કાલા’ નામની ફિલ્મ બનાવી છે. તેમાં બાબીલ દેખાશે અને ત્યાર પછી ‘ધ રેલવે મેન’ નામની વેબ સિરીઝમાં તે દેખાશે. ઘુંઘરાળા વાળવાળો બાબીલ પિતા ઈરફાનખાનની ‘કરીબ કરીબ સિંગલ’માં કેમેરા આસિસ્ટન્ટ હતો. લંડનની વેબમિનિસ્ટર યુનિવર્સિટીમાં ભણેલો બાબીલ ફિલ્મમાં જ B.A. થયો છે. અભિનયનું તેને આટલું ઘેલું છે કે એ માટે તેણે યુનિવર્સિટીનો અભ્યાસ પણ પડતો મુકેલો. તેને સમજાવાયો પછી જેમ તેમ અભ્યાસ પૂરો કર્યો. બાબીલખાન જાણે છે કે તેના પિતા ઈરફાનખાનની શું પ્રતિષ્ઠા હતી. તેની મમ્મી સુતપા સિંકદર સંવાદ લેખિકા છે. મતલબ કે તે હિન્દુ માતાને મુસ્લિમ પિતાનો પુત્ર છે અને કહે છે કે ધાર્મિક રીતે મારો ઉછેર થયો જ નથી. એટલે દિવાળી, હોળી, રક્ષાબંધનની સાથે જ હું ઈદને માણી શકું છું. અરે હું તો ચર્ચમાં પણ જાઉ છું.

બાબીલ પહેલી વાર મિડિયાની નજરે ત્યારે ચડેલો, જ્યારે તે તેના પિતાની અંતિમ વિધિમાં આવેલો. જો કે બાબીલ તો ત્યાર પછી ય પોતાની રીતે કામ શોધતો રહ્યો અને ‘ધ મેટ્રેસીસ મેન : ધ યોન ટુ એકશન’ નામની ઈંગ્લિશ શોર્ટ ફિલ્મમાં કામ કર્યુ. ત્યાર પછી ‘ધ રેલવે મેન’ મળી અને આ દરમ્યાન તેણે તેના લાંબા વાળ સાથેના એવા ફોટાઓ ઈન્સ્ટાગ્રામ પર મૂકયા. જેમાં તે સિગરેટ ફૂંકતો હોય ને દારૂ પીતો હોય. અલબત્ત, તેને પુસ્તકો વાંચવાનો, લેખનનો, ફોટોગ્રાફીનો અને ગિટાર વગાડવાનો શોખ છે. તે લુક્‌સમાં તેના પિતા જેવો છે પણ પિતાની ગેરહાજરીમાં કારકિર્દીની શરૂઆત કરી રહ્યો છે. ‘કાલા’માં તેની સાથે તૃપ્તિ ડિમ્રી છે અને આ ઉપરાંત સુજીત સરકારની પણ એક ફિલ્મ તેને મળી છે. જો કે ‘કાલા’ માટે તે પસંદ કરાયો, ત્યારે એ ફિલ્મની દિગ્દર્શક અન્વિતા દત્તેને ય ખબર નહોતી કે તે ઈરફાન ખાનનો દીકરો છે. તે કહે છે કે બાબીલ એક ફેન્ટાસ્ટિક એકટર છે અને ફિલ્મમાં સરસ કામ કર્યુ છે. બાબીલ પોતે પણ રાહ જોઈ રહ્યો છે કે ફિલ્મજગત અને પ્રેક્ષકો તેને કંઈ રીતે જુએ છે. તેને હમણાં ‘ફ્રાઈડે નાઈટ પ્લાન’ નામની નવી વેબ સિરીઝ પણ મળી છે, એટલે તે ખુશ તો છે જ. અત્યારે તે ‘કાલા’ની તૃપ્તિ પર ખુશ છે ને કહે છે કે તે આવનારી સમયની મોટી સ્ટાર છે. જો તેમ થાય તો ભલે પણ અત્યારે બધાની નજર બાબીલખાન પર જ છે.

Most Popular

To Top